ટ્રાફિક-ડિપાર્ટમેન્ટનો ગજબ ઝટકો

03 December, 2014 05:07 AM IST  | 

ટ્રાફિક-ડિપાર્ટમેન્ટનો ગજબ ઝટકો


રોહિત પરીખ

ઘાટકોપર-વેસ્ટમાં ઓલ્ડ માણેકલાલ એસ્ટેટથી LBC માર્ગ પર કુર્લા તરફ જવાના યુ-ટર્નને ટ્રાફિક-વિભાગે અચાનક બંધ કરી દેતાં ઓલ્ડ માણેકલાલ એસ્ટેટના રહેવાસીઓને નવાઈ લાગી છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે ટ્રાફિક-વિભાગે કોઈ પણ રોડને બંધ કરી દેતાં પહેલાં સ્થાનિક રહેવાસીઓનો આ બાબત પર મત લેવો જોઈએ.

આ માહિતી આપતાં પ્રૉપર્ટી- કન્સલ્ટન્સીનું કામ કરતા સામાજિક કાર્યકર મનીષ વોરાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘LBC માર્ગ પરના ટ્રાફિકને કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ ગયેલા ટ્રાફિક-વિભાગે હવે મનસ્વી નિર્ણય લઈને રોડ બંધ કરવાના શરૂ કર્યા છે. ઓલ્ડ માણેકલાલ એસ્ટેટના રહેવાસીઓએ કુર્લા તરફ જવું હોય તો તેમણે યુ-ટર્ન લેવા છેક એક કિલોમીટર દૂર ગંગાવાડી જંક્શન પહેલાં આવતી હોટેલ રોઆ પાસે જવું પડે એવી પરિસ્થિતિ કિરાણી લેન પાસેનો યુ-ટર્ન બંધ કરવાથી થઈ છે.’

આ બાબતને સમજાવતાં મનીષ વોરાએ કહ્યું હતું કે ‘પહેલાં અમે ફક્ત ૫૦ મીટરના અંતરમાંથી યુ-ટર્ન લઈને કુર્લા તરફ જઈ શકતા હતા. હવે આ યુ-ટર્ન બંધ થવાથી અમારે કુર્લા જવા માટે છેક ગંગાવાડી જંક્શન જવું પડશે. એનું કારણ એ છે કે એ પહેલાં મહાત્મા ગાંધી રોડ જંક્શન, સવોર્દય હૉસ્પિટલ જંક્શન પાસે યુ-ટર્ન છે જ નહીં. આ રોડ પર પર ૨૪ કલાક ટ્રાફિક-જૅમની સમસ્યા છે. એટલે ઓલ્ડ માણેકલાલ એસ્ટેટથી જે યુ-ટર્ન લેતાં અમને અત્યારે બેથી દસ મિનિટ લાગે છે એ જ યુ-ટર્ન લેવા અમે એક કિલોમીટર દૂર જઈશું તો અમને કલાકથી વધુ સમય લાગશે. આ બાબતનો ટ્રાફિક-વિભાગે વિચાર કર્યો છે ખરો? કે પછી લોકોના સમયની અને પૈસાની બરબાદી તરફ એમનું ધ્યાન જ નથી?’

આ અગાઉ ટ્રાફિક-વિભાગે LBC માર્ગ પર નિત્યાનંદ નગર જંક્શનથી વિક્રોલી તરફના યુ-ટર્નને પણ આવી જ રીતે અચાનક બંધ કરતું ર્બોડ લગાડી દીધું હતું, જેનો સાંઈનાથનગરના રહેવાસીઓએ સખત વિરોધ કર્યો હતો. પરિણામે ટ્રાફિક-વિભાગે હજી સુધી કોઈ વાહન યુ-ટર્ન લે તો એના પર ઍક્શન લેવાનું નથી રાખ્યું, પણ તેમણે હજી સુધી આ યુ-ટર્નનું ર્બોડ હટાવ્યું પણ નથી.