ખાડાઓ પૂરવાનો ખર્ચ ૭૧ કરોડ રૂપિયાથી વધીને ૨૭૯ કરોડ રૂપિયા થયો

20 November, 2014 05:07 AM IST  | 

ખાડાઓ પૂરવાનો ખર્ચ ૭૧ કરોડ રૂપિયાથી વધીને ૨૭૯ કરોડ રૂપિયા થયો


જોકે આ ખર્ચ સુધરાઈએ નહીં ઉપાડવો પડે. આ ખર્ચ જાહેર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ આપશે. આમાં સુધરાઈના પાણી, સ્ટૉર્મવૉટર ડ્રેનેજ અને ગંદા પાણીનું વહન કરનારી પાઇપલાઇનના વિભાગ તથા બેસ્ટ, ટેલિકૉમ ઑપરેટર્સ અને ગૅસ-કંપનીઓનો સમાવેશ છે.

સુધરાઈએ વર્ષની શરૂઆતમાં ખાડાઓ પૂરવા ૭૧ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું હતું, જે જુલાઈમાં વધીને ૧૪૦ કરોડ રૂપિયા થયું હતું અને નવેમ્બરમાં વધીને ૨૭૯ કરોડ રૂપિયા થયું હતું. જોકે આ કામ માટે નિમાયેલા કૉન્ટ્રૅક્ટરોને પ્રાઇવેટ કંપનીઓ નાણાં ચૂકવે છે. નિષ્ણાતો જણાવે છે કે માત્ર ખાડા પૂરવા પૂરતું નથી, આ માટે ચોક્કસ માપદંડો અપનાવવા જરૂરી છે. આવું નહીં થાય તો રસ્તાઓને કાયમી નુકસાન થાય છે.

આ અગાઉ સુધરાઈના વિભાગો દ્વારા રસ્તાઓના ખાડા પૂરવામાં આવતા હતા, જેમને યોગ્ય કાર્યપદ્ધતિની જાણ હતી. હવે આ કામ પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરો કરે છે અને તેઓ નિયમોનું પાલન કરતા નથી. રસ્તાઓ પર અન્ય સંસ્થાઓએ ખોદેલા ખાડા પૂરવા એક અસિસ્ટન્ટ સુધરાઈ કમિશનરની નિમણૂક થવી જોઈએ એમ સુધરાઈના ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર ડી. ડી. નાયકે જણાવ્યું હતું .

 સુધરાઈના રસ્તા વિભાગના એક એન્જિનિયરે આ બાબતે સુધરાઈનો બચાવ કરતાં જણાવ્યું હતું ‘અમે રસ્તા ખોદવાની પરવાનગી નકારી શકીએ નહીં, કારણ કે ટેક્નૉલૉજીમાં વારંવાર ફેરફાર થાય છે. વધુમાં આનો ખર્ચ સુધરાઈએ ઉપાડવો પડતો નથી.’