મીરા-ભાઇંદર, વસઈ-વિરારની સોસાયટીઓએ દર મહિને સફાઈ કરવાનો સંકલ્પ લીધો

20 November, 2014 05:06 AM IST  | 

મીરા-ભાઇંદર, વસઈ-વિરારની સોસાયટીઓએ દર મહિને સફાઈ કરવાનો સંકલ્પ લીધો


પ્રીતિ ખુમાણ ઠાકુર


મીરા રોડમાં સાંઈ કૉમ્પ્લેક્સમાં રહેતા નરેશ જૈને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લોકો પોતાના ઘરની સ્વચ્છતા રાખે છે, પણ ક્યારેય પોતાની સોસાયટી વિશે વિચારતા નથી. આથી સ્વચ્છતા અભિયાન અમે બહાર કરવાને બદલે પહેલાં અમારી સોસાયટીમાં જ શરૂ કર્યું છે; કેમ કે ડેન્ગી, મલેરિયા આ બધાની શરૂઆત આસપાસ થતી ગંદકીના કારણે જ થતી હોય છે. આથી અમારી સોસાયટીના સભ્યોએ ભેગા થઈને આખી સોસાયટી સાફ કરી હતી. આ ઉપરાંત હવે સભ્યોએ જ મળીને નિર્ણય લીધો છે કે સ્વચ્છતા એક-બે દિવસ દેખાડવા માટે નહીં કરીએ, દર મહિને ભેગા થઈને કરીશું.’

ગિરીશ ભારાણીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ક્વીન્સ પાર્ક ફેડરેશનનાં ૮થી ૯ બિલ્ડિંગના લગભગ ૧૫૦થી પણ વધારે રહેવાસીઓ ભેગા થયા હતા. આ બધાં જ બિલ્ડિંગના રહેવાસીઓએ મળીને અમારું ગાર્ડન તેમ જ આખો પરિસર સ્વચ્છ કર્યા હતા. આ દરમ્યાન જ અમને પોતાને એમ થયું કે આપણે દર મહિને આ કરવું જોઈએ. આ અભિયાનમાં દરેક ઘરની મહિલાઓ અને પુરુષો તેમ જ સિનિયર સિટિઝનોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.’

વસઈ-વેસ્ટમાં આનંદનગરમાં રહેતાં જ્યોતિ પરમારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ મોદીજીનો જાદુ છે કે જ્યાં ચાર લોકોને ભેગા કરવાનું ભારે પડી જાય છે ત્યાં હવે મોટી સંખ્યામાં લોકો સામેથી આવીને અભિયાનમાં જોડાઈ રહ્યા છે. અમારી સોસાયટીની સફાઈ કરીને અમે હવે સુધરાઈ જ્યાં સફાઈ ન કરે એવી જગ્યાએ પણ સફાઈ કરવાનું વિચારી રહ્યા છીએ. આથી ફક્ત અઠવાડિયું કે દસ દિવસ લોકોને દેખાડવા ઝાડુ હાથમાં નહીં પકડીએ, દર મહિને આ રીતે અભિયાન હાથ ધરીને સ્વચ્છતા રાખીશું.’