કર્જ ચૂકવવાના ટેન્શનમાં યુવાન ટેલરે રેલવેના પાટા પર સૂઈને કરી આત્મહત્યા

21 April, 2019 11:38 AM IST  | 

કર્જ ચૂકવવાના ટેન્શનમાં યુવાન ટેલરે રેલવેના પાટા પર સૂઈને કરી આત્મહત્યા

કર્જ ચુકવવામાં નિષ્ફળ રહ્યા ધર્મેશ પરમાર

વિદ્યાવિહાર (ઈસ્ટ)ના શાસ્ત્રીનગરનો રહેવાસી અને ઘાટકોપર (ઈસ્ટ)માં વલ્લભબાગ લેનમાં આવેલા જય જલારામ નગરમાં ટેલરિંગનો વ્યવસાય કરતા ૩૫ વર્ષના ધર્મેશ નરોત્તમ પરમારે શુક્રવારે મોડી રાતના વિદ્યાવિહાર સ્ટેશન પાસે પાટા પર સૂઈને આત્મહત્યા કરતાં ટેલરિંગ વ્યવસાયમાં સંકળાયેલા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ધર્મેશ છેલ્લા કેટલાય સમયથી આર્થિક મૂંઝવણમાં હતો. ઘાટકોપર (ઈસ્ટ)ની જોષી લેનમાં રહેતા નરોત્તમ પરમાર ઘણાં વષોર્થી ટેલરિંગના વ્યવસાયમાં છે. તેમનો મોટો પુત્ર ધર્મેશ લગ્ન પછી છ વર્ષ પહેલાં પિતાથી અલગ થઈને શાસ્ત્રીનગરમાં રહેતો હતો. આત્મહત્યાથી તેની ૩૨ વર્ષની પત્ની સોનલ અને છ વર્ષની દીકરી કે જેનો હજી પાંચ એપ્રિલે જ જન્મદિવસ ઊજવ્યો હતો તે બન્ને અત્યારે ધર્મેશના છત્ર વગરના થઈ ગયાં હતાં.

આ બાબતની માહિતી આપતાં ધર્મેશના મિત્ર ઉમેશ વઢવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધર્મેશ તેની પત્ની સોનલ સાથે છ વર્ષ પહેલાં જ પહેરેલે કપડે તેના પિતા અને નાના ભાઈ કલ્પેશથી જુદો થઈ ગયો હતો. ત્યાર બાદ તેણે ભાડાની જગ્યા લઈને તેનો પોતાનો ટેલરિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો.’ધર્મેશે થોડા દિવસ પહેલા જ મારા જેવા મિત્રો સાથે તેના ટેન્શનને હળવું કરવા અને આર્થિક સહાય માટે મીટિંગ કરી હતી. એ વિશે જાણકારી આપતાં ઉમેશ વઢવાણાએ કહ્યું હતું કે ‘આ મીટિંગમાં અમે બધા જ મિત્રોએ તેને સાથ આપવાની તૈયારી બતાવી હતી. અમે તેને તેના આર્થિક બોજાનાં બધાં જ પત્તાં અમારી સામે ખોલી નાખવા કહ્યું હતું. જોકે એ દિવસે તે અધૂરી ચર્ચા કરીને અમારાથી છૂટો પડી ગયો હતો. અમે એ દિવસે જ તેને તેના પિતા સાથે સમાધાન કરવાની સલાહ આપી હતી, પરંતુ તેને તેની જીદ પકડી રાખી હતી. તે તેના પિતાને મળવા કે સમાધાન કરવા તૈયાર જ નહોતો.’

 

આ પણ વાંચો: રિસાયેલી પત્નીએ પિયરથી આવવાની ના પાડતાં પતિએ ગળું ચીરી નાખ્યું

 

શુક્રવારે રાતના લગભગ દોઢ વાગ્યે કુર્લા રેલવે-પોલીસનો સોનલના મોબાઇલ પર ધર્મેશના અકસ્માતનો ફોન આવ્યો હતો એમ જણાવતાં ઉમેશ વઢવાણાએ કહ્યું હતું કે ‘એ સમયે ધર્મેશના મિત્રો પણ તેના ઘરમાં જ બેઠા હતા. બધા તરત જ વિદ્યાવિહાર સ્ટેશન પર પહોંચ્યા હતા જ્યાં થોડી વાર પહેલાં જ ધર્મેશની ટ્રેન નીચે કપાઈ ગયેલી ડેડ-બૉડી રેલવે પોલીસે કબજામાં લીધી હતી.’કુર્લાના ગવર્નમેન્ટ રેલવે પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને વિદ્યાવિહાર સ્ટેશન માસ્ટર તરફથી છેલ્લી ડાઉન લોકલ ટ્રેન પસાર થયા પછી કિલોમીટર ૧૭/૭ અને ૧૭/૮ કુર્લા-વિદ્યાવિહાર સ્ટેશનની વચ્ચે એક નંબરના પાટા પર એક માણસ ટ્રેન નીચે કપાઈ ગયો હોવાના સમાચાર મળ્યા હતા. અમે તરત જ તેની પત્નીનો સંપર્ક કરીને તેને ઘટનાસ્થળે બોલાવી હતી અને ધર્મેશની બે ભાગમાં કપાઈ ગયેલી ડેડ-બૉડીને રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધી હતી. ગઈ કાલે સવારે પોસ્ટમૉર્ટમ બાદ ધર્મેશની બૉડી તેના પિતાને સોંપવામાં આવી હતી. ધર્મેશને રાતના પાટા પરથી ચાલતો જતો જોવામાં આવ્યો હતો જેના આધારે અમારી તપાસમાં આ આત્મહત્યાનો બનાવ હતો.’