ગોરેગામના બિંબિસારનગરમાં દીપડો દેખાયો

30 May, 2021 09:55 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈમાં માનવવસાહતોમાં દીપડાના આંટાફેરાની ઘટના ઘણા વખત પછી નોંધાઈ હતી.

ગોરેગામ (પૂર્વ)ના બિંબિસારનગર બિલ્ડિંગના સીસીટીવી કૅમેરાના ફુટેજમાં દેખાયેલો દીપડો.

મુંબઈમાં માનવવસાહતોમાં દીપડાના આંટાફેરાની ઘટના ઘણા વખત પછી નોંધાઈ હતી. શુક્રવારે પરોઢે ૪.૩૦ વાગ્યે ગોરેગામ (પૂર્વ)ના બિંબિસારનગરના બિલ્ડિંગ નંબર-૨૧ (ગ્રીન વ્યુ હાઉસિંગ સોસાયટી)માં લોકો ઘસઘસાટ ઊંઘતા હતા ત્યારે એક દીપડો એ મકાનના કમ્પાઉન્ડમાં આંટોફેરો મારીને નીકળી ગયો હતો. સીસીટીવી કૅમેરાના ફુટેજમાં એ દૃશ્ય ઝડપાયું છે. જોકે એ દૃશ્ય નજરે જોનાર એક દૂધવાળો હતો. દૂધવાળાએ કહ્યું હતું કે દીપડાએ મને જોયો અને તરત પાછળની દિશામાં ચાલવા માંડ્યો હતો. 

સીસીટીવી કૅમેરાના ફુટેજનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. કેટલીક ટીવી ન્યુઝચૅનલ્સે જણાવ્યું હતું કે એ બનાવથી બિંબિસારનગરના રહેવાસીઓ ડરી ગયા હતા. જોકે સ્થાનિક લોકો કહે છે કે ‘આ પહેલો કે એકલદોકલ બનાવ નથી. વારંવાર દીપડા અહીંનાં બિલ્ડિંગોમાં આંટાફેરા મારીને જાય છે.’ 

આ ઘટનાની જાણકારી મળ્યા પછી પર્યાવરણવાદી સંસ્થા સિટિઝન્સ ફૉર સંજય ગાંધી નૅશનલ પાર્કની ટીમે પણ સોસાયટીની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. 

mumbai mumbai news goregaon ranjeet jadhav