મુંબઈઃ વકીલ અને કોર્ટના ક્લર્કને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી

23 October, 2020 09:52 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈઃ વકીલ અને કોર્ટના ક્લર્કને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી

લોકલ ટ્રેન

વિવિધ કોર્ટમાં કેસ સંદર્ભે હાજર રહેવું પડતું હોવાથી વકીલો અને કોર્ટના રજિસ્ટર ક્લર્ક દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેમને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવે. આવી એક કરતાં વધુ અરજીઓ થઈ હતી અને હાઈ કોર્ટે તેમની તરફેણમાં 19 ઑક્ટોબરે ચુકાદો આપ્યો હતો. એથી ગઈ કાલે રાજ્ય સરકારે તેમને એ માટે હવે શરતી પરવાનગી આપી છે.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં રહેતા વકીલો અને કોર્ટના રજિસ્ટર ક્લર્કને વિવિધ કોર્ટમાં હાજરી આપવા અને ઘરે પાછા જવા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની શરતી પરવાનગી અપાઈ છે જેમાં પીક અવર્સ છોડીને સવારના 8 વાગ્યા પહેલાં, સવારના 11થી બપોરના 4 અને સાંજના 7થી પછી લોકલ ચાલુ રહે ત્યાં સુધી તેઓ પ્રવાસ કરી શકશે. તેમને માસિક પાસ નહીં મળી શકે. તેમણે દર વખતે સિંગલ ટિકિટ કઢાવીને જ પ્રવાસ કરવાનો રહેશે. એ ટિકિટ પણ તેમને બાર કાઉન્સિલનું આઇડેન્ટિટી કાર્ડ દર્શાવ્યા બાદ જ મળી શકશે.

રાજ્ય સરકારે પ્રાઇવેટ સિક્યૉરિટી ગાડ્ર્સને પણ ગઈ કાલે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપી હતી. જોકે ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે અનેક વખત રજૂઆત કરાયા બાદ પણ પત્રકારોને હજી સુધી મંજૂરી નથી અપાઈ એટલે રાજ્યમાં પત્રકારોનાં વિવિધ સંગઠનોના કામ કરવા સામે સવાલ ઊભા થયા છે.

mumbai local train western railway central railway indian railways mumbai mumbai news