મુંબઈ ​: મોનિકા મોરે માટે યુઝ હાર્ટ ક્રાઉડ ફન્ડિંગ અભિયાન

14 October, 2020 11:39 AM IST  |  Mumbai | Rohit Parikh

મુંબઈ ​: મોનિકા મોરે માટે યુઝ હાર્ટ ક્રાઉડ ફન્ડિંગ અભિયાન

હાથ પ્રત્યાર્પણ બાદ કુર્લાની મોનિકા મોરે.

કુર્લાની ૨૪ વર્ષની મોનિકા મોરેના હાથના પ્રત્યારોપણ પછી પણ તેની બીજી અનેક રીતે સારસંભાળ લેવી ખૂબ જરૂરી છે. મોનિકાના પ્રત્યારોપણ કરેલા હાથ અને મોનિકાની હજી આગળ સારવાર કરી શકાય એ કોઈ પણ જાતના આર્થિક બોજા વગર એના માટે પરેલની ગ્લોબલ હૉસ્પિટલે સોશ્યલ મીડિયા પર એક ક્રાઉડ ફન્ડિંગના અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાનને યુઝ હાર્ટ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન ૩૧ ઑક્ટોબર સુધી ચાલશે.

આ અભિયાનમાં જોડાનારા લોકોએ ગ્લોબલ હૉસ્પિટલના ફેસબુક-પેજને લાઇક કરીને ફક્ત ૧૦ રૂપિયા જમા કરાવવાના છે. જમા થયેલા ફન્ડમાંથી મોનિકાને સક્ષમ બનાવવા માટે તેનો ઇલાજ કરવામાં આવશે. ગ્લોબલ હૉસ્પિટલના ડૉક્ટરોએ મુંબઈગરાઓને મોટી સંખ્યામાં જોડાવાની હાકલ કરી છે.

આ વિશે પરેલની ગ્લોબલ હૉસ્પિટલના પ્લાસ્ટિક કન્સલ્ટન્ટ અને રિક્રન્સક્ટિવ માઇક્રો સર્જ્યન ડૉ. નિલેશ સાતભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેન્નઈના એક બ્રેઇનડૅડ વ્યક્તિના બે હાથ મળતાં મોનિકાના કૃત્રિમ હાથની જગ્યાએ એ વ્યક્તિના હાથ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી મોનિકાને એક નવી જિંદગી મળી છે. એનામાં નવી જિંદગી જીવવાની ઉમીદ જાગી છે.’

ગ્લોબલ હૉસ્પિટલ (મુંબઈ)ના કાર્યકારી અધિકારી ડૉ. વિવેક તલૌલીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોનિકા બહેતર જીવન જીવી શકે એ માટે ટ્રાન્સપ્લાન્ટ પછી પણ એની સારસંભાળ લેવી આવશ્યક છે. એમાં સહેજ પણ બેદરકારી ચાલે એમ નથી. આના માટે ખૂબ જ મહેનત લાગશે. આથી અમે ગ્લોબલ હૉસ્પિટલ તરફથી સોશ્યલ મીડિયાના માધ્યમથી એક ફન્ડ રાઇઝિંગ અભિયાન શરૂ કર્યું છે, જેમાં ગ્લોબલ હૉસ્પિટલના ફેસબુક પેજને લાઇક કરીને મોનિકાની સારવાર માટે ફક્ત ૧૦ રૂપિયા જમા કરવાના છે. ’

kurla mumbai mumbai news