મુંબઈ : પર્યટનને પ્રોત્સાહન આપવા મોટોહોમની શરૂઆત

08 September, 2020 09:01 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ : પર્યટનને પ્રોત્સાહન આપવા મોટોહોમની શરૂઆત

મોટોહોમ

રોજબરોજની શહેરી જિંદગીથી કંટાળેલા વિદેશીઓ પોતાના અથવા ભાડે મળતા મોટોહોમ અથવા કારવાનમાં ઘણી વાર અજાણ્યા સ્થળોએ પોતે ડ્રાઇવ કરી વીક-એન્ડ ગાળવા પહોંચીને નિરાંતની પળો માણતા હોય છે. હવે આવો લાભ મુંબઈગરાઓને પણ મળી શકશે. એમટીડીસીએ પણ આવી સુવિધા આપવા મોટોહોમ નામની કંપની સાથે કરાર કર્યા છે. જેમાં નાના કેરવાનમાં મહિન્દ્રા મઝેરો અને મોટોહોમ માટે વૅનિટી વૅન જેવી બસ તૈયાર કરાઈ છે. આ બન્ને વેહિકલ સામાન્ય જનતા ભાડે લઈને તેમનો પરિવાર મિત્રો સાથે લોંગ ટુરનો પ્રોગ્રામ બનાવી શકશે. શનિવારે રાજ્યના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ એ બન્ને વેહિકલને લીલી ઝંડી દાખવી તેમનું ઉદ્ઘાટન કર્યું હતું.

મોટોહોમના પ્રમોટર સચિન પાંચાળે કહ્યું હતું કે એમટીડીસીની સાઇટ પર જઈ એનું બુકિંગ કરી શકાય છે. નાની કૅરેવાન મહિન્દ્ર મરાઝોની છે જેમાં ૪ જણની સૂવાની વ્યવસ્થા છે. એ કૅરેવાન રોજના ૪૦૦૦ રૂપિયાના ભાડે મળી શકશે, જે ટૂરિસ્ટે જાતે સેલ્ફ ડ્રાઇવ કરવાની રહેશે. આ માટે ૫૦૦૦ રૂપિયા ડિપોઝિટ રખાઈ છે.

મુખ્ય બાબત એ છે કે રાજ્યનાં મોટા ભાગનાં ફરવાનાં સ્થળોએ એમટીડીસીનાં ગેસ્ટહાઉસ હોય છે. આ વૅન રાતે ત્યાં પાર્ક કરી શકાશે. ગેસ્ટહાઉસના વૉશરૂમ, ઇન્ડોર ગેમ્સ, સ્વિમિંગ-પૂલનો વપરાશ કરી શકાશે, એ માટે અલગથી ચાર્જ નહીં આપવો પડે. વળી કૅરેવાન કે મોટોહોમ એમટીડીસીના કમ્પાઉન્ડની અંદર રહેતા હોવાથી સેફ્ટી પણ જળવાશે.

મોટોહોમ વૅનિટી વૅનમાં સવાછ ફુટ બાય પાંચ ફુટના બે સોફા-કમ-બેડ છે. બે ટીવી, એને લાગીને હોમ થિયેટર, ફ્રિજ, હૉટપ્લેટ, માઇક્રોવેવ, ટૉઇલેટ-કમ-બાથરૂમ, ચેન્જિંગ એરિયા, ડ્રેસિંગ ટેબલ, સ્ટોરેજ વગેરે ફાળવવામાં આવ્યાં છે. એનું ભાડું રોજનું ૨૧,૦૦૦ રૂપિયા રખાયું છે. એમાં ડ્રાઇવર અને ક્લીનરનો ચાર્જ આવી જાય છે. બન્ને વેહિકલમાં ફ્યુઅલ ભાડે લેનાર પાર્ટીએ પોતાનું ભરવાનું હોય છે.

mumbai mumbai news