મુંબઈ : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ માટે તૈયાર રહો

10 August, 2020 09:57 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ માટે તૈયાર રહો

જેસીબી મશીન અને મજૂરો દ્વારા રસ્તા ક્લિઅર કરવાની કામગીરી ચાલી રહી છે.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી મુસાફરી કરનારા મોટરચાલકોએ ભારે ટ્રાફિકનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે કાંદિવલી નજીક ભૂસ્ખલનના સ્થળેથી કાટમાળ તથા બોલ્ડર્સ (ગોળિયા પથ્થર) હટાવતાં હજી થોડા દિવસો લાગશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) બોલ્ડર્સ અને માટી દૂર કરવા માટે આઇઆઇટી-બૉમ્બેના નિષ્ણાતોની મદદ લઈ રહી છે.

એમએમઆરડીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કાંદિવલીમાં લૅન્ડસ્લાઇડ (ભૂસ્ખલન)ના સ્થળેથી કાટમાળ હટાવ્યા બાદ અમે હાઇવેની બે દક્ષિણ તરફની લેન ખોલી દીધી હતી, પરંતુ બોલ્ડર્સ તથા માટી હટાવતી વખતે અમને માલૂમ પડ્યું કે ત્યાં વધુ કેટલીક માટી તથા બોલ્ડર્સ ઢીલા હતા અને એ પડી શકે એમ હતા. અનિચ્છનીય ઘટના ટાળવા માટે અમે દક્ષિણ તરફના કૅરેજવેની બે લેન્સને ફરીથી બંધ કરી દીધી છે અને દક્ષિણ તરફના ટ્રાફિકને મલાડ અને કાંદિવલી વચ્ચે ડબ્લ્યુઈએચના ઉત્તર તરફના કૅરેજવેની બે લેન્સ તરફ ડાઇવર્ટ કરી દીધો છે. આઇઆઇટી-બૉમ્બેના નિષ્ણાતોએ શુક્રવારે સ્થળની મુલાકાત લીધી હતી અને રવિવારે ટેક્નિકલ રિપોર્ટ સુપરત કર્યો હતો તથા ભલામણોના આધારે આગામી કાર્ય હાથ ધરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે મંગળવારે કાંદિવલી નજીક ડબ્લ્યુઈએચ પર લૅન્ડસ્લાઇડ થવાથી દક્ષિણ તરફનો ટ્રાફિક ભારે પ્રભાવિત થયો હતો.

લૅન્ડસ્લાઇડ જ્યાં થઈ એ જગ્યા પર ખડકાળ ટેકરી છે અને એમએમઆરડીએ વધુ દુર્ઘટના ન સર્જાય એની તકેદારી લઈ રહી છે અને આથી ચુસ્ત દેખરેખ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી છે.

mumbai mumbai news mumbai traffic ranjeet jadhav western express highway mumbai metropolitan region development authority kandivli malad