એક લેવલે પહોંચ્યા પછી દરેક વધતા ઝીરોની વૅલ્યુ એકસરખી થઈ જાય છે

09 October, 2020 07:31 AM IST  |  Mumbai | Rohit Parikh

એક લેવલે પહોંચ્યા પછી દરેક વધતા ઝીરોની વૅલ્યુ એકસરખી થઈ જાય છે

ચંદ્રકાન્ત ગોગરી

કોવિડના સમયમાં દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે દેશના ૧૦૦ શ્રીમંતોની યાદીમાં કચ્છી જૈન સમાજના અગ્રણી દાનવીર, સમાજસેવક અને આરતી ઇન્ડસ્ટ્રીઝની બંધુબેલડી ચંદ્રકાન્ત ગોગરી અને રાજેન્દ્ર ગોગરી આવતાં કચ્છી જૈન સમાજમાં દિવાળીના તહેવારો પહેલાં જ દિવાળીનો માહોલ સર્જાયો છે. ગઈ કાલે ‘ફૉર્બ્સ ઇન્ડિયા’ દ્વારા દેશના ૧૦૦ શ્રીમંતોની યાદીમાં ચંદ્રકાન્ત ગોગરી અને રાજેન્દ્ર ગોગરી ૯૬મા સ્થાને આવ્યા છે. જોકે આ બંધુબેલડી કહે છે કે પૈસા કરતાં પૈસા દ્વારા થતાં સદ્કાર્યો જીવનમાં વધુ મહત્વનાં છે.

આ યાદીમાં આરતી ઇન્ડસ્ટ્રીઝના ચંદ્રકાન્ત ગોગરી અને રાજેન્દ્ર ગોગરી ૧.૩૯ બિલ્યન ડૉલરની નેટવર્થ સાથે ૯૬મા નંબરે આવ્યા છે.

આ બાબતમાં ચંદ્રકાન્ત ગોગરીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘જીવનમાં એક લેવલ સુધી પહોંચ્યા પછી દરેક વધતા ઝીરોની વૅલ્યુ એકસરખી થઈ જાય છે. પૈસાની વૅલ્યુ ત્યારે જ છે થાય છે જ્યારે એ પૈસાનો ઉપયોગ સદ્કાર્યોમાં થાય. અમે સદાય સદ્કાર્યો કરી શકીએ, સમાજને મદદરૂપ થઈ શકીએ એ જ અમારે માટે મહત્ત્વનું છે. અત્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે સારો સમય છે. કોઈ પણ એક વ્યક્તિથી કોઈ ઇન્ડસ્ટ્રીઝ ઉપર આવતી નથી. આજે અમે મેળવેલી સિદ્ધિ માટે આરતી ગ્રુપનું ટીમવર્ક, હાર્ડવર્ક, પ્રામાણિકતા અને એનાથી વિશેષ પાયામાં રહેલા સિદ્ધાંતો છે. આ અગાઉ પણ આરતી ઇન્ડસ્ટ્રીઝ ઉચ્ચ સ્થાને પહોંચી છે.’
કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના અગ્રણી દીપક ભેદાએ આરતી ઇન્ડસ્ટ્રીઝના ચંદ્રકાન્ત ગોગરી અને રાજેન્દ્ર ગોગરી દેશના શ્રીમંતોની યાદીમાં સ્થાન પામ્યા એ માટે તેમને અભિનંદન આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છી સમાજ માટે આજનો સુવર્ણ દિવસ છે. અમારા સમાજમાં તો દિવાળી પહેલાં જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

મુકેશ અંબાણી સતત ૧૩મી વાર ટોચ પર

ફૉર્બ્સ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણી સતત ૧૩મા વર્ષે ભારતની સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં ટોચ પર છે.

ભારતના ટૉપ ૧૦ ધનવાન
૧. મુકેશ અંબાણી (૮૮.૭ અબજ ડૉલર)
૨. ગૌતમ અદાણી (૨૫.૨ અબજ ડૉલર)
૩. શિવ નાડર (૨૦.૪ અબજ ડૉલર)
૪. રાધાકકૃષ્ણ દામાણી (૧૫.૪ અબજ ડૉલર)
૫. હિન્દુજા બ્રધર્સ (૧૨.૮ અબજ ડૉલર)
૬. સાયરસ પૂનાવાલા (૧૧.૫ અબજ ડૉલર)
૭. પાલનજી મિસ્ત્રી (૧૧.૪ અબજ ડૉલર)
૮. ઉદય કોટક (૧૧.૩ અબજ ડૉલર)
૯. ગોદરેજ ફૅમિલી (૧૧ અબજ ડૉલર)
૧૦. લક્ષ્મી મિત્તલ (૧૦.૩ અબજ ડૉલર)

mumbai mumbai news forbes mukesh ambani