મુંબઈ : સાઇબર ક્રાઇમમાં પોલીસને મદદ કરે છે કચ્છી યુવતી

27 September, 2020 11:53 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : સાઇબર ક્રાઇમમાં પોલીસને મદદ કરે છે કચ્છી યુવતી

મહારાષ્ટ્ર સાઇબર ડિપાર્ટમેન્ટના પ્રોજેક્ટ વિશે ચર્ચા કરતી ધ્રુમી ગડા.

સામાન્ય રીતે ગુજરાતી કે કચ્છી પરિવારનાં સંતાનો વેપારમાં ઝંપલાવે અથવા તો બિઝનેસ કંપનીમાં જૉબ કરે, પરંતુ અંધેરીમાં રહેતી કચ્છી વીસા ઓસવાળ સમાજની ૨૬ વર્ષની યુવતીએ જુદો ચીલો ચાતર્યો છે. તે મહારાષ્ટ્ર સાઇબર વિભાગમાં કામ કરીને પોલીસને સાઇબર ક્રાઇમમાં મદદરૂપ થઈ રહી છે.

લૉકડાઉનમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી ગયો અને એની સાથે એને સંબંધિત ક્રાઇમ પણ વધી ગયા, એ વિશે કચ્છી યુવતી ધ્રુમી અમૃતલાલ ગડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉનમાં લોકો ઇન્ટરનેટ એટલે કે સોશ્યલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. કમ્યુનિટી હેટરેટના વિડિયો, મેસેજ અમે જે-તે સોશ્યલ પ્લૅટફૉર્મ પર અપલૉડ થયા હોય તો અમે તેમને ડિલિટ કરવા કહેતા હતા. ફેક ન્યુઝ જેવા કે લૉકડાઉન વર્ષ ૨૦૨૨ સુધી રહેશે, કોરોના વૅક્સિન આવી ગઈ છે એવા અઢળક મેસેજ, વિડિયોને સોશ્યલ મીડિયા પર જોતાં અમે એને સ્પ્રેડ કરનાર કે યુઝરને ઇનબૉક્સમાં મેસેજ નાખીએ કે તે બધું દૂર કરો. જો યુઝર એવું ન કરે તો તેની સામે ફરિયાદ કરીને તેનું અકાઉન્ટ જ ડિઍક્ટિવ કરાવી નાખતા હતા. અનેક પ્રોજેક્ટ અમે હાથ ધરીને એના પર વિડિયો, ગ્રાફિક વગેરે બનાવીને લોકોને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરીને જાગૃતિ ફેલાવીએ છીએ.’

લૉકડાઉનમાં ચાઇલ્ડ પૉર્નોગ્રાફી વધતાં અનેક ફરિયાદો અમે નોંધાવી છે, એમ જણાવતાં ધ્રુમી કહે છે કે ‘લૉકડાઉનમાં બાળકો ફોનનો વધુ ઉપયોગ કરે છે અને હાલમાં ચાઇલ્ડ પૉર્નોગ્રાફી જોવાનું પ્રમાણ ખૂબ વધી ગયું હોવાથી અમને નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB) દ્વારા આઇપી એડ્રેસ પણ અપાય છે. એની મદદથી અમે કયાં મોબાઇલ પર વધુ ડાઉનલૉડ થાય છે, કેટલા પ્રમાણમાં ફૉર્વર્ડ કરાય છે, એના પર ટ્રૅક રાખીએ છીએ. ચાઇલ્ડ પૉર્નોગ્રાફી કેસમાં અમે ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે રંગેહાથ અમુકને પકડ્યા પણ છે. આ પ્રોજેક્ટ પર કામ અત્યારે પણ ચાલી રહ્યું છે.’

ધ્રુમી ગડાએ જણાવ્યું કે ‘મેં ૧૨મી સાયન્સ કરીને ગવર્નમેન્ટ લૉ કૉલેજથી પાંચ વર્ષનો LLB કોર્સ કર્યો, જેમાં પણ હું ર્ફ્સ્ટ ક્લાસ આવી હતી. બે વર્ષ મુંબઈ યુનિવર્સિટીથી LLM કર્યું અને એમાં હું ડબલ ગોલ્ડ મેડલિસ્ટ રહી હતી. ચીફ મિનિસ્ટર ફેલોશિપમાં અપ્લાય કરીને ત્રણ ફેઝમાં અઘરી એક્ઝામ હતી એ ક્લિયર કરતાં ભારતભરમાંથી ૪૫ જણને સિલેક્ટ કરાયા, એમાં મારો પણ સમાવેશ હતો. અમારો વિભાગ આખા મહારાષ્ટ્રની સાઇબર ક્રાઇમને લગતી દરેક પ્રવૃત્તિને હૅન્ડલ કરે છે. સાઇબર સેફ વિમેન પ્રોજેક્ટમાં અમે મહિલાઓને લગતા દરેક સાઇબર ક્રાઇમ જેમ કે મહિલાનો ફોટો ઍડિટ કરીને પૉર્ન વિડિયોમાં યુઝ કરવો, ઑનલાઇન ટ્રાફિકિંગ જેવા ક્રાઇમ પર અમારી નજર રહેતી હોય છે. સાઇબર એજ્યુકેશન, સાઇબર હાઇજીન (છોકરીઓને ફોન કેવી રીતે વાપરવો) જેવી માહિતી કૉલેજમાં જઈને આપું છું. મારા થકી લાખો લોકોને મદદ મળે છે એનો મને ખૂબ આનંદ છે. મમ્મી-પપ્પા અને પરિવારના સાથથી જ હું અહીં સુધી પહોંચી છું.’

mumbai mumbai news andheri lockdown