છત્રપતિ શાહુ મહારાજે મરાઠા આરક્ષણનો મુદ્દો રાજ્યને બદલે કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવા કહ્યું

17 June, 2021 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલ્હાપુરમાં ગઈ કાલે મરાઠા આરક્ષણ આપવા માટેની માગણી સાથે મૂક પ્રદર્શનની શરૂઆત કરાઈ હતી ત્યારે રાજ્ય સરકારે આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંસદસભ્ય સંભાજીરાજે છત્રપતિને તેમની માગણી બાબતે ઉકેલ વિશે વાતચીત કરવાનું આમંત્રણ મોકલ્યું હતું.

કોલ્હાપુરમાં ગઈ કાલે છત્રપતિ શાહુ મહારાજની સમાધિના સ્થળે આરક્ષણની માગણી સાથે કરવામાં આવેલું પ્રદર્શન.

કોલ્હાપુરમાં ગઈ કાલે મરાઠા આરક્ષણ આપવા માટેની માગણી સાથે મૂક પ્રદર્શનની શરૂઆત કરાઈ હતી ત્યારે રાજ્ય સરકારે આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંસદસભ્ય સંભાજીરાજે છત્રપતિને તેમની માગણી બાબતે ઉકેલ વિશે વાતચીત કરવાનું આમંત્રણ મોકલ્યું હતું.

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારના રાજ્યકક્ષાના પ્રધાન સતેજ પાટીલે કહ્યું હતું કે ‘મરાઠા સમાજની માગણીઓ હકારાત્મક રીતે ઉકેલવા માટે સરકાર પૉઝિટિવ છે. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન વતી હું સંભાજીરાજે છત્રપતિને તેમની માગણીઓ વિશે ચર્ચા કરવા આમંત્રણ આપું છું.’

સતેજ પાટીલે ઉમેર્યું હતું કે ‘રાજ્ય સરકાર મરાઠા સમાજે જે વલણ લીધું છે એની સાથે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે અને મરાઠા સમાજના વેલ્ફેર માટે તેમ જ તેમની માગણી સંતોષવા માટે ભવિષ્યમાં પણ વધુ પગલાં લેશે. આ માટે રાજ્ય સરકાર વાતચીત કરવા તૈયાર છે. સંભાજીરાજે અને મરાઠા સમાજના પ્રતિનિધિઓએ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને આવીને મળવું જોઈએ.’

કોલ્હાપુરમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે શાહુ મહારાજની સમાધિના સ્થળે આરક્ષણ આપવાની માગણી સાથે મૂક પ્રદર્શનની શરૂઆત કરાઈ હતી. એમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક વિધાનસભ્યો અને સંસદસભ્યોએ સામેલ થઈને મરાઠા સમાજને પોતાનું સમર્થન આપ્યું હતું.

શાહુ મહારાજ છત્રપતિએ પ્રદર્શનસ્થળે કહ્યું હતું કે ‘મરાઠા સમાજના પ્રતિનિધિઓએ તેમની માગણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને વ્યક્ત કરવી જોઈએ. વડા પ્રધાનની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન સાથે પણ વાતચીત કરીને મરાઠા સમાજને ન્યાય મળે એ માટેના પ્રયાસ ચાલુ રાખવા જોઈએ.’

mumbai mumbai news kolhapur