ક.વી.ઓ. મેડિક્લેમ સંજીવની હેઠળ જોગવાઈ છતાં હૉસ્પિટલમાં નો કૅશલેસ

20 August, 2019 08:09 AM IST  |  મુંબઈ | ખુશાલ નાગડા

ક.વી.ઓ. મેડિક્લેમ સંજીવની હેઠળ જોગવાઈ છતાં હૉસ્પિટલમાં નો કૅશલેસ

ખીમજી ગોસર

કિંગ્સ સર્કલમાં ગાંધી માર્કેટ પાસે રહેતા દિનેશ ગોસરના પપ્પા ખીમજી ગોસરની તબિયત અચાનક લથડતાં તેમણે ઘરની નજીક આવેલી કીકાભાઈ હૉસ્પિટલના નામે ઓળખાતી શ્રીમતી એસ. આર. મહેતા ઍન્ડ સર કે. પી. કાર્ડિઍક ઇન્સ્ટિટ્યૂટમાં શિફ્ટ કર્યા.

કચ્છી વીસા ઓસવાલ (ક.વી.ઓ.) સમાજનું ગ્રુપ મેડિકલ ઇન્શ્યૉરન્સ હોવાથી થોડેઘણે અંશે નચિંત દિનેશભાઈને શૉક ત્યારે લાગ્યો જ્યારે તેમને કૅશ-કાઉન્ટર પર ડિપોઝિટ ભરવાનું કહેવામાં આવ્યું.

મેં કહ્યું કે અમારી પાસે પપ્પાનો ક.વી.ઓ. સમાજનો સંજીવની મેડિક્લેમ છે એમાંથી કૅશલેસથી પેમેન્ટ લઈ શકો છો, ત્યારે મને એ હૉસ્પિટલમાં લગાડાયેલું બોર્ડ વાંચવાનું કહેવામાં આવ્યું એમ જણાવતાં દિનેશભાઈ ઉમેરે છે કે એ બોર્ડમાં અંગ્રેજી ભાષામાં લખેલું હતું કે ક.વી.ઓ.નો મેડિક્લેમ કૅશલેસ કોઈ પણ કૅટેગરીમાં સ્વીકારવામાં આવશે નહીં. હું ત્યાં જ સ્તબ્ધ થઈ ગયો.

જોકે સંજીવની મેડિક્લેમ સમિતિના કાર્યકર મનીષ ગાલાના કહેવા અ‌નુસાર, છેલ્લા બે વર્ષથી કીકાભાઈમાં સંજીવની હેઠળ કૅશલેસ સેવા બંધ છે.

જો આટલા સમયથી સેવા બંધ છે તો એ શરૂ કરાવવા કેમ પ્રયત્ન નથી કરાયા એ એક સવાલ છે.

તેમણે કહ્યું, ‘હજી ૧૫ દિવસ પહેલાં બાંદરાની એસ. એલ. રાહેજા હૉસ્પિટલમાં મારી પત્ની શીલા ગોસરને ઍડ્મિટ કરી ત્યાં પણ ક.વી.ઓ. માટે સંજીવની મેડિક્લેમની કૅશલેસ સેવા ઉપલબ્ધ નહોતી. મેં વિચાર કર્યો કે ક.વી.ઓ. સમાજને જ કેમ કૅશલેસ સુવિધા આપવામાં આવતી નથી એટલે મેં તરત ક.વી.ઓ. સમાજની મુંબઈની સંસ્થામાં સંજીવની મેડિક્લેમ સમિતિના મનીષ ગાલાને ફોન પર હકીકત જણાવી ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યો.’

વૉટ્સઍપ પર વાઇરલ થયેલા મેસેજમાં પણ આ સંબંધી વિગતો છે. આ મેસેજ ક.વી.ઓ. સમાજનાં વિવિધ વૉટ્સઍપ-ગ્રુપમાં ગઈ કાલે વાઇરલ થયો હતો.

‘મિડ-ડે’નો સંપર્ક સાધતાં દિનેશ ગોસરે વધુમાં જણાવ્યું કે ‘અમારા સમાજનો સંજીવની મેડિક્લેમ નૅશનલ ઇન્શ્યૉરન્સ સાથે જોડાયેલો છે, પણ આ વાત સમજની બહાર છે કે બીજી જ્ઞાતિનાઓ માટે આ જ નૅશનલ ઇન્શ્યૉરન્સના કૅશલેસ સ્વીકારવામાં આવે છે તો ક.વી.ઓ. જૈન સમાજના દરદીના કેમ નહીં?

હૉસ્પિટલના માર્કેટિંગ ઑફિસર ચંદ્રેશ કથીરિયા સાથે ‘મિડ-ડે’એ વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મારે કોઈ વાત કરવી નથી કે.વી.ઓ. વિશે. હવે જ્યારે રૂપિયા આવશે ત્યારે વાત કરીશું.’

‘મિડ-ડે’એ વિગતવાર માહિતી આપવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે ૨૦૧૬થી ૨૮ લાખ રૂપિયા બાકી હતા. હવે આઠેક લાખ રૂપિયા બાકી છે. જ્યારે આટલા રૂપિયા આવી જશે એના બીજા દિવસે જ કે.વી.ઓ. સમાજની કૅશલેસ સુવિધા શરૂ કરી દઈશ. અમારા કરતાં ક.વી.ઓ. સમાજના દરદીઓને વધુ તકલીફ વેઠવી પડે છે. આ ‘કેવીઓ’ શબ્દ તો અમે એટલા માટે લખ્યો છે કે અહીં જે દરદી કે પેરન્ટ્સ આવતા તેઓ અમને કહેતા કે હમારા ક.વી.ઓ. મેડિક્લેમ હૈ એ હેતુથી લખેલો છે. બાકી અહીં ઘણા સમાજના મોટા લોકો આવ્યા, પણ તેમનું પેમેન્ટ શું કામ અટકાવી રાખ્યું છે, ખબર નહીં.

ક.વી.ઓ. સેવા સમાજના સંજીવની મેડિક્લેમ સમિતિના કાર્યકર મનીષ ગાલાએ જણાવ્યું કે ‘કીકાભાઈ હૉસ્પિટલમાં બે વર્ષથી કૅશલેસ સુવિધા કવીઓ સમાજ માટે બંધ રાખી છે, કારણ કે ૨૦૧૬માં અમારા સમાજનો મેડિક્લેમ કંપનીનો હિસાબ બાકી છે. અમે કીકાભાઈ હૉસ્પિટલમાં ઘણી વખત રજૂઆત કરી કે અમને વિગતવાર દરદીના હિસાબની વિગત આપો જેથી અમે કંપનીને પ્રેશર કરીએ કે કીકાભાઈ હૉસ્પિટલના રૂપિયા જલદી મોકલે. અમે તો સંસ્થાનો કોરો ક્રૉસ ચેક પણ રાખવાની તૈયારી બતાવી હતી. અમે જાતે જઈને વિગતો મેળવીને વહેલી તકે નિકાલ લાવીશું જેથી ભવિષ્યમાં સમાજની કોઈ વ્યક્તિ મેડિક્લેમ કૅશલેસ માટે હેરાન ન થાય.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્તો માટે મુકેશ અંબાણીએ કરી આટલા કરોડની સહાય

કીકાભાઈ હૉસ્પિટલમાં ૨૦૧૬માં અમારા સમાજનો મેડિક્લેમ કંપનીનો હિસાબ બાકી છે. અમે તો સંસ્થાનો કોરો ક્રૉસ ચેક પણ રાખવાની તૈયારી બતાવી હતી. અમે જાતે જઈને વિગતો મેળવીને વહેલી તકે નિકાલ લાવીશું જેથી ભવિષ્યમાં સમાજની કોઈ વ્યક્તિ મેડિક્લેમ કૅશલેસ માટે હેરાન ન થાય.

- મનીષ ગાલા, ક.વી.ઓ. સેવા સમાજના સંજીવની મેડિક્લેમ સમિતિના કાર્યકર

mumbai mumbai news