બ્લાસ્ટમાં મૃત્યુ પામેલી મહિલાઓના મૃતદેહ અને ઘાયલો આજે મુંબઈમાં

30 July, 2012 05:44 AM IST  | 

બ્લાસ્ટમાં મૃત્યુ પામેલી મહિલાઓના મૃતદેહ અને ઘાયલો આજે મુંબઈમાં

સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહારામાં શનિવારે એક ટૂરિસ્ટ બસમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓના પાર્થિવ દેહને તેમ જ ઘાયલ થયેલી પાંચ મહિલાઓને આજે સાંજે સાત વાગ્યે મુંબઈ લાવવામાં આવશે. ૭૮ વર્ષનાં નિર્મલા રાઠોડ અને યુનાઇટેડ કિંગડમથી ભારત ફરવા આવેલાં ૬૫ વર્ષનાં ઇન્દુ પરમાર અને ૬૧ વર્ષનાં નિશા જેઠવાનાં આ ધડાકામાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પાંચ મહિલાઓ ઘાયલ થઈ હતી. તેઓ સૌરાષ્ટ્રના ઊના ગામના સઈ સુતાર વાંઝા દરજી જ્ઞાતિની છે. આ ઘટનામાં ઘાયલ થયેલાં નીતા જેઠવાના પતિ ભરતભાઈ અને બીજા પાંચ જણ શનિવારે રાત્રે જ કાશ્મીર જવા રવાના થઈ ગયા હતા. ગઈ કાલે તેઓ શ્રીનગર પહોંચી ગયા હતા અને ઘાયલોને મળીને તેમને મુંબઈ પાછા લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આખો દિવસ પસાર થઈ ગયો હતો.

ઘાયલ નીતા જેઠવાની પુત્રી ઉર્વીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા પપ્પા અને મામા સહિત ઘાયલ થયેલી મહિલાઓના પરિવારના લોકો શ્રીનગર પહોંચી ગયા છે, પણ તેઓ કેવી રીતે પાછા ફરશે એની અમને પૂરતી જાણ નથી. આજે સવારે ૧૦ વાગ્યા પછી જ આખી પરિસ્થિતિની જાણ થશે, કારણ કે શ્રીનગરથી દિલ્હી આવવા અને ત્યાંથી મુંબઈ આવવા માટે પ્લેનની ટિકિટો મળવી મુશ્કેલ છે. બધાની ફ્લાઇટોની જાણકારી પણ આવી નથી. અમને માત્ર એટલી જ ખબર છે કે મૃત્યુ પામેલી અને ઘાયલ મહિલાઓને મુંબઈ લાવવામાં આવશે. માર્યા ગયેલાઓમાં મારાં નાની નિર્મલા રાઠોડનો પણ સમાવેશ છે. તેઓ વિલે પાર્લેમાં રહેતાં હતાં. મૃતદેહો પણ ક્યાં લઈ જવાશે અને ઘાયલોને કઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે એની પણ અમને જાણ નથી.’

જેઠવાપરિવારના એક મેમ્બરે જણાવ્યું હતું કે ‘મૃતદેહોને અલગ-અલગ ફ્લાઇટમાં લાવવામાં આવી રહ્યા છે, જ્યારે ઘાયલો સાંજે સાડાસાત વાગ્યે ફ્લાઇટમાં મુંબઈ પહોંચશે. તેમને લેવા માટે ગયેલા લોકો પણ કદાચ અલગ-અલગ ફ્લાઇટમાં આવી રહ્યા છે, કારણ કે દિલ્હીથી મુંબઈની પ્લેનની ટિકિટો ફુલ છે.’

શું થયું હતું?

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શ્રીનગરથી પહલગામ જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર ટૂરિસ્ટ બસ શનિવારે બપોરે એક વાગ્યે બિજબેહારામાં હાયર સેકન્ડરી સ્કૂલ પાસે ટોલ ચૂકવવા માટે ઊભી રહી હતી ત્યારે એમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર નહોતો, કારણ કે ઘણા લોકોએ એ સાંભળ્યો પણ નહોતો. આ બસમાં આઠ મહિલાઓ પ્રવાસ કરી રહી હતી. યુનાઇટેડ કિંગડમથી આવેલી બે મહિલાઓ ધડાકો થતાંની સાથે જ મૃત્યુ પામી હતી. નિર્મલા રાઠોડ શૉક અને વધુપડતા બ્લીડિંગના કારણે આ ધડાકામાં ઉપચાર વખતે મૃત્યુ પામ્યાં હતાં. તેમનો એક હાથ પણ ધડાકાના કારણે છૂટો થઈ ગયો હતો.

બ્લાસ્ટ ગ્રેનેડહુમલો છે કે પછી ગૅસસિલિન્ડરનો બ્લાસ્ટ એ હજી સુધી સ્પષ્ટ નથી થયું. પોલીસે આ ઘટના બાબતે ફૉરેન્સિક તપાસનો આદેશ આપી દીધો છે.

શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસમાં દાખલ કરવામાં આવેલાં ઘાયલ નીતા જેઠવાએ કહ્યું હતું કે બસમાં ગૅસસિલિન્ડરો નહોતાં.

આ ટૂરિસ્ટ બસ જમ્મુની ભગવતી ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સની હતી. એના માલિક યશપાલ શર્માએ પોલીસને જણાવ્યું હતું કે બસ ટોલ ચૂકવવા માટે ઊભી હતી ત્યારે કોઈએ બારીમાંથી એમાં ગ્રેનેડ જેવી વસ્તુ ફેંકી હતી.

ઘાયલો પર ઉપચાર કરી રહેલા એક ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘જયશ્રી દેસાઈના શરીર પર પડેલા ઘામાંથી લોહી વહે છે. તેમના શરીર પર ગ્રેનેડમાંથી નીકળે એવી કરચના ઘા જોવા મળે છે. જોકે તેમની તબિયત સારી છે.’

ઘાયલો

ઘાટકોપરનાં પંચાવન વર્ષનાં નીતા જેઠવા

વિલે પાર્લેનાં ૭૩ વર્ષનાં ભારતી પુરોહિત

મલાડનાં ૬૬ વર્ષનાં પ્રતિમા જેઠવા

માટુંગાનાં ૬૨ વર્ષનાં જયશ્રી દેસાઈ

મુંબઈનાં ૮૦ વર્ષનાં જસુબહેન ઠાકુર