આ ભાઈ દર મહિને 50,000 રૂપિયા રખડતાં ડૉગ-કૅટને ખવડાવવા માટે ખર્ચે છે

24 August, 2020 07:48 AM IST  |  Mumbai | Samiullah Khan

આ ભાઈ દર મહિને 50,000 રૂપિયા રખડતાં ડૉગ-કૅટને ખવડાવવા માટે ખર્ચે છે

ગોવિંદભાઈ પટેલ

ગોવિંદભાઈ પટેલ નામના ૬૩ વર્ષના ગુજરાતી વેપારી ઘણાં વર્ષોથી દિવસમાં ત્રણ વખત કાંદિવલી-ચારકોપ વિસ્તારનાં રખડતાં કૂતરા-બિલાડાંને ખવડાવે છે. સાતથી આઠ વર્ષથી તો આ નિત્યક્રમમાં તેઓ દર મહિને પચાસ હજાર રૂપિયાથી વધારે રકમ ખર્ચે છે. રામાયણી સંત મોરારિબાપુની પ્રેરણાથી તેઓ આ સન્માર્ગે વળ્યા છે. બાપુના સત્સંગથી જીવન પલટાઈ ગયું હોવાની લાગણી ગોવિંદભાઈ વ્યક્ત કરે છે.

ગોવિંદભાઈએ ૧૯૮૨માં મુંબઈમાં આવ્યા પછી થોડા મહિના પ્લમ્બરનું કામ કર્યું. ત્યાર પછી ભાડે દુકાન લઈને કરિયાણાના છૂટક વેચાણનો ધંધો શરૂ કર્યો. એ દિવસોમાં ગોવિંદભાઈ પાસે રહેવાની જગ્યા નહોતી. તેઓ દુકાનની બહાર ફુટપાથ પર સૂતા હતા. ત્યાર પછી તેમણે રસ્તે રખડતાં પશુઓને ખવડાવવાનું શરૂ કર્યું. જેમ-જેમ ધંધો વધતો ગયો તેમ-તેમ કૂતરાં, બિલાડાં કે અન્ય રઝળતાં પશુઓની પેટની ભૂખ શાંત કરવાની પ્રવૃત્તિને વધુ સમય ફાળવતા ગયા.

ગોવિંદભાઈના ધંધામાં બરકત આવવા માંડી એટલે કરિયાણાની બીજી દુકાન કરી. હવે તો ઇલેક્ટ્રૉનિક સામાનની પણ એક દુકાન છે. એ દુકાન તેમનો દીકરો સંભાળે છે. મોરારિબાપુની રામકથાઓ સાંભળતાં તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. કેટલાંક વર્ષોથી તેઓ ધૂમ્રપાન અને શરાબ છોડીને નોટબુકમાં રામનામ લખવાનો નિયમ પાળે છે. મોરારિબાપુના શબ્દો ગોવિંદભાઈએ આત્મસાત કર્યા છે.

બાપુ કહે છે કે ‘તમે સીધા રસ્તે ચાલશો તો ખુશી મળશે અને ખોટા રસ્તે ચાલશો તો હતાશા-દુઃખ મળશે. તમે ધનવાન બનો તો દાનધર્મ કરો, ગરીબોને મદદ કરો. જો એ તમારે માટે શક્ય ન હોય તો ભગવાનનું નામ લેતા રહો.’

બાપુના એ શબ્દો જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરતાંની સાથે ગોવિંદભાઈ વ્યસનોથી મુક્ત થયા અને પશુ-પક્ષીઓને ખવડાવીને પરદુઃખભંજન બનવાની દિશામાં આગળ વધ્યા હતા.

samiullah khan kandivli malad charkop mumbai mumbai news