સજ્જડ પુરાવા હશે તો કેસ રીઓપન કરાશે : ગૃહપ્રધાન અનિલ દેશમુખ

10 January, 2020 08:25 AM IST  |  Mumbai | Dharmendra Jore

સજ્જડ પુરાવા હશે તો કેસ રીઓપન કરાશે : ગૃહપ્રધાન અનિલ દેશમુખ

ગૃહપ્રધાન અનિલ દેશમુખ

ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે જજ બ્રિજગોપાલ હરકિશન લોયાના ૨૦૧૪માં અચાનક મોતમાં જો કશુંક શંકાસ્પદ થયું હોવાનું સૂચવતા દાવાઓનું સમર્થન કરતા સજ્જડ પુરાવા મોજૂદ હશે તો આ કેસ ફરીથી ખોલવામાં આવશે. એનસીપીના નેતાએ જણાવ્યું હતું કે જજ લોયાના અવસાન મામલે નવેસરથી તપાસની માગણી કરનારા કેટલાક લોકોએ તેમનો સંપર્ક સાધ્યો હતો અને તેમની પાસે પુરાવા મોજૂદ હોવાનો દાવો કર્યો હતો. એ સમયના ગુજરાતના હોમ મિનિસ્ટર અમિત શાહ આ કેસમાં એક આરોપી હતા એથી તેમના મૃત્યુને લઈને ઘણો વિવાદ થયો હતો.

જજ બ્રિજગોપાલ હરકિશન લોયા

દેશમુખે મંત્રાલય ખાતે કહ્યું હતું કે ‘કેટલાક અગ્રણી લોકોએ મૃત્યુની તપાસ ફરીથી શરૂ કરવા માટે મારો સંપર્ક સાધ્યો હતો. તેઓ આજે અથવા આવતી કાલે મને મળશે.

હું હાલના તબક્કે તેમનાં નામો જાહેર કરવા માગતો નથી, પરંતુ હું કહું છું કે જો મને યોગ્ય જણાશે તો હું પોલીસને મૃત્યુની તપાસ ફરીથી શરૂ કરવા માટે જણાવવાનું વિચારીશ.’

ગયા વર્ષે એનસીપી પ્રમુખ શરદ પવારે સુધ્ધાં કહ્યું હતું કે આ કેસની પુનઃ તપાસની શક્યતા છે.

જજ લોયા ૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ તેમના સહકર્મીની પુત્રીનાં લગ્નમાં હાજરી આપવા માટે નાગપુર ગયા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું. લગ્નમાં ઉપસ્થિત રહેનારા અન્ય ચાર જજોએ જણાવ્યું હતું કે હાર્ટ અટૅકને કારણે જસ્ટિસ લોયાનું અવસાન થયું હતું.

જોકે ૨૦૧૭માં અખબારી અહેવાલોએ દાવો કર્યો હતો કે લોયાનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હોવા તરફ દિશાનિર્દેશ કરનારી વિગતો સામે આવી છે. પછીથી તેમના મોતની તપાસની માગણી કરતી પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમે એમ જણાવીને એ અરજીઓ ફગાવી દીધી હતી કે ચાર સાક્ષી ન્યાયાધીશોનાં નિવેદનો પર શંકા કરવાનું કોઈ કારણ નથી.

sharad pawar nationalist congress party supreme court mumbai news dharmendra jore