જસ્ટિસ લોયાનું રહસ્યમય મૃત્યુ:લોકો શાંતિપૂર્ણ વિરોધ દ્વારા જવાબ માગે છે

31 January, 2020 07:25 AM IST  |  Mumbai | Gaurav Sarkar

જસ્ટિસ લોયાનું રહસ્યમય મૃત્યુ:લોકો શાંતિપૂર્ણ વિરોધ દ્વારા જવાબ માગે છે

પાંચ વર્ષ થવા છતાં જજ બી. એચ. લોયાના રહસ્યમય મૃત્યુની આસપાસ ફરી રહેલા પ્રશ્નો હજી પણ વણઉકલ્યા રહ્યા છે. જોકે મુંબઈના ૩૦ રહીશોના જૂથે રાજ્ય સરકારને એ યાદ કરાવવાનો નિર્ધાર કર્યો છે કે લોકો હજી પણ એ જાણવા માગે છે કે જસ્ટિસ લોયાની હત્યા કોણે કરી? અમિત શાહની સંડોવણી ધરાવતા સોહરાબુદ્દીન શેખના બનાવટી એન્કાઉન્ટરની સુનાવણી કરી રહેલા જજ લોયા ૨૦૧૪માં એક લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે નાગપુર ગયા હતા, ત્યારે ત્યાં કથિત કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમનું મોત નીપજ્યું હતું.

પોસ્ટમૉર્ટમમાં ન્યાયાધીશ બ્રિજગોપાલ હરકિશન લોયાનું મૃત્યુ કુદરતી કારણોસર થયું હોવાનો રિપોર્ટ આવ્યો હોવા છતાં ૨૦૧૭ના વિસ્તૃત રિપોર્ટમાં નોંધ હતી કે નવી વિગતો બહાર આવી છે, જે સૂચવે છે કે તેમના મોત મામલે કશુંક અજુગતું થયું છે. આ રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં ઘણી પીઆઇએલ દાખલ કરાઈ હતી, પરંતુ એ તમામને ફગાવી દેવાઈ હતી. સુપ્રીમે જણાવ્યું હતું કે લગ્ન સમારંભમાં જસ્ટિસ લોયા સાથે હાજર ચાર જજોનાં નિવેદનો પર શંકા કરવાનું કોઈ કારણ નથી.

આ સ્થિતિમાં ફેસબુક મારફત પરિચયમાં આવેલા ૩૦ દેખાવકર્તાઓ બપોરે એક વાગ્યે ગેટવે ખાતે સાદા પોષાકમાં એકત્રિત થયા હતા. ત્યાં પોલીસ હાજર નથી તેની ખાતરી થયા બાદ તેમણે તેમની બૅગમાંથી ટી-શર્ટ કાઢીને પહેરી લીધી હતી. સાથે જ તેમણે ૧૯૪૮ના રોજ આ દિવસે જેમની હત્યા થઈ હતી, તે મહાત્મા ગાંધીની તસવીર સાથેનું બેનર ખોલ્યું હતું. બેનરમાં લખાણ હતું – સત્યમેવ જયતે.

આ પણ વાંચો : મુંબઈ : શનિવારથી કુર્લા ટર્મિનસ પર પ્રી-પેઇડ ઑટો

એક દેખાવકર્તા વિનોદ ચંદેએ જણાવ્યું હતું કે આજના વિરોધનો હેતુ વર્તમાન રાજ્ય સરકારને એ જણાવવાનો છે કે જજ લોયાના મોતનું ખરું કારણ શું હતું તથા તેમના મૃત્યુ બાબતે રહસ્ય શા માટે ઘૂંટાયું છે. આ માગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

mahatma gandhi gateway of india mumbai news gaurav sarkar mumbai