કાશ્મીરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં કોલ્હાપુરનો જવાન શહીદ

15 November, 2020 10:08 AM IST  |  Pune | Agency

કાશ્મીરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં કોલ્હાપુરનો જવાન શહીદ

પ્રતીકાત્મક તસવીર

લશ્કરના જવાન હૃષિકેશ જોંધળેનું કાશ્મીરમાં લાઇન ઑફ કન્ટ્રોલ પર પાકિસ્તાન દ્વારા થયેલા ફાયરિંગમાં મોત નીપજ્યું હતું એ પહેલાં છેલ્લે બુધવારે તેણે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં રહેતી તેમની માતા સાથે ફોન પર વાત કરી હોવાનું શહીદ જવાનના પિતાએ શનિવારે જણાવ્યું હતું. આખો દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ પરિવાર શહીદ પુત્રના મૃતદેહની રાહ જોઈ રહ્યો છે.

લશ્કરનો શહીદ થયેલો ૨૦ વર્ષનો જવાન હૃષિકેશ પશ્ચિમ મહારાષ્ટ્રના અજરા તાલુકાના બહિરેવાડી ગામનો વતની હતો. જમ્મુ અને કાશ્મીરના ગુરેઝ અને ઉરી સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા એલઓસી પરથી થયેલા ફાયરિંગમાં માર્યા ગયેલા ચાર જવાનોમાં તેનો સમાવેશ હતો.

પાકિસ્તાન દ્વારા એક કરતાં વધુ વખત કરવામાં આવેલા‌ સીઝ ફાયરના ભંગમાં બીએસએફના એક સબ-ઇન્સ્પેક્ટર તથા ૬ નાગરિકોનાં પણ મોત નીપજ્યાં હતાં.

શહીદ જવાનના ભાવુક પિતા રામચંદ્ર જોંધળેએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે લૉકડાઉન લાગુ થયું હતું એ પહેલાં તેમનો પુત્ર રજા લઈને ઘરે આવ્યો હતો. તે ૧ એપ્રિલ સુધી રજા પર હતો. જોકે લૉકડાઉનને કારણે તેણે ઘરે રહેવું પડ્યું હતું અને જૂનમાં ફરજ પર હાજર થયો હતો. બુધવારે હૃષિકેશે તેની માતા સાથે છેલ્લી વખત ફોન પર વાત કરી હતી.’

ગામના સરપંચ સુનીલ ચવાણે જણાવ્યું હતું કે તેઓ હૃષિકેશનો મૃતદેહ આવવાની રાહ જોઈ રહ્યા છે. તેની અંતિમવિધિ સ્કૂલ પરિસરમાં હાથ ધરાશે.

mumbai mumbai news pune indian army kolhapur pakistan