ધન્ય છે આવી ઑનેસ્ટીને...

16 October, 2020 07:52 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

ધન્ય છે આવી ઑનેસ્ટીને...

જયસિંગભાઈએ ગુમ થયેલી રોકડ ભરેલી બૅગ માલિકને પાછી આપી હતી.

લૉકડાઉનમાં દરેકની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે અને અનેક લોકોના પગાર ઓછા થઈ ગયા છે તો અનેક લોકોએ નોકરી ગુમાવી છે તથા ધંધાની ગાડી પાટા પર ચડી રહી નથી એવા સંજોગોમાં પણ મહાલક્ષ્મીમાં રેસકોર્સ સામે આવેલા એ-૪ બિલ્ડિંગમાં રહેતા ૬૯ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝન જયસિંગ રામજી ખુમાણે ખરા અર્થમાં મનાવતાનાં દર્શન કરાવ્યાં છે. તેમને રસ્તા પર પડી રહેલી પ્લાસ્ટિકની બૅગમાં ૩૦,૦૦૦ રૂપિયાની રોકડ રકમ મળી હતી. જોકે એમાં રહેલી માહિતીના આધારે તેમણે પરિવારની મદદ લઈ બૅગને એના માલિકને સોંપી દીધી હતી. માલિકે એક-એક રૂપિયો ભેગો કરીને એ રૂપિયા જમા કર્યા હતા અને એ ફરી મળતાં તેમને વિશ્વાસ નહોતો બેસતો. જોકે જ્યારે પૈસા તેમને પાછા મળ્યા ત્યારે તેઓ ખૂબ જ ભાવુક બની ગયા હતા.

આ બનાવ વિશે માહિતી આપતાં જયસિંગ ખુમાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દરરોજની જેમ હું અને મારી સાથે મારા મિત્ર વિઠ્ઠલ ગોહિલ બુધવારે સાંજે સાડાપાંચ વાગ્યે વૉકિંગ કરવા જઈ રહ્યા હતા. રેસકોર્સ પાસે આવેલી લાલા લજપતરાય કૉલેજ પાસે અમે પહોંચ્યા ત્યારે અચાનક વરસાદ પડતાં અમે ત્યાં રહેલા બસ-સ્ટૉપ પર જઈને ઊભા રહી ગયા હતા. અમે વરસાદ બંધ પડે એની રાહ જોતા ત્યાં બેઠા હતા એવામાં મેં ૫૦૦ રૂપિયાની નોટ રસ્તા પર વિખેરાયેલી જોઈ. જોકે ત્યાંથી પસાર થઈ રહેલો એક સાઇકલવાળો જેટલી નોટો તેને દેખાઈ એ લેતો ગયો. મને લાગ્યું કે તેના પૈસા રસ્તા પર પડ્યા હશે એટલે તે લેતો હશે, પણ થોડી જ ક્ષણોમાં રસ્તા પર પડેલી પ્લાસ્ટિકની બૅગ તરફ મારું ધ્યાન ગયું. એમાં કંઈક દેખાતાં મેં લઈને જોયું તો એમાં રોકડ રકમ અને કાગળિયાં હતાં. કાગળિયાંમાં સ્ટેટમેન્ટ અને નંબર હતો એટલે એ બૅગ હું ઘરે લઈ ગયો.’

માલિકની બૅગ મળતાં તે ભાવુક બનીને પગે પડ્યો એમ કહેતાં જયસિંગભાઈએ કહ્યું કે ‘ઘરે આવીને પરિવારની મદદથી એમાં રહેલા નંબર પર ફોન કરીને જાણ કરીને હિતેશ નામની વ્યક્તિને બોલાવ્યો હતો. હિતેશ અમે કહેલી જગ્યાએ આવ્યો અને તેનું આધાર કાર્ડ અને અન્ય ડૉક્યુમેન્ટ્સ જેવી માહિતી કન્ફર્મ કરીને તેને બૅગ સોંપી દીધી હતી. બૅગમાં તેમણે ગણ્યા તો ૩૦,૦૦૦ રૂપિયા હતા. બૅગના અમુક પૈસા સાઇકલવાળો લઈ ગયો હતો. હિતેશભાઈ કારિયા કચ્છના રહેવાસી છે અને મરીન લાઇન્સમાં અન્ય લોકો સાથે રહે છે. તેઓ ઇલેક્ટ્રિકનું કામકાજ કરે છે. છેલ્લા ૩ મહિનાથી તેઓ જેમ-તેમ કરીને તેમના કરેલા કામના પૈસા ભેગા કરી રહ્યા હતા. પૈસા ગુમ થતાં તેઓ સતત શોધી રહ્યા હતા અને અનેક ઠેકાણે તપાસ કરી જોઈ હતી, પણ પૈસા પાછા મળતાં તેઓ ભાવુક બની ગયા અને પગે પડીને હાથ જોડવા માંડ્યા હતા.’

mumbai mumbai news mahalaxmi mahalaxmi racecourse preeti khuman-thakur