મુંબઈ : 60 વર્ષના આ સ્ટુડન્ટ પાસેથી શીખવા જેવું છે

06 November, 2020 07:47 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

મુંબઈ : 60 વર્ષના આ સ્ટુડન્ટ પાસેથી શીખવા જેવું છે

રાજેશ વોરા તેમની દીકરી ધ્રુવી અને દીકરા મીત સાથે.

આજકાલ ૬૦ વર્ષની ઉંમરે અનેક લોકો શરીરના દુખાવા લઈને બેસી જાય છે ત્યારે બોરીવલી-વેસ્ટમાં આવેલી ગોરાઈ સહકાર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષના રાજેશ વોરાએ કંઈક અનોખું કરી દેખાડ્યું છે. ૩૭ વર્ષ બાદ તેમણે બારમા ધોરણની પરીક્ષા આપી અને એ પણ ૭૨.૯૨ ટકા સાથે પાસ કરી હતી.ત્યાર બાદ છેલ્લાં પાંચ વર્ષથી તેઓ એલએલબીનો અભ્યાસ કરી રહ્યા હતા. દરરોજ કૉલેજમાં ક્લાસ અટેન્ડ કરીને તેમણે અંતે અનેક અડચણો છતાં પાંચ વર્ષની સખત મહેનતે લૉની પરીક્ષા ગઈ કાલે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી. ઉલ્લેખનીય છે કે રાજેશભાઈનાં દીકરો-દીકરી અને પોતે એક જ કૉલેજમાં સાથે જતાં હતાં.

પહેલાં કૉલેજમાં જઈને ક્લાસ અટેન્ડ કરવાનું ઑડ લાગતું હતું, પરંતુ પછીથી કૉલેજના યંગસ્ટર્સ મારા ખૂબ સારા ફ્રેન્ડ્સ બની ગયા છે એમ કહેતાં પ્રૉપર્ટી, સોસાયટી સંબંધી લીગલ કામકાજ કરતા કપોળ વાણિયા સમાજના રાજેશ વોરાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ૧૪ વર્ષથી જ મેં નોકરી કરવાનું શરૂ કરી દીધું હતું. નોકરી સાથે હું ભણતો હોવાથી બારમાની પરીક્ષામાં નાપાસ થતાં અભ્યાસ છોડી દીધો હતો, પરંતુ મારાં બાળકોને જોઈને અને મારા કામકાજમાં પણ મદદ થાય એમ હોવાથી મને પણ ભણવાની ધગશ જાગી હતી એથી મેં ૩૭ વર્ષે બારમાની પરીક્ષા આપી અને ૭૨.૯૨ ટકા સાથે પાસ કરી. ત્યાર બાદ લૉ કરવાનું વિચાર્યું અને કાંદિવલીની કે.ઈ.એસ. કૉલેજમાં ઍડ્મિશન લીધું હતું. કૉલેજ જતાં અગાઉ તો ખૂબ ઑડ લાગતું હતું, પરંતુ ધીરે-ધીરે કૉલેજના યંગસ્ટર્સ મારા ખૂબ સારા ફ્રેન્ડ્સ બની ગયા છે.’

પાંચ વર્ષે ફર્સ્ટ ક્લાસ પાસ કરતાં ખૂબ ગર્વ થઈ રહ્યો છે એમ કહેતાં રાજેશભાઈ કહે છે, ‘મેં જે કૉલેજમાં ઍડ્મિશન લીધું ત્યાં દીકરી ધ્રુવી પહેલાં જ લૉ ભણી રહી હતી અને દીકરો મીત અને હું પણ એ જ કૉલેજમાં ભણી રહ્યા હતા.’

હું અને મારાં દીકરો-દીકરી ત્રણેય સાથે કૉલેજ જતાં હતાં અને અભ્યાસમાં એકબીજાને મદદ સુધ્ધાં કરીએ છીએ. મેં પહેલાં ત્રણ વર્ષ બીએલએસ અને બાકીનાં બે વર્ષ એલએલબી મળીને કુલ પાંચ વર્ષ અભ્યાસ કર્યો હતો. દીકરીએ બે વર્ષ પહેલાં એક્ઝામ ક્લિયર કરી લીધી અને મારું ગઈ કાલે જ રિઝલ્ટ આવતાં મેં ફર્સ્ટ ક્લાસ સાથે એલએલબી પાસ કરી લીધું છે. દીકરો હાલમાં આ જ કૉલેજમાં લૉનું ભણી રહ્યો છે.
- રાજેશ વોરા

mumbai mumbai news borivali preeti khuman-thakur