દેશભરમાં સૌથી વધારે ડ્રગ્સ મુંબઈ સપ્લાય થાય છે

17 October, 2020 10:06 AM IST  |  Mumbai | Mumbai correspondent

દેશભરમાં સૌથી વધારે ડ્રગ્સ મુંબઈ સપ્લાય થાય છે

પ્રતીકાત્મક તસવીર

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગુરુવારે દેશભરમાં મુંબઈ સહિત ચાર જગ્યાએ કરેલી કાર્યવાહીમાં કરોડો રૂપિયાના નશીલા પદાર્થ સાથે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસમાં જણાયું છે કે મુંબઈમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની હેરફેરની સાથે સેવન પણ થાય છે. તપાસ એજન્સીએ આરોપીઓ પાસેથી કોકેન, ફેનીસીક્લાઇડાઇન (પી.સી.પી.), એમડીએ, હશીશ અને મફેડ્રોન નામના કરોડો રૂપિયાના નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા. બૉલીવુડમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું સેવન થતું હોવાનો આરોપ અભિનેત્રી કંગના રનોટે મૂક્યા બાદ અનેક સિનેસ્ટારની સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ડ્રગ્સ ઍન્ગલથી તપાસ કરાયા બાદ એનસીબીએ દેશભરમાં વ્યાપક કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રતિબંધિત નશીલા પદાર્થનો ગોરખધંધો મુંબઈ સહિતના મેટ્રો શહેરમાં થઈ રહ્યો હોવાની માહિતી મળ્યા બાદ એનસીબીએ નશીલા પદાર્થની હેરાફેરીની સપ્લાય ચેઇનને તોડવા માટેની કાર્યવાહી છેલ્લા કેટલાક દિવસથી હાથ ધરી છે.
એનસીબીએ આપેલી માહિતી મુજબ પહેલા ઑપરેશનમાં ૧૨ ઑક્ટોબરે વસઈમાંથી એનસીબીની ટીમે ૧ કિલો કોકેન અને બે કિલો પીસીપી સાથે મોહમ્મદ એહમદ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં તેને આ નશીલા પદાર્થ એસ. કે. સૌરભે પહોંચાડ્યા હોવાનું જણાયા બાદ વસઈમાં જ રહેતા સૌરભની ધરપકડ કરીને તેની પાસેથી ૨૯.૩૦૦ કિલો એમડીએ જપ્ત કરાયું હતું. આરોપી સૌરભની પૂછપરછમાં તેને ડ્રગ્સ એ. ખાનીવડેકર અને આર. ખાનીવડેકરે આપ્યાની માહિતી મળ્યા બાદ એ. ખાનીવડેકરની ધરપકડ કરાઈ હતી. તેની પૂછપરછમાં જણાયું હતું તેના ભાઈ આર. ખાનીવડેકર ૪૮૩ કિલો એફીડ્રાઇન નામના ડ્રગ્સનો આરોપી છે અને જામીન પર છૂટેલો છે. ડીઆરઆઇએ દરોડો પાડ્યો હતો એ પહેલાં આરોપીઓએ નશીલા પદાર્થ એસ. કે. સૌરભના ગોડાઉનમાં શિફ્ટ કરી દીધો હતો.
એનસીબીની જમ્મુ ઝોનલ યુનિટે ૫૬.૪ કિલો ચરસ એમ. ગુપ્તા, એ. ગંભીર અને સોનિયા નામના આરોપીઓ પાસેથી ૧૫ ઑક્ટોબરે ટોલ નાકા પાસેથી જપ્ત કર્યું હતું. બે આરોપી દિલ્હીના રહેવાસી છે. ચરસ મુંબઈ લઈ જવાતું હોવાથી એ કોને સપ્લાય કરવાનું હતું એની માહિતી મેળવીને ટીમે કેટલાક આરોપીઓની મુંબઈમાંથી ધરપકડ કરી હતી. માહિતીને આધારે મુંબઈમાંથી વધુ ૬ કિલો ચરસ જપ્ત કરાયું હતું.
આવી જ રીતે ત્રીજા ઑપરેશનમાં એનસીબીની ટીમે અંધેરીમાંથી એક આરોપી પાસેથી ૭૦ ગ્રામ મફેડ્રોન જપ્ત કર્યું હતું. આરોપી પ્રદીપ સાહની અંધેરી અને જુહુ એરિયામાં ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું જણાયું હતું. તે એક ટેલિફિલ્મ કંપનીમાં પ્યુન હતો.
એસીબીએ ચોથા ઑપરેશનમાં એક વિદેશી નાગરિકની નશીલા પદાર્થ સાથે ધરપકડ કરી હતી. આરોપી દક્ષિણ અમેરિકાના રાજ્યમાંથી ડ્રગ્સ મગાવીને મુંબઈમાં પાલી હિલ, બાંદરા, અંધેરી, જુહુ અને ખાર વગેરે વિસ્તારમાં સપ્લાય કરતો હોવાનું પૂછપરછમાં જણાયું હોવાનું એનસીબીએ જાહેર કરેલી માહિતીમાં જણાવાયું છે.

mumbai mumbai news