રેલવે-ટિકિટ બુકિંગ કરતી ટોળકીનું દુબઈ કનેક્શન

31 January, 2020 03:05 PM IST  |  Mumbai

રેલવે-ટિકિટ બુકિંગ કરતી ટોળકીનું દુબઈ કનેક્શન

પ્રતીકાત્મક તસવીર

રેલવેની ઑનલાઈન અને તત્કાળ ટિકિટ બુકિંગ કરતી ટોળકીનો આરપીએફે પર્દાફાશ કર્યો છે. આ ટોળકીનું કનેક્શન દુબઈ સાથે હોવાની આંચકાદાયક માહિતી બહાર આવી છે. આરપીએફે અત્યાર સુધી ૨૬ જણની ધરપકડ કરી હોઈ આ ટોળકીમાં આર્થિક વ્યવહાર અને હવાલાનું કામ કરતા ગુરુજીની શોધ પોલીસ કરી રહી છે.

દુબઈમાં સોફ્ટવેર એન્જિનિયર ટીમ, યુગોસ્લાવિયાથી ઊભું કરવામાં આવેલું આઇપી એડ્રેસ અને ભારતમાં મુખ્ય, સુપર એડમિનિસ્ટ્રેશન, મુખ્ય વેચાણકર્તા અને અંદાજે ૨૦ એજન્ટના માધ્યમથી એક કૉર્પોરેટ સ્ટ્રક્ચર પ્રમાણે ચલાવવામાં આવતી દેશની એક મોટી ટિકિટ બુકિંગ કરતી ટોળકીનો આરપીએફે પર્દાફાશ કર્યો છે. બે મહિનાની તપાસ બાદ આ ટોળકીનો માસ્ટરમાઇન્ડ હમીદ અશરફ દુબઈમાંથી રેકેટ ચલાવતો હોવાનું પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું હતું.

ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે રેલવે-ટિકિટ ગોટાળા પ્રકરણે અશરફની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં થયેલા બૉમ્બસ્ફોટમાં તેનો હાથ હોવાની પણ શંકા સેવાઈ રહી છે. આરપીએફે આ પ્રકરણમાં ૨૬ જણની ધરપકડ કરી હતી, જેમાં ભારતમાં આ ટોળકીના સરદાર ગુલામ મુસ્તફાની ૧૯ જાન્યુઆરીએ બૅન્ગલોરમાંથી, જ્યારે ટોળકીના પશ્ચિમ ઝોનના મુખ્ય દીપલ શાહ ઉર્ફે ડેની શાહની ૨૨ જાન્યુઆરીએ પશ્ચિમ એક્સપ્રેસમાં ગુજરાત ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે બોરીવલીથી ધરપકડ કરી હતી.

આરપીએફના પોલીસ વડા અરુણકુમારે જણાવ્યું હતું કે ઑનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થાય બાદ ૪૦ સેકન્ડમાં કુલ ટિકિટની સરેરાશ ૫૦ ટિકિટો આ ટોળકી પાસે જમા થઈ જતી હતી. ટોળકીએ એવું સોફ્ટવેર વિકસાવ્યું હતું કે જેમાં રેલવેના ઑનલાઈન ટિકિટ બુકિંગ સમયે કૅપ જેવી સુરક્ષા સિસ્ટમ સહિત ઓટીપી નિર્માણ અને એ સબમિટ કરવાની પ્રક્રિયાને વાળવામાં આવતી હતી. આ સોફ્ટવેરનો ટોળકીના ૨૦ હજાર એજન્ટ વપરાશ કરી રહ્યા હોવાથી અન્ય ટ્રાવેલ્સ એજન્ટ અને ગ્રાહકોની સરખામણીમાં તેઓને દરેક સમયે ૩૦ સેકન્ડનો ફાયદો મળતો હતો. આ ટોળકીના હાથ નીચે ૩૦૦ અગ્રગણ્ય વિક્રેતા અને તેના હાથ નીચે ૨૦ હજાર એજન્ટ કામ કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અમારી ટીમ વધુ તપાસ કરી રહી છે.

માસ્ટરમાઇન્ડ અશરફ આંતરરાષ્ટ્રીય ઓપરેટર

ટોળકીનો ભારતનો માસ્ટરમાઇન્ડ ગુલામ મુસ્તફા એક આંતરરાષ્ટ્રીય ઓપરેટર છે. તેનું પાકિસ્તાન સહિત બંગલા દેશ, અખાતના દેશો, ઇન્ડોનેશિયા અને નેપાળમાં નેટવર્ક છે અને તે બનાવટી આધારકાર્ડ તૈયાર કરવામાં હોશિયાર છે.

ગુરુજીની શોધ સઘન બનાવાઈ

ટોળકીનું આર્થિક વ્યવહાર અને હવાલાનું કામ સંભાળતા ગુરુજીની શોધ આરપીએફ સઘન બનાવી છે. ગુરુજી યુગોસ્લાવિયા દેશનો નંબર અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) વાપરી રહ્યો છે. ધરપકડ થયા પહેલાં ટોળકીના માસ્ટરમાઇન્ડ ગુલામ મુસ્તફાએ ગુરુજીના અકાઉન્ટમાં ૧૩ લાખ રૂપિયા જમા કરાવ્યા હોવાનું આરપીએફના એક અધિકારીએ જણાવ્યું હતું.

Crime News mumbai crime news mumbai news