મુંબઈ : છેલ્લી સફરે નીકળ્યું આઇએનએસ વિરાટ

20 September, 2020 10:45 AM IST  |  Mumbai | Agency

મુંબઈ : છેલ્લી સફરે નીકળ્યું આઇએનએસ વિરાટ

આઇએનએસ વિરાટ

સેવામાંથી નિવૃત્ત થયેલા ઍરક્રાફ્ટ કૅરિયર શિપ આઇએનએસ વિરાટે ગઈ કાલે પોતાની છેલ્લી સફર કરવા ગુજરાતના અલંગ માટે રવાના થયું હતું. અલંગ પહોંચ્યા બાદ ઐતિહાસિક કૅરિયરને તોડીને એને ભંગાર તરીકે વેચવામાં આવશે. આ શિપને ગેટવે ઑફ ઇન્ડિયાથી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વિરાટે એની અંતિમ મુસાફરી નેવલ ડૉક યાર્ડથી શરૂ કરી હતી જ્યાં માર્ચ ૨૦૧૭માં એને નિવૃત્ત કરવામાં આવ્યું હતું. વિરાટની આ અંતિમ યાત્રા દરમ્યાન નેવીનું હેલિકૉપ્ટર પણ ધ્યાન રાખવા માટે ઉપર ફરી રહ્યું હતું. ડિફેન્સ ક્ષેત્રના પ્રવક્તાએ કહ્યું કે વિરાટ શુક્રવારે અલંગ જવા રવાના થવાનું હતું, પરંતુ એની વિદાય એક દિવસ મોડી પડી હતી. એણે યુકેની રૉયલ નેવીમાં એચએમએસ હર્મેસ તરીકે સેવા આપી હતી અને ભારતીય નૌકાદળમાં સામેલ થયા બાદ આઇએનએસ વિરાટનું નામ મેળવ્યું હતું. જોકે આ ઐતિહાસિક વિરાટને કોઈ સંગ્રહાલય અથવા રેસ્ટોરાંમાં રૂપાંતરિત કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા હતા, જેમાં નિષ્ફળતા મળી હતી.

આ જહાજને તોડવાની બિડ અલંગના શ્રીરામ જૂથે જીતી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ જહાજને પ્રવાસ પૂર્ણ કરવામાં બે દિવસ લાગશે. અલંગ વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. આ શિપની છેલ્લી વિદાય માટે અનેક લોકોએ સોશ્યલ મીડિયામાં પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા.

mumbai mumbai news indian navy