મુંબઈ : તમામ પૅથોલૉજિસ્ટને ઍન્ટિજેન ટેસ્ટિંગની છૂટ આપો

10 July, 2020 11:29 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈ : તમામ પૅથોલૉજિસ્ટને ઍન્ટિજેન ટેસ્ટિંગની છૂટ આપો

ફાઈલ તસવીર

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ના મહારાષ્ટ્ર એકમે રાજ્યમાં કોરોનાના ઍન્ટિજન ટેસ્ટિંગના વ્યાપ અને પ્રમાણ વધારવાનો સરકારને અનુરોધ કર્યો હતો. IMAના મહારાષ્ટ્ર એકમના હોદ્દેદારોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ (ICMR)ના વડાને જણાવ્યું હતું કે ‘હાલમાં નૅશનલ ઍક્રિડિટેશન બોર્ડ ફૉર ટેસ્ટિંગ ઍન્ડ કૅલિબ્રેશન લૅબોરેટરીઝ (NABL)ની મંજૂરી મળી હોય એવી લૅબોરેટરીઝ કોરોનાના દરદીઓ માટે ઍન્ટિજેન ટેસ્ટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને NABLની મંજૂરી ઍક્રિડિશનની શરત રદ કરીને શૈક્ષણિક લાયકાત અનુભવ સાથે મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)ની મંજૂરી ધરાવતા તમામ પૅથોલૉજિસ્ટ્સ અને માઇક્રો બાયોલૉજિસ્ટ્સને ટેસ્ટિંગ કરવાની છૂટ આપવી જોઈએ.’

IMAના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ડૉ. અવિનાશ ભોંડવેએ જણાવ્યું હતું કે ‘હાલમાં સરકારી હૉસ્પિટલોમાં પૅથોલૉજી કે માઇક્રો બાયોલૉજીનાં ક્વૉલિફિકેશન્સ હોય કે ન હોય એવા મેડિકલ ઑફિસર્સના સુપરવિઝનમાં કોવિડ-ટેસ્ટિંગ કરવામાં આવે છે. એવા સંજોગોમાં લાયકાત ધરાવતા અનુભવી સ્પેશ્યલિસ્ટ પૅથોલૉજિસ્ટ્સ અને માઇક્રો બાયોલૉજિસ્ટ્સને શા માટે છૂટ ન આપવી જોઈએ. IMAના સભ્ય પૅથોલૉજિસ્ટ્સ અને માઇક્રો બાયોલૉજિસ્ટ્સને પરવાનગી માટે મેં મુખ્ય પ્રધાન અને ICMRના વડાને પત્ર લખ્યા છે. જો પૅથોલૉજિસ્ટ્સને કોવિડ-ટેસ્ટિંગની છૂટ આપવામાં આવે તો ૩૦ મિનિટમાં પરિણામ મળી શકે છે. એ ઉપરાંત રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પૉલિમર્સ ચેઇન રીઍક્શન (RT-PCR) ટેસ્ટિંગની સરખામણીમાં ઓછા ખર્ચે ટેસ્ટિંગ કરી શકાશે. એ રીતે વધુ ૫૦૦૦ ટેસ્ટિંગ સેન્ટર્સ ઉમેરાતાં કન્ટેનમેન્ટ ઝોન્સ અને હૉટસ્પૉટના વિસ્તારોમાં ઝડપથી ટેસ્ટિંગ કરી શકાશે.’

mumbai mumbai news coronavirus covid19 lockdown dharmendra jore