ફી નથી ભરી? તો પાછા જાઓ સિનિયર કેજીમાં

21 July, 2020 07:30 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ફી નથી ભરી? તો પાછા જાઓ સિનિયર કેજીમાં

ગઈ કાલે પૂર્ણપ્રજ્ઞા સ્કૂલના ગેટ નજીક પેરન્ટ્સ એકઠા થયા હતા.

દહિસર-ઈસ્ટમાં સ્ટેશન-રોડ પર આવેલી શ્રી પૂર્ણપ્રજ્ઞા એજ્યુકેશન ટ્રસ્ટની પૂર્ણપ્રજ્ઞા હાઈ સ્કૂલ દ્વારા પહેલા ધોરણનાં બાળકોનાં ઑનલાઇન ટ્યુટોરિયલ્સ લેવાઈ રહ્યાં છે. મૂળમાં પહેલા અને બીજા ધોરણનાં બાળકોને ઑનલાઇન સ્ટડી કરાવવા બાબતે રાજ્ય સરકારે હાલમાં ના પાડી છે છતાં સ્કૂલ દ્વારા આ ઉપક્રમ ચલાવાઈ રહ્યો છે. એમાં પણ સ્કૂલ-ઑથોરિટીએ જે બાળકો સિનિયર કેજીમાંથી પહેલા ધોરણમાં આવ્યાં અને જેમના વાલીઓએ ફી ભરી છે તેમને જ ઑનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. ઘણા બધા વાલીઓ હાલમાં લૉકડાઉનને કારણે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ફી ભરી શક્યા નથી. સ્કૂલ-મૅનેજમેન્ટે ફી ભરનાર અને ફી ન ભરનાર બન્ને વાલીઓનાં વૉટ્સઍપ-ગ્રુપ અલગ કરીને જે વાલીઓએ ફી ભરી છે તેમનાં બાળકોને ઑનલાઇન ભણાવવાનું શરૂ કરી દીધું છે. સ્કૂલના આ વલણને કારણે જે વાલીઓ ફી નથી ભરી શક્યા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે અમારાં બાળકોનું શું?

‘મિડ-ડે’એ આ બાબતે સ્કૂલ-મૅનેજમેન્ટનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ સીઈઓ સર્વોદય ઉડપા મીટિંગમાં છે એમ કહીને મળવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ઈ-મેઇલ મોકલાવીને આ બાબતે તેમનું શું કહેવું છે એ જાણવાનો પ્રયાસ કરાયો હતો અને તેમને રિપ્લાય આપવાનું જણાવ્યું હતું, પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

સ્કૂલમાં મીટિંગ થઈ હતી

સ્કૂલ દ્વારા વર્ગના શિક્ષકો વૉટ્સઍપ-ગ્રુપ પર વાલીઓને વહેલી તકે ફી ભરીને તમારા બાળકનું ઍડ્મિશન લઈ લો એવા મેસેજ રેગ્યુલર મોકલે છે. હાલમાં લૉકડાઉનને કારણે અનેક વાલીઓ મુસીબતનો સામનો કરી રહ્યા છે. ઘણાએ નોકરી ગુમાવી છે, તો ઘણાના ધંધા બંધ છે. ઘણા લોકો ઓછા પગારે કામ કરી રહ્યા છે એવી તેમણે સ્કૂલમાં રજૂઆત કરી હતી. વાલીઓનું કહેવું છે કે હાલમાં સ્કૂલ તરફથી કોઈ શિક્ષણ અપાવાનું નથી, સ્કૂલો બંધ છે. તમે જ્યારે સ્કૂલ ખોલો ત્યારે અમે તમને ફી આપીશું. અમે ફી ભરવાની ના નથી પાડતા, પણ જે વાજબી છે એ ફી લો અને અમને એ ભરવાનો સમય આપો.

એમએનએસના વિભાગ અધ્યક્ષ રાજેશ યેરુણકરે વાલીઓના પ્રતિનિધિ સાથે સીઈઓ સર્વોદય ઉડપા સાથે ચર્ચા કરી હતી.

એક મહિલા પેરન્ટે કહ્યું કે ‘સ્કૂલ દ્વારા હવે જે ઍક્ટિવિટી નથી જ થવાની જેવી કે કમ્પ્યુટર-ક્લાસ બંધ છે, તાતા ઍડ્નું એજ્યુકેશન બંધ છે, આ વર્ષે પિકનિક નથી લઈ જવાની, ઍન્યુઅલ-ડેની ઉજવણી નથી થવાની તો આ બધાની જે ફી લો છો એ ન લોને. બીજું, હાલમાં સ્કૂલો સદંતર બંધ છે તો તેમનાં લાઇટ-બિલ, વૉટર-ચાર્જિસ અને અન્ય મેઇન્ટેનન્સની કૉસ્ટ પણ ઘટી ગઈ છે, તો પછી આટલી બધી ફી શા માટે સ્કૂલે માગવાની?

ગઈ કાલે અનેક વાલીઓ સ્કૂલના પ્રાંગણમાં ભેગા થયા હતા અને રજૂઆત કરવાની કોશિશ કરી હતી. એ વખતે વાલીઓની સમસ્યા સમજીને મૅનેજમેન્ટ સાથે વાત કરવા એમએનએસના વિભાગ પ્રમુખ રાજેશ યેરુણકર પણ સ્કૂલમાં આવ્યા હતા. તેમણે વાલીઓના પ્રતિનિધિઓને સાથે લઈને સ્કૂલના સીઈઓ સર્વોદય ઉડપા સાથે ચર્ચા કરી હતી.

સર્વોદય ઉડપાએ કહ્યું કે ‘સ્કૂલ-મૅનેજમેન્ટે પહેલાં જે ૨૯,૦૦૦ રૂપિયાની ફી હતી એ ઘટાડીને હવે ૨૧,૦૦૦ રૂપિયા કરી નાખી છે. એ સિવાય વાલીઓને એ ફી ૩ હપ્તામાં ભરવાની સવલત કરી આપી છે. એ સિવાય પણ જો કોઈ વાલીઓને મુશ્કેલી હોય તો તેઓ અમને એ બાબતે અરજી લખીને આપે, અમે એ અરજી મૅનેજમેન્ટ કમિટીમાં મૂકીશું અને મૅનેજમેન્ટ કમિટી એના પર નિર્ણય લેશે.’

સ્કૂલ-મૅનેજમેન્ટ દ્વારા હાલમાં ઍડ્મિશન-ફી સાથે અન્ય ફી મળીને ૯૦૦૦ જેટલા રૂપિયાની માગણી કરવામાં આવી છે. વાલીઓનું કહેવું છે કે અમે ઍડ્મિશન-ફી જે ૧૧૯૦ રૂપિયા છે એ હાલમાં ભરવા તૈયાર છીએ, પણ અત્યારના તબક્કે ૯૦૦૦ રૂપિયા કાઢવા અમારા માટે મુશ્કેલ છે.

રાજેશ યેરુણકરે કરેલી રજૂઆત બાદ મૅનેજમેન્ટે નરમ વલણ અપનાવતાં કહ્યું છે કે ‘જે વાલીઓ ફી ભરવા તૈયાર છે તેમને અન્ય વાલીઓ દ્વારા રોકવામાં ન આવે. બીજું, જે વાલીઓ ફી ભરવા માટે સમય માગી રહ્યા છે તેઓ અમને ઍપ્લિકેશન આપે, અમે એના પર વિચાર કરીશું.’

વાલીઓ હવે એક સામૂહિક ઍપ્લિકેશન આપશે અને એ પછી વ્યક્તિગત ઍપ્લિકેશન પણ આપશે. આ ઍપ્લિકેશન ગુરુવાર સુધીમાં આપવાની છે. ત્યાર બાદ સ્કૂલ-મૅનેજમેન્ટ કમિટી આવતા ગુરુવાર સુધીમાં એના પર નિર્ણય લઈને એ વિશે વાલીઓને જણાવશે. વાલીઓ ફરી ૩૦ જુલાઈએ ભેગા થશે.

હાલમાં સ્કૂલો સદંતર બંધ છે એટલે એનાં લાઇટ-બિલ, વૉટર-ચાર્જિસ અને અન્ય મેઇન્ટેનન્સની કૉસ્ટ પણ ઘટી જ ગઈ છે, તો પછી આટલી બધી ફી શા માટે?
- એક પેરન્ટ

mumbai mumbai news