મુંબઈ : આત્મહત્યા કરનારી મહિલાના પતિ અને તેનાં મમ્મી-પપ્પાને ૭ વર્ષની જેલ

23 December, 2014 03:42 AM IST  | 

મુંબઈ : આત્મહત્યા કરનારી મહિલાના પતિ અને તેનાં મમ્મી-પપ્પાને ૭ વર્ષની જેલ





પત્ની પર અત્યાચાર અને તેને સુસાઇડ કરવા મજબૂર કરવાના એક કેસમાં પતિને અને તેનાં મમ્મી-પપ્પાને કોર્ટ દોષી ઠરાવીને ૭ વર્ષની જેલની સજા ફટકારી છે.

ત્રણ વર્ષના રિલેશન બાદ મે ૨૦૦૯માં બ્રોકિંગ ફર્મમાં નોકરી કરતી નિશી સોની અને થાણેના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં યુનિટ્સ ધરાવતા જિતેન્દ્ર જેઠવાણીનાં મૅરેજ થયાં હતાં. સાસરિયાં નિશીને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોવાથી ઑક્ટોબર ૨૦૦૯માં નિશી તેના પિતા નીતિન સોનીના ઘરે જતી રહી હતી. જોકે જિતેન્દ્ર તેને પાછી ઘરે લઈ આવ્યો હતો અને ૨૦૧૦ની ૨૭ જૂને નિશી બિલ્ડિંગના ૨૮મા માળેથી પડી જતાં તેનું મોત થયું હોવાનો ફોન જિતેન્દ્રના કાકાએ નીતિન સોનીને કર્યા બાદ એ ફૅમિલીએ નિશીએ સુસાઇડ કર્યાનો કેસ કર્યો હતો. કેસમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પૈસા અને જ્વેલરી માટે સાસરિયાં નિશીને ત્રાસ આપી રહ્યાં હતાં.

શનિવારે સ્પેશ્યલ વિમેન્સ કોર્ટના જજ એ. એસ. શેન્ડેએ નિશીના સુસાઇડ-કેસનું જજમેન્ટ આપ્યું હતું. કોર્ટ નિશીના પચીસ વર્ષના પતિ જિતેન્દ્ર, ૪૫ વર્ષની સાસુ દિવા અને ૬૦ વર્ષના સસરા મૂળચંદને દોષી જાહેર કર્યા હતાં. આ ત્રણેય આરોપીઓને નિશીને સુસાઇડ માટે ઉશ્કેરણી બદલ ૭ વર્ષની અને તેને ત્રાસ આપવાના કેસમાં ત્રણ વર્ષની  જેલની સજા ફટકારી હતી. તેમના પર બે અલગ અલગ કલમો લાગી હોવાથી બન્ને  કલમો હેઠળ તેમને સજા ફટકારવામાં આવી હતી, પણ ઇન્ડિયન પીનલ કોડ મુજબ જે કલમ હેઠળ સૌથી વધુ સજા મળી હોય એ લાગુ પાડવામાં આવે છે એ મુજબ તેમને સાત વર્ષ જેલમાં કાપવાં પડશે.

આ કેસમાં નિશીની ફૅમિલી સહિત ૧૪ વિટનેસને એક્ઝામિન કરનારાં સરકારી વકીલ કલ્પના હીરેએ કહ્યું હતું કે ‘પુરાવાના અભાવે નિશીની નણંદ સપના જેઠવાણી આ કેસમાં દોષમુક્ત થઈ હતી. જોકે આ કેસમાં દહેજની માગણીના પુરાવા ન હોવાથી આરોપીઓ સામે મુકાયેલા આવા આક્ષેપો પણ પડતા મુકાયા હતા. નિશીને રોજ ડાયરી લખવાની ટેવ હતી, પરંતુ એમાં પણ તેણે દહેજ સંબંધી કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. એક્ઝામિનેશનમાં નિશીના પપ્પાએ કોર્ટને કહ્યું હતું કે મારી દીકરીના સુસાઇડ પાછળ મેઇન કારણ દહેજનું દબાણ હતું અને એને કારણે જ સાસરિયાં તેને સતત ત્રાસ આપતાં હતાં.’

૨૦૧૦ની ૨૭ જૂને નિશીનું મોત થયું એ દિવસે જ નીતિન સોનીએ જિતેન્દ્ર અને જેઠવાણી પરિવાર વિરુદ્ધ નોંધાવેલા કેસમાં દહેજ માટે તેમની દીકરીને ત્રાસ આપવામાં આવતો હતો એવો આક્ષેપ કયોર્ હતો અને ત્યાર બાદ મુલુંડ પોલીસ આ કેસમાં બરાબર તપાસ નથી કરી રહી એવો અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો. એના જવાબમાં કોર્ટ આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવાનો આદેશ આપ્યો હતો.