પોલીસ-સ્ટેશનમાં પચાસ ટકાની હાજરીનો આદેશ કેટલો વાજબી?

25 February, 2021 09:06 AM IST  |  Mumbai | Mid-day Correspondent

પોલીસ-સ્ટેશનમાં પચાસ ટકાની હાજરીનો આદેશ કેટલો વાજબી?

પોલીસ

કોરાનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને પોલીસ-સ્ટેશનમાં ૫૦ ટકા સ્ટાફને જ હાજર રહેવાનો આદેશ ગઈ કાલે ઍડિશનલ પોલીસ ડીઆઇજીએ આપ્યો હતો. બાકીના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે પહેલેથી જ પોલીસ-સ્ટેશનમાં ઓછો સ્ટાફ છે અને ઉપરથી માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા સામે સવાલ ઊભો થયો છે. ૧૦૦ ટકા પોલીસનો સ્ટાફ અપૂરતો છે ત્યારે પચાસ ટકા સાથે પોલીસ વિભાગ કેવી રીતે કામ કરી શકશે? બીજું, પોલીસ કોવિડના સંકટમાં ફ્રન્ટલાઇન પર કામ કરી રહી છે ત્યારે પોલીસવડાએ ૫૦ ટકા હાજરીનો આદેશ આપવાને બદલે સાવચેતી રાખીને બધાએ કામ કરવું જોઈએ એવા નિર્દેશ આપવા જોઈતા હતા એમ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માનવું છે.

કોરોનાની સ્થિતિ ફરી ગંભીર બની રહી હોવાનું જોઈને રાજ્યના ઍડિશનલ પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ સંજીવકુમાર સિંઘલે રાજ્યના પોલીસ-કર્મચારીઓ બાબતે ગઈ કાલે આ આદેશ આપ્યો હતો. આદેશમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રાબેતા મુજબ જ ઑફિસે આવવાનું રહેશે, જ્યારે પોલીસ કર્મચારીઓએ કુલ ક્ષમતાના ૫૦ ટકા હાજરી આપવાની રહેશે. આમાં પણ ૨૫ ટકા સ્ટાફે સવારે ૯થી ૪ અને બાકીના ૨૫ ટકા સ્ટાફે સવારે ૧૧થી સાંજે ૫ વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવું. કયા કર્મચારીને કયા સમયે કામ પર હાજર થવું એનો નિર્ણય જે તે પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જે લેવાનો રહેશે.

બાકીના ૫૦ ટકા પોલીસ-કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમનું કહેવામાં આવ્યું છે. પોલીસ-સ્ટેશન કે પોલીસની ઑફિસમાં જરૂર પડશે તો આ કર્મચારીઓને તાત્કાલિક બોલાવી શકાશે.

એક ઉચ્ચ પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે કોવિડની શરૂઆત થયા બાદ પોલીસ ફ્રન્ટલાઇન પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહી છે. વિકટ પરિસ્થિતિમાં નાકાબંધીથી પોલીસ-સ્ટેશનની ફરજ પર કર્મચારીઓ જ હોય છે. આથી ૫૦ ટકા કર્મચારીઓને જ ડ્યુટી કરવાના આદેશથી કામકાજને અસર પહોંચશે અને ડ્યુટી પરના કર્મચારીઓ પર પ્રેશર આવશે. માસ્ક ન પહેરનારાઓ સામે કાર્યવાહીનો પડકાર તેમની સામે છે. મુંબઈના પોલીસ કમિશનરે જે પોલીસ-સ્ટેશનની હદમાં માસ્ક ન પહેરનારા લોકો સામે ઓછી કાર્યવાહી થશે એમની પાસેથી ખુલાસો મગાશે એવું ફરમાન બહાર પાડ્યું છે. આવી સ્થિતિમાં ૫૦ ટકાની ક્ષમતા સાથે કામ કરવું ઘણું મુશ્કેલ બનશે.’

mumbai mumbai news mumbai police coronavirus covid19