મુંબઈ : હોટેલ હિલ્ટન વેચવાની છે એવી અફવા ચાલી

21 November, 2014 03:31 AM IST  | 

મુંબઈ : હોટેલ હિલ્ટન વેચવાની છે એવી અફવા ચાલી




એક વિચિત્ર ઘટનાક્રમમાં એવું જાણવા મળ્યું છે કે ખ્યાતનામ હોટેલ હિલ્ટનને એના માલિકોની જાણબહાર વેચવાનો પ્રયાસ કોઈ કરી રહ્યું હતું. આ ઘટના હોટેલના વહીવટી તંત્રને વેચાણ વિશેની ઈ-મેઇલ મળી ત્યારે પ્રકાશમાં આવી હતી. હોટેલના મૅનેજમેન્ટે ત્વરિત પગલાં લઈને નિવેદન જારી કરતાં વસ્તુસ્થિતિ સ્પષ્ટ થઈ હતી. હિલ્ટન જૂથે હોટેલનું વેચાણ કરવાની બાબતનો ઇનકાર કરતાં ઉમેર્યું હતું કે ખોટી ઈ-મેઇલ પાછળ બિજયકુમાર વીરાણીનો હાથ છે. ગુજરાતસ્થિત શ્રીરામ ઑટોવર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડનો તે ડિરેક્ટર છે. જોકે વીરાણીએ આ બાબતે તાજેતરમાં બિનશરતી માફી માગી લીધી છે.

અંધેરી (ઈસ્ટ)માં ઍરપોર્ટ પાસે આવેલી ૧૭૧ રૂમની આ હોટેલ અગાઉ લ રૉયલ મૅરિડિયન તરીકે ઓળખાતી હતી અને ત્યાર બાદ એનું નામ બદલીને હિલ્ટન મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ કરવામાં આવ્યું હતું. આ હોટેલની માલિકી DB જૂથ ધરાવે છે. DB જૂથના ભાગીદારો શાહિદ બલવા અને વિનોદ ગોએન્કા છે જેઓ 2G કૌભાંડમાં સંડોવાયેલા છે. આગળના અહેવાલો મુજબ ૨૦૧૨માં હોટેલની બજારકિંમત લગભગ ૪૦૦ કરોડ રૂપિયા હતી, પરંતુ સૂત્રો જણાવે છે કે એની હાલની કિંમત ૪૭૫થી ૫૦૦ કરોડ રૂપિયા છે.

આ પ્રખ્યાત હોટેલના વેચાણની ખબરથી હૉસ્પિટૅલિટી ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. એના ફળસ્વરૂપે વેચાણની શરતો દર્શાવતી ઈ-મેઇલ્સ હોટેલ-મૅનેજમેન્ટના ધ્યાનમાં આવી હતી.

શ્રીરામ ઑટોવર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ભાવેશ વીરાણીએ જણાવ્યું હતું કે ‘અમે જાહેર નોટિસ જારી કરી છે. અમે લોકોને છેતરવાના પ્રયાસો નથી કરતા. હોટેલ ખરીદવા વાટાઘાટો થઈ હતી, પરંતુ એ નિષ્ફળ નીવડી હતી. એથી આ મુદ્દો ઊછળ્યો છે.’

બિજયકુમારે જણાવ્યું હતું કે આ મુદ્દો ઊછળ્યો એ અમારી ભૂલ છે એથી અમે તાજેતરમાં જાહેર નોટિસ જારી કરી છે.