આયુર્વેદિક ડૉક્ટરોમાં સર્જરી કરવાની પૂરતી તાલીમનો અભાવ

27 November, 2020 11:51 AM IST  |  Mumbai | Arita Sarkar

આયુર્વેદિક ડૉક્ટરોમાં સર્જરી કરવાની પૂરતી તાલીમનો અભાવ

ફાઈલ તસવીર

આયુર્વેદિક ડૉક્ટરોને તાલીમ આપીને કાયદેસર રીતે કેટલીક સર્જરી કરવાની છૂટ આપવાનો સરકારનો વિવાદાસ્પદ નિર્ણય હેલ્થકૅર ક્ષેત્રે કાર્યરત ઘણા લોકો માટે સ્વીકારવો મુશ્કેલ છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (આઇએમએ)એ આ નિર્ણયને જાહેરમાં વખોડી નાખ્યો છે, ત્યારે શહેરની હૉસ્પિટલો પણ આયુર્વેદિક ડૉક્ટરોને રાખીને તેમના દરદીઓ પર સર્જરી કરવાની પરવાનગી આપવા માટે રાજી નથી.

લીલાવતી હૉસ્પિટલના વાઇસ પ્રેસિડન્ટ અજયકુમાર પાંડેએ જણાવ્યું હતું કે ‘સર્જરી કરવાની પરવાનગી જેમને આપવામાં આવે છે, તે ડૉક્ટરો માટે માપદંડો નક્કી કરવામાં આવેલા છે. અમારી નીતિના ભાગરૂપે, માત્ર આ ક્ષેત્રના નિષ્ણાતોને જ એમ કરવાની પરવાનગી અપાશે.’

તો... કોકિલાબેન હૉસ્પિટલના ચીફ ઑપરેટિંગ ઑફિસર સંતોષ શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘ખાનગી હૉસ્પિટલોએ નૅશનલ ઍક્રેડિટેશન બોર્ડ ફૉર હૉસ્પિટલ્સ ઍન્ડ હેલ્થકૅર પ્રૉવાઇડર્સના નિયમોને વળગી રહેવું પડે છે, જેમાં આયુશના સ્નાતકોને ઍલોપૅથિક દવાઓના ઉપયોગની મંજૂરી નથી.’

તો બીજી તરફ સરકારના નિર્ણયનો બચાવ કરતાં નૅશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ અસોસિએશન (મહારાષ્ટ્ર)ના જનરલ સેક્રેટરી ડૉ. અનિલ બજારેએ દલીલ કરી હતી કે ‘ઇન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન (આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની જેવા વૈકલ્પિક ઉપચારોનો અભ્યાસ)ના સ્નાતકો બિનયોગ્યતાપાત્ર નથી હોતા. અમે સુગ્રથિત ઉપચારની હિમાયત કરીએ છીએ, જેમાં વૈકલ્પિક ઉપચારના વિદ્યાર્થીઓ આધુનિક ઉપચારના અભ્યાસુઓ સાથે કામ કરી શકે છે. ઉપચારનાં બન્ને ક્ષેત્રની મર્યાદાઓ છે, પણ એ બન્ને માનવ શરીરની સારવાર કરે છે.’

ડૉ. બજારેએ ઉમેર્યું હતું કે ‘આયુર્વેદિક ડૉક્ટરો ઘણા લાંબા સમયથી ઇએનટી, હર્નિયાનું તથા એપેન્ડિક્સ દૂર કરવાની સર્જરી કરતા આવ્યા છે. આયુર્વેદિક ડૉક્ટરોએ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે અને તમામ હૉસ્પિટલોએ તેમની સેવાઓ લેવી જોઈએ. ટોચની હૉસ્પિટલો કદાચ તેમને ન રોકે, પણ અન્ય હૉસ્પિટલો આઇએસએમ ગ્રેજ્યુએટને રોકતી હોય છે.’

mumbai mumbai news indian medical association coronavirus covid19 arita sarkar