મલાડમાં ૩૨ વર્ષની મહિલાની મિત્ર દ્વારા હત્યા

12 November, 2014 03:15 AM IST  | 

મલાડમાં ૩૨ વર્ષની મહિલાની મિત્ર દ્વારા હત્યા




શિરીષ વક્તાણિયા

મલાડ (વેસ્ટ)માં માર્વે રોડ પર આવેલા રુસ્તમજી અપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે ૩૨ વર્ષની શગુફ્તા ખાન નામની મહિલાની તેના નજીકના મિત્ર અરવિંદ ગુપ્તા ઉર્ફે ગુડ્ડુએ હત્યા કરી હતી અને ઘરમાંથી મોંઘી વસ્તુઓની ચોરી કરીને નાસી છૂટ્યો હતો. આરોપી ઘરમાં જ્યારે ચોરી કરતો હતો ત્યારે શગુફ્તા ખાનની બે દીકરીઓ સ્કૂલમાંથી પાછી આવી હતી અને તેમણે મમ્મીના હત્યારાને નાસતાં જોઈ લીધો હતો. પોલીસે આ કેસમાં એક રિક્ષા-ડ્રાઇવરની ધરપકડ કરી છે.

આરોપી ઓળખીતો હતો

શગુફ્તા ખાન આ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે ફ્લૅટ-નંબર ૬૪માં રહે છે અને આરોપી અરવિંદ ગુપ્તા તેનો મિત્ર હોવાથી તે ઘણી વાર તેના ઘરે આવતો હતો. શગુફ્તા ખાનનો પતિ સોનુ ઝાલમ બિઝનેસમૅન છે અને ઑસ્ટ્રેલિયામાં રહે છે જ્યારે શગુફ્તા તેની બે દીકરીઓ પાંચ વર્ષની ચિકુ અને ૧૧ વર્ષની રિયા સાથે આ ફ્લૅટમાં રહે છે. આરોપી ગુડ્ડુ ગોરેગામ (વેસ્ટ)માં લક્ષ્મીનગરમાં રહે છે અને તે આ હત્યા બાદ ફરાર છે.

શું કહ્યું પોલીસે?

આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપી બિલ્ડિંગમાં આવ્યો અને ગયો એ CCTV કૅમેરાના ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે. ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે આરોપી ગુડ્ડુ શગુફ્તાના ઘરમાં આવ્યો હતો. સિક્યૉરિટી ગાર્ડે તેના પર કોઈ શક નહોતો કર્યો, કારણ કે તે રેગ્યુલર વિઝિટર હતો. જોકે ગઈ કાલે આરોપી ચપ્પુ લઈને આવ્યો હતો અને તેણે શગુફ્તાના ગળામાં કાતિલ વાર કર્યો હતો. એ પછી તેણે ઘરમાં રહેલી મોંઘેરી વસ્તુઓ એકઠી કરી હતી.’

બાળકીઓ પર હુમલો

આરોપીએ શગુફ્તાની હત્યા કરી પછી તે જ્યારે ઘરમાંથી વસ્તુઓ એકઠી કરી રહ્યો હતો ત્યારે રિયા અને ચિકુ સ્કૂલમાંથી ઘરે આવી હતી. તેમણે ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો અને અંદર આરોપીના એક હાથમાં બૅગ અને એક હાથમાં ચપ્પુ જોતાં તેમણે મદદ માટે બૂમો મારી હતી.

આ ઘટના વિશે બોલતાં શગુફ્તાની કઝિન ડૉલી ખાને કહ્યું હતું કે ‘આરોપીએ રિયા પર હુમલો કરવાની કોશિશ કરી હતી, પણ તે પોતાને અને બહેનને બચાવવામાં સફળ રહી હતી. આરોપી દાદરા પરથી નાસી છૂટ્યો હતો. અમે આરોપીને કદી મળ્યાં નથી, પણ શગુફ્તાએ અમને કહ્યું હતું કે અરવિંદ ગુપ્તા તેનો મિત્ર છે અને ગોરેગામમાં સેલફોનની દુકાનમાં કામ કરે છે. રિયા અને ચિકુએ તેમની નજર સામે મમ્મીને મરતાં જોઈ હતી. તેને હૉસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં જ તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.’

ચોરીનો આશય

આ હત્યાનો આશય ચોરી હોઈ શકે એ વિશે બોલતાં ક્રાઇમ બ્રાન્ચના ACP સુનીલ દેશમુખે કહ્યું હતું કે ‘બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા CCTV કૅમેરામાં આરોપીની ઇમેજ આવી છે અને શગુફ્તા ખાનની બે દીકરીઓએ તેને ઓળખી લીધો છે. આ હત્યાનો હેતુ ચોરીનો છે અને ઘરમાંથી ઘણી મૂલ્યવાન ચીજો ગુમ થઈ છે. આરોપી લિફ્ટ દ્વારા આવ્યો હતો, પણ દાદરા ઊતરીને નાસ્યો છે.’

આ કેસમાં આરોપી ગુડ્ડુ ફરાર છે, પણ પોલીસે ફૈયાઝ નામના રિક્ષા-ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસને શંકા છે કે ફૈયાઝે આ મર્ડરનો પ્લાન બનાવ્યો હતો અને તે ગુપ્તાને લેવા માટે બિલ્ડિંગની બહાર તેની રાહ જોતો હતો.

શગુફ્તાનાં પ્રેમલગ્ન

સોનુ ઝાલમ અને શગુફ્તા વિશે બોલતાં પોલીસે કહ્યું હતું કે ‘૧૨ વર્ષ પહેલાં તેમણે લવ-મૅરેજ કર્યા હતાં. શગુફ્તા જ્યારે એક રેસ્ટોરાંમાં કામ કરતી હતી ત્યારે સોનુ તેને મળ્યો હતો અને તેઓ પ્રેમમાં પડ્યાં હતાં. સોનુએ થોડા સમય પહેલાં તેનો બિઝનેસ ઑસ્ટ્રેલિયામાં શરૂ કર્યો હતો.’