ભિંડી બજારની જર્જરિત અકબર પીરભોય ચાલ ખાલી કરાવવાનો મ્હાડાને આદેશ

03 November, 2019 10:43 AM IST  |  મુંબઈ | અરિતા સરકાર

ભિંડી બજારની જર્જરિત અકબર પીરભોય ચાલ ખાલી કરાવવાનો મ્હાડાને આદેશ

જર્મરિત ઈમારતને તોડવાનો આદેશ

અનેક મહિના સુધી મકાન તૂટી પડવાના ભય હેઠળ પસાર કર્યા પછી ભિંડી બજાર વિસ્તારની જર્જરિત અકબર પીરભોય ચાલ ખાલી કરાવવાનો આદેશ મુંબઈ વડી અદાલતે મ્હાડાને આપ્યો હતો. ૧૫ ઑક્ટોબરે વડી અદાલતે આપેલા આદેશમાં મ્હાડાને મકાન ખાલી કરાવ્યા બાદ એ તોડી પાડવા અને સૈફી બુરહાની અપલ્ફ્ટિમેન્ટ ટ્રસ્ટ (એસબીયુટી)ના ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સામેલ કરવાની પણ સૂચના આપી હતી.
ભાડૂતોએ અકબર પીરભોય ચાલના પુનર્વિકાસ માટે મકાનમાલિકની સાથે દલીલો કરીને કંટાળ્યા પછી રાહત માટે મુંબઈ વડી અદાલતમાં અરજી કરી હતી. મકાનના એક રહેવાસી અબિઝર અત્તરવાલાએ જણાવ્યું હતું કે ‘કેટલાક વખતથી ચાલનું બાંધકામ સાવ ખખડી ગયું છે. છતના પોપડા ઊખડીને પડવા માંડ્યા છે. અમારા મકાનમાલિકને વધારે પૈસા જોઈતા હોવાથી તેમણે મકાન સૈફી બુરહાની અપલ્ફિટમેન્ટ ટ્રસ્ટને વેચ્યું નહોતું. અમે વડી અદાલતમાં અરજી કરીને જણાવ્યું કે મકાન પર અધિકાર માટે ભલે એસબીયુટી અને મકાનમાલિક લડતા રહે, અમને જગ્યા ખાલી કરવા માટે મદદ કરો, કારણ કે મકાનની હાલત ખૂબ ખરાબ છે.’
વડી અદાલતના ૧૫ ઑક્ટોબરના આદેશમાં સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટને ટાકતાં જણાવ્યું હતું કે ‘આ મકાન ૧૦૦ વર્ષ કરતાં વધારે જૂનું છે. એની આવરદા અને ક્ષમતા પૂરી થઈ ગઈ છે. મ્હાડાએ મકાનના રહેવાસીઓને હંગામી રહેઠાણો આપવાનાં રહેશે. ત્યાર પછી અસુરક્ષિત અકબર પીરભોય ચાલને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવાની રહેશે.’
મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (મ્હાડા)ના ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવા જવાની ઑફરના અનુસંધાનમાં અબિઝર અત્તરવાલાએ જણાવ્યું હતું કે ભાડૂતો મ્હાડાના ટ્રાન્ઝિટ કૅમ્પમાં રહેવાને બદલે સૈફી બુરહાની અપલ્ફ્ટિમેન્ટ ટ્રસ્ટ તરફથી ભાડું લઈને અન્યત્ર રહેવા જવાનો વિકલ્પ પસંદ કરે છે.
મ્હાડાના ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર ભિમરાવ કાળેએ જણાવ્યું હતું કે ‘અદાલતના આદેશ મુજબ અમે અકબર પીરભોય ચાલના રહેવાસીઓને માઝગાવના અંજીરવાડી વિસ્તારમાં ટ્રાન્ઝિટ એકોમોડેશનની ઑફર કરી હતી. જે લોકો પોતાની રીતે ઘર શોધવા ઇચ્છતા હતા, એ લોકો સૈફી બુરહાની અપલ્ફ્ટિમેન્ટ ટ્રસ્ટમાંથી ભાડાની રકમ લઈને તેમની પસંદગીના ઠેકાણે રહેવા ગયા છે. અમે ટૂંક સમયમાં મકાન તોડવાની કાર્યવાહી શરૂ કરીશું.’

mumbai mumbai high court