દિવાળી વખતે મુંબઈમાં ચાર સ્થળે હાઈ અલર્ટ

30 October, 2012 03:11 AM IST  | 

દિવાળી વખતે મુંબઈમાં ચાર સ્થળે હાઈ અલર્ટ



મુંબઈપોલીસને એક પત્ર લખીને મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે (એટીએસ) અંધેરી (વેસ્ટ)માં આવેલા મૅક્ડોનલ્ડ્સ, જોગેશ્વરી ફ્લાયઓવર, જુહુ બીચ તથા બાંદરા બસડેપો જેવાં સ્થળોએ ચાંપતો સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવા કહ્યું છે; કારણ કે દિલ્હીની સ્પેશ્યલ સ્ક્વૉડ દ્વારા પુણેબ્લાસ્ટ માટે જવાબદાર આતંકવાદીઓએ દિવાળીના દિવસો દરમ્યાન આ સ્થળોએ બૉમ્બ મૂકવાની યોજના વિશેની જાણકારી પોલીસને તપાસ દરમ્યાન આપી હતી.

એટીએસનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘પુણેના જંગલી મહારાજ રોડ પર આ લોકોએ જ કથિત બૉમ્બબ્લાસ્ટ કર્યા હતા. ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય અસદ ખાન, ઇમરાન ખાન તથા સઈદ ફિરોઝે પુણે બૉમ્બવિસ્ફોટની ઘટનાને અંજામ આપ્યો હતો. પુણેની યેરવડા જેલમાં હત્યા કરવામાં આવેલી કાતિલ સિદ્દીકીની હત્યાનો બદલો લેવા માટે જ તેમણે પુણેમાં બ્લાસ્ટ કર્યા હતા. આ ઉપરાંત અંધેરી (વેસ્ટ)માં આવેલી મૅક્ડોનલ્ડ્સ, જોગેશ્વરી ફ્લાયઓવર, જુહુ બીચ તથા બાંદરા બસ-ડેપોમાં પણ બૉમ્બવિસ્ફોટ કરવાની યોજનાનો આ ત્રિપુટીએ સ્વીકાર કર્યો હતો.’

દિલ્હી સ્પેશ્યલ સેલના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સંજીવ યાદવે કહ્યું હતું કે ‘ત્રણે જણે પૂછપરછ દરમ્યાન આ સ્થળોએ બૉમ્બવિસ્ફોટ કરવાની વાતનો સ્વીકાર કરતાં એની માહિતી મહારાષ્ટ્ર એટીએસ તથા મુંબઈપોલીસને આપવામાં આવી છે. આ તમામ સ્થળોએ મુંબઈપોલીસના વેસ્ટર્ન રીજને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે તેમ જ એની વિશેષ કાળજી રાખવાની માહિતી પણ સંબંધિત ઑથોરિટીને મોકલવામાં આવી છે.’

એટીએસની આ સૂચના બાબતે પોલીસે કોઈ પણ વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. ઝોન-૯ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) પ્રતાપ દિઘાવકરે આ માહિતીને સમર્થન કે રદિયો આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સ્થળે અમારી નિયમિત ચકાસણી ચાલતી હોય છે. ઘણા પ્રયત્નો કરવા છતાં આ વિશે એટીએસના ચીફ રાકેશ મારિયાનો સંપર્ક નહોતો થઈ શક્યો.

મુંબઈપોલીસના એક ઑફિસરે કહ્યું હતું કે ‘તહેવારો દરમ્યાન ઘણા લોકો બહાર ખરીદી માટે નીકળતા હોવાથી અમે સાવધ રહીએ છીએ. જો કોઈ વિશેષ જાણકારી મળે તો અમે પૂરતી તકેદારી લઈને એ વિસ્તારમાં સુરક્ષા-બંદોબસ્ત વધુ સખત કરીએ છીએ.’