11 December, 2024 01:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગેરકાયદે બેસતા ફેરિયાઓેની સમસ્યાને જોતાં બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા સુઓ મોટો એટલે કે સામે ચાલીને દાખલ કરવામાં આવેલી અરજીમાં હવે ફેરિયાઓનાં એક કરતાં વધુ યુનિયનોએ મધ્યસ્થી કરતી અરજી કરી છે. એટલું જ નહીં, ફેરિયાઓએ ૨૦ જગ્યા ફેરિયામુક્ત કરવાના BMCના નિર્ણયને પણ પડકાર્યો છે. તેમનું કહેવું છે કે એ જગ્યા પર બેસતા ફેરિયાઓનો ઑલરેડી સર્વે થઈ ગયો છે અને તેઓ લાઇસન્સ મેળવવાને પાત્ર છે.
યુનિયનોનું કહેવું છે કે BMCએ ૨૦ લોકેશન કોઈ પણ પ્રોસીજર ફૉલો કર્યા વગર આપખુદ રીતે નક્કી કર્યાં છે. યુનિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે પરેલના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર બેસતા ૨૦૦ ફેરિયાઓનો તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સૉશ્યલ સાયન્સિસ દ્વારા પહેલી વાર ૧૯૯૭માં સર્વે કરાયો હતો. એ પછી ૨૦૧૪માં BMCએ તેમનો સર્વે કર્યો હતો. એટલું જ નહીં, ત્યાર બાદ તેમને વડા પ્રધાન સ્વનિધિ અંતર્ગત કોઈ પણ વસ્તુ ગીરવી મૂક્યા વગર લોન પણ આપવામાં આવી હતી. આ પરિવારો અહીં પેઢીઓથી ફેરી કરે છે એમ છતાં તેમને અહીંથી હટાવવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે.
એક સિનિયર સિટિઝન ફેરિયાએ કહ્યું હતું કે ‘મારી દાદી અહીં પંચાવન વર્ષ પહેલાં ફેરી કરતાં હતાં, એ પછી મારા પિતા અને હવે હું અહીં ફેરી કરું છું. દર વખતે BMC આવીને અમને હટાવે છે, અમારો સામાન લઈ જાય છે. છેલ્લે એ સામાન છોડાવવા અમારે દંડ ભરવો પડે છે.’