મુંબઈ હાફ મૅરથૉન-૨૦૧૨માં ૧૦૦૦ લોકોએ ભાગ લીધો

26 December, 2012 07:11 AM IST  | 

મુંબઈ હાફ મૅરથૉન-૨૦૧૨માં ૧૦૦૦ લોકોએ ભાગ લીધો



FLAME  સંસ્થાના જૉઇન્ટ સેક્રેટરીએ મૅરથૉન વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુંબઈ હાફ મૅરથૉન સુધરાઈની ક્લીન-અપ ડ્રાઇવ અને મુંબઈની ટ્રાફિક-પોલીસની સેફ્ટી ડ્રાઇવ સાથે સંકળાયેલી હતી. મૅરથૉનમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝનો, શારીરિક રીતે અક્ષમ લોકો, કૉર્પોરેટ હાઉસિસ અને અન્ય સામાજિક સંસ્થાઓ એમ કુલ મળીને ૧૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મૅરથૉનમાં ઇન્ડિયન નેવી, વેસ્ટર્ન રેલવે, થાણે પોલીસ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. મુલુંડ-ગોરેગામ લિંક રોડથી શરૂ થઈ એલબીએસ રોડના માર્ગથી પસાર થઈને ભાંડુપના મંગતરામ પેટ્રોલ-પમ્પથી સોનાપુર જંક્શન (હેગડેવાર ચોક) પર મૅરથૉન પૂરી થઈ હતી.’

આ મૅરથૉનમાં ૫ કિલોમીટર, ૧૦ કિલોમીટર, ૨૧ કિલોમીટર, ૧.૫ કિલોમીટર અને ૧ કિલોમીટરની અલગ-અલગ કૅટેગરી રાખવામાં આવી હતી. લોકોમાં શહેરની સ્વચ્છતા, શિસ્ત અને સલામતી બાબતે જાગૃતિ લાવવાના મુખ્ય હેતુથી મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોને મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટ ઍથ્લેટિક અસોસિએશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને વિજેતાઓનું મેડલ અને સર્ટિફિકેટથી સન્માન કરવામાં આવ્યું હતું. મૅરથૉનમાં રોટરી ક્લબ ઑફ મુલુંડ હિલ્સના ડિરેક્ટર જનરલ, એના પ્રેસિડેન્ટ નારાયણ શેટ્ટી તેમ જ સેક્રેટરી સતનામ શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા.