મુંબઈ: લૉકડાઉન હોવા છતાં ભાઈંદરમાં ગુટકા માફિયા સક્રિય

28 March, 2020 11:05 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: લૉકડાઉન હોવા છતાં ભાઈંદરમાં ગુટકા માફિયા સક્રિય

એક આરોપી પાસેથી ભાઈંદરમાં જપ્ત કરાયેલા ગુટકા.

કોરોનાના ગંભીર સંકટમાં આખી દુનિયા સપડાઈ છે ત્યારે પણ કેટલાક લોકો પૈસા કમાવાની લાલચ રોકી નથી શકતા. દેશભરમાં ૨૧ દિવસનું લૉકડાઉન છે ત્યારે ભાઈંદરમાં ખુલ્લેઆમ ગુટકા માફિયાઓ ઊંચા ભાવે માલ વેચી રહ્યા હોવાની ચોંકાવનારી બાતમી મળ્યા બાદ અહીંના નવઘર પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ૮૫ હજારની કિંમતના ગુટકા જપ્ત કર્યા હતા.

નવઘર પોલીસના અધિકારીને બાતમી મળી હતી કે ભાઈંદર (ઈસ્ટ) કસ્તુરી એસ્ટેટમાં રહેતા એક યુવકે પોતાના ઘરમાં પ્રતિબંધિત ગુટકાનો સંગ્રહ કરીને ચોરીછૂપીથી દુકાનોમાં આ માલ પહોંચાડે છે. બાતમીને આધારે પોલીસે બુધવારે રાત્રે દરોડો પાડ્યો હતો.

આરોપી જયેશ શર્મા પાસેથી ૮૫ હજાર રૂપિયાની કિંમતના ગુટકા પોલીસને મળી આવ્યા હતા. તે પોતાના સ્કૂટર પર માલની ડિલિવરી કરવા જતો હતો ત્યારે જ પોલીસને તેને ઝડપી લીધો હતો. રાજ્યમાં ગુટકાનું વેચાણ પ્રતિબંધિત હોવાની સાથે કોરોનાને લીધે લોકોના માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે કમાણી કરવાના આ કેસમાં નવઘર પોલીસ-સ્ટેશનમાં આઇપીસીની ૩૨૮, ૧૮૮ તથા અન્ન સુરક્ષાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ બિરાજદારે કહ્યું હતું કે આરોપી કેટલાક સમયથી ગુટકાનો ગેરકાયદે સંગ્રહ કરીને વેચાણ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. અમે આગળની તપાસ કરી રહ્યા છીએ.’

bhayander mumbai mumbai news Crime News