પુત્રીની ગુહારઃમારી મમ્મીને મળવા મને પાકિસ્તાનથી મુંબઈ આવવા દો

11 April, 2019 07:22 AM IST  |  | જયેશ શાહ

પુત્રીની ગુહારઃમારી મમ્મીને મળવા મને પાકિસ્તાનથી મુંબઈ આવવા દો

મુંબઈમાં રહેતી માતા ગંભીર સ્થિતિમાં હોવાથી તેને મળવા માગતી પાકિસ્તાનમાં રહેતી તેની દીકરીને ભારત આવવાનું મુશ્કેલ બની રહ્યું છે. ભારત-પાકિસ્તાનના સંબંધો પુલવામા અટૅક બાદ એટલાબધા વણસી ગયા છે કે એક દીકરી પોતાની છેલ્લા શ્વાસ ગણતી મમ્મીને મળવા પણ નથી આવી શકતી. માતાને મળવા માટે વિઝા આપવા અનેક દિવસોથી પ્રયાસ કરી રહેલી દીકરીએ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને પણ ટ્વીટ કરીને દરમિયાનગીરી કરવાનું કહ્યું છે છતાં હજી સુધી કોઈ ઉત્તર મળ્યો નથી. મૂળ ગુજરાતના કોડીનારના વતની અને હાલમાં શહેરના જોગેશ્વરીમાં રહેતા જરીવાલા પરિવારે આ મામલે ‘મિડ-ડે’ને પોતાની આપવીતી જણાવી હતી. પાકિસ્તાનમાં રહેતી દીકરી આ મામલે ભારતના વડા પ્રધાનને ફરિયાદ કરી રહી છે કે મારી માતાની ગંભીર માંદગીમાં મારો તેમની સાથે મિલાપ કરાવી આપો. 

શું છે મામલો?

ગુજરાતના કોડીનારના મૂળ વતની અને જોગેશ્વરી (વેસ્ટ)માં ૨૪ કૅરેટ મલ્ટિપ્લેક્સ પાસે વ્હાઇટ ટાવર બિલ્ડિંગમાં રહેતા અને લાકડાની શૉપ ધરાવતા ગુજરાતી મેમણ સમાજના ૩૮ વર્ષના જુનૈદ જરીવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ૭૯ વર્ષની માતા શિરીન જરીવાલાની તબિયત સાત મહિનાથી નાદુરસ્ત્ા હતી. તેની બ્રહ્માકુમારીઝ ગ્લોબલ હૉસ્પિટલ & રિસર્ચ સેન્ટરમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેને દરરોજ ડાયાલિસિસ કરાવવું પડે છે અને લો શુગર ક્રિયાટીનની તકલીફ છે. ડૉક્ટરે જણાવ્યા અનુસાર મમ્મીની કન્ડિશન ક્રિટિકલ છે. ડૉક્ટરની સૂચના બાદ મેં નજીકના સંબંધીઓને મારી મમ્મીની તબિયત વિશે જાણકારી આપી હતી. મારી પાંચ બહેનો મારી સાથે રહે છે. જ્યારે એક બહેન મેમુનાનાં મૅરેજ ૨૮ વર્ષ પહેલાં પાકિસ્તાનમાં થયાં છે.

તેઓ હાલમાં કરાચી રહે છે. અગાઉ તેઓ મમ્મીને મળવા ત્રણ વખત આવી ચૂક્યાં છે. મેં મારી બહેન મેમુના હુનાનીને એક મહિના પહેલાં ફોન કયોર્ હતો કે મમ્મીની કન્ડિશન ક્રિટિકલ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે અને તરત જ તેમણે ઇન્ડિયા આવવાનું વિચાર્યું પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીવાળા માહોલને કારણે વિઝા મળી શકતા નથી એથી અમે બન્ને પરિવાર ચિંતિત છીએ કે મારી બહેનની અંતિમ વખત મમ્મી સાથે મુલાકાત થઈ શકશે કે નહીં. મારી બહેનની દીકરીએ ભારત સરકાર અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજને એક ટ્વીટ કરી હતી, પરંતુ હજી સુધી તેને વિઝા નથી મળ્યા. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે અમારી આ મામલે હેલ્પ કરે. અમને આશા છે કે મુશ્કેલીમાં અમારી વિનંતી વડા પ્રધાન જરૂર સાંભળશે અને સંબંધિત વિભાગને તાકીદે સૂચના આપશે.’

શું છે પ્રોસીજર?

જુનૈદ જરીવાલના કઝિન બ્રધર આસિફ ચૂનાવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મેમુના હુનાની, તેનો પતિ એહમદ હુનાની, તેનો દીકરો અબદુલ્લા હુનાની અને દીકરી યુમામા હુનાની મળી ચાર જણને પાકિસ્તાનથી ભારત આવવા માટે વિઝા પ્રક્રિયાના જરૂરી સ્પૉન્સરનો લેટર, યુટિલિટીની માહિતી તેમ જ ઍફિડેવિટ સહિતની તમામ જવાબદારી પૂરી કરી છે. અમે ભારત સરકારને ખાતરી પણ આપી હતી કે જેટલા દિવસના વિઝા મળશે એ દિવસના અંતિમ દિવસ પહેલાં તમામ ચારેય સભ્યોને પાછા પાકિસ્તાન મોકલી આપવા માટેનો તમામ ખચોર્ અને જવાબદારી અમે લઈએ છીએ. પરંતુ આ લેટર પર જવાબદાર ફસ્ર્ટ ક્લ્ાાસ અધિકારી સાઇન કરી આપવા તૈયાર નથી. તેઓ કાનૂની રીતે કરતા નથી, પરંતુ અનૌપચારિક રીતે તેઓ પુલવામા પછીની પરિસ્થિતિને કારણે જવાબદારી લેવા તૈયાર નથી. આવા સંજોગોમાં માનવતા ખાતર અમારી બહેનને તેની મમ્મી સાથે મળવા માટે વિઝાની મંજૂરી આપવા અમે અનેક રાજકીય અને સરકારી અધિકારીઓને મળ્યા છીએે, પરંતુ હજી સુધી કોઈ જવાબ મYયો નથી.

આ પણ વાંચોઃ પહેલાના સમયમાં કેવી હતી બાન્દ્રાની સુંદરતા, જુઓ એક ઝલક

શું કહ્યું કરાચીમાં રહેતી દીકરીએે?

પાકિસ્તાનના કરાચીમાં રહેતી બાવન વર્ષની મેમુના હુનાનીએ મોબાઇલ પર વાત કરતાં કહ્યું કે અલ્લાહે મારી માતાને જ્યાં સુધીની જિંદગી બક્ષી છે એ પહેલાં તેની સાથે મારી મુલાકાત થઈ જાય તો સારું છે. ડૉક્ટરોએ તેની કન્ડિશન અનસ્ટેબલ હોવાનું મારા ભાઈ જુનૈદે કહ્યા પછી મારું મન તેને મળવા માટે બનાવ્યું છે. અમે ૨૯ માર્ચે વિઝા માટેની ઍપ્લિકેશન કરી છે. હું પણ ગુજરાતી મેમણ પરિવારની છું. મારો જન્મ મુંબઈમાં થયો છે. ભારત સરકારના વડા પ્રધાન એક ગુજરાતી બહેનની અપીલ માન્ય રાખીને તમામ મદદ કરશે એવી મને ખાતરી છે.’

mumbai news jogeshwari pakistan