ટ્રેનમાં ભુલાઈ ગયેલું લૅપટૉપ યુવતીને આવી રીતે મળ્યું

24 February, 2021 09:16 AM IST  |  Mumbai | Mid-day Correspondent

ટ્રેનમાં ભુલાઈ ગયેલું લૅપટૉપ યુવતીને આવી રીતે મળ્યું

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી (વેસ્ટ)ના મથુરાદાસ રોડ પર રહેતી અને ચર્ચગેટની પ્રાઇવેટ કંપનીમાં કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઑફિસરના પદે કામ કરતી એલએલબી ભણેલી હિનલ કોઠારી શાહ મહત્ત્વનાં ડૉક્યુમેન્ટ્સ અને માહિતી ધરાવતું લૅપટૉપ લોકલ ટ્રેનમાં ભૂલી ગઈ, પરંતુ લૅપટૉપને ફૉર્મેટ કરવાનું હોવાથી પાસવર્ડ નહોતો રાખ્યો જેનો ફાયદો પોલીસે લીધો અને એમાંથી આધાર કાર્ડ શોધીને એના મૂળ માલિકને ફોન કરતાં હિનલને તાત્કાલિક તેની બૅગ મળી ગઈ હતી. હિનલ પોલીસનો આભાર માનવા બીજા દિવસે ખાસ ગઈ હતી અને તેમને મીઠાઈ આપીને આભાર સુધ્ધાં વ્યક્ત કર્યો હતો.

સંપૂર્ણ બનાવ વિશે માહિતી આપતાં હિનલ કોઠારી શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દરરોજની જેમ સોમવારે પણ મેં સવારે ૮.૩૧ વાગ્યાની કાંદિવલીથી ચર્ચગેટ જતી ફાસ્ટ લોકલ ટ્રેન પકડી હતી અને સેકન્ડ ક્લાસમાં બેઠી હતી. લૅપટૉપની લેધર બૅગ રૅક પર મૂકી હતી. ચર્ચગેટ આવતાં જલદીમાં હું નીચે ઊતરી ગઈ હતી. બેલાર્ડ એસ્ટેટમાં આવેલી મારી ઑફિસના બિલ્ડિંગ નીચે પહોંચી ત્યારે મને યાદ આવ્યું કે મારી લૅપટૉપની બૅગ તો છે જ નહીં. એમાં મહત્ત્વનાં ડૉક્યુમેન્ટ્સ હોવાથી હું ભારે ચિંતામાં આવી ગઈ હતી. મેં તાત્કાલિક ચર્ચગેટ સ્ટેશને જઈને રેલવે-પોલીસને જાણ કરી હતી. તેમણે મને કહ્યું કે તમે જે ટ્રેન પકડી એ બોરીવલી ફાસ્ટ લોકલ થઈ ગઈ છે અને ૧૦.૦૭ વાગ્યે બોરીવલી સ્ટેશને પહોંચશે. તેમણે મને ૧૫૧૨ નંબર પર ફોન કરીને ફરિયાદ કરવા કહ્યું. મેં ફોન કરતાં એ લાગ્યો નહીં એથી મારા પતિ તેજસે તેના મોબાઇલથી ફોન કરતાં લાગી જતાં અમે ફરિયાદ નોંધાવી હતી.’

લૅપટૉપ મળશે કે નહીં એ ચિંતા થવા લાગી એમ જણાવીને હિનલે કહ્યું હતું કે ‘મેં ચર્ચગેટથી બોરીવલી જવા માટે ટ્રેન પકડી એટલા વખતમાં મને દાદર પોલીસ-સ્ટેશનથી પોલીસનો ફોન આવ્યો કે તમારું લૅપટૉપ અમારી પાસે આવ્યું છે એટલે તમારી ઓળખ દેખાડીને એ લેવા આવી જાવ. ટ્રેનમાં જ હોવાથી હું તરત દાદર પહોંચી ગઈ હતી. પોલીસે તમામ તપાસ કર્યા બાદ મને લૅપટૉપની મારી બૅગ આપી હતી.’

mumbai mumbai news kandivli mumbai local trai