મુંબઈમાં માત્ર બે-ત્રણ દિવસ ચાલે એટલું જ અનાજ

02 December, 2012 04:38 AM IST  | 

મુંબઈમાં માત્ર બે-ત્રણ દિવસ ચાલે એટલું જ અનાજ



નવી મુંબઈ એપીએમસીના વેપારીઓ પાસે અને ગોદામોમાં અત્યારે માત્ર બેથી ત્રણ દિવસ ચાલે એટલો જ અનાજ, દાળ અને કઠોળનો પુરવઠો છે. જો રૅશનિંગ ડિપાર્ટમેન્ટની કનડગતના પ્રશ્નનો જલદી ઉકેલ નહીં આવે તો આ જીવનજરૂરી માલની અછત સર્જાશે. એપીએમસીમાં પાંચ દિવસ દાણાબંદર બંધ રહ્યું એમાં રીટેલમાં અનાજ-કઠોળના ભાવમાં કિલોએ ૧૫થી ૨૦ ટકાનો ભાવવધારો થઈ ગયો છે ત્યારે આગળ જતાં આ ચીજોની અછત ઊભી થશે એમ વેપારીઓનું કહેવું છે. એથી લોકોને હાલાકી ભોગવવી ન પડે એ માટે સોમવારથી જ્યાં સુધી માલ છે ત્યાં સુધી દુકાનો ખોલી માલ વેચવાનો નિર્ણય વેપારીઓના સંગઠન દ્વારા લેવાયો છે, પણ એ માલ લાંબો સમય ચાલે એટલો સ્ટૉક નથી એટલે ત્યાર પછી આમ આદમીને એ કારણે હેરાનગતિ ભોગવવી પડશે.

વેપારીઓ શું કહે છે?


આ બાબતે એપીએમસીમાં વિવિધ દાળનું કામકાજ ધરાવતા વેપારી કમલેશ ઠક્કરે કહ્યું છે કે ‘અમે સોમવારે દુકાનો ખોલવાના છીએ, પણ હવે ખાસ માલ બચ્યો નથી. જનરલી અમારી પાસે નવથી ૧૦ હજાર વિવિધ દાળનાં બાચકાં (૨૫ કિલો = ૧ બાચકું) રોજિંદા સ્ટૉકમાં હોય છે. જેમ-જેમ માલ વેચાતો જાય એમ-એમ બહારગામથી માલ મગાવતાં રહીએ. જોકે અત્યારે એવી પરિસ્થિતિ છે કે રૅશનિંગ ડિપાર્ટમેન્ટની કનડગતના કારણે દેશાવરથી આવતા માલનું લૉડિંગ બંધ કરાયું છે, જેને કારણે મારી પાસે માંડ ત્રણ હજાર બાચકાંનો સ્ટૉક છે. છેલ્લા પાંચ દિવસથી હડતાળ હોવાથી માલની ડિલિવરી થઈ નથી, એથી જે માલ છે એ માલ તો સોમવારે જ ખાલી થઈ જશે. મારું જ એવું છે એમ નહીં, અન્ય વેપારીઓની પણ આ જ હાલત છે.’

માર્કે‍ટમાં અત્યારે ઘઉં ખલાસ થવા આવ્યા છે એ પછી જે માલ વધશે એ ઊંચી કિંમતનો હશે, જેના લેવાલ ઓછા હોય છે એટલે એમાં પણ રીટેલમાં બૂમ ઊઠશે. દાળ અને કઠોળમાં પણ માલ પૂરો થવામાં છે, માત્ર ચોખાનો સ્ટૉક ૨૦થી ૩૦ ટકા જેટલો છે, એ પણ આવતા ચારથી પાંચ દિવસમાં વેચાઈ જશે, પછી તો બધેથી બૂમ ઊઠશે. અર્થકારણના સાદા નિયમ મુજબ શૉર્ટ સપ્લાયને કારણે અનાજના ભાવ રૉકેટ ગતિએ વધવાની શક્યતા છે.

મીટિંગમાં નિર્ણય અફર

વેપારીઓની ગઈ કાલે ગ્રોમા હાઉસના નવમા માળે આવેલા હૉલમાં આ સંબંધે મીટિંગ મળી હતી, જેમાં બહારગામથી માલ ન મગાવવાનો નિર્ણય ફરી એક વાર દોહરાવવામાં આવ્યો હતો. ગ્રોમાના ઉપપ્રમુખ લાડકભાઈ ગૌરીની આગેવાની હેઠળ એ મીટિંગમાં આ વિશે ૧૯૫૫માં ઘડાયેલા કાયદાને પડકારી શકાય એ માટે સાત વેપારીઓની એક કમિટી બનાવવામાં આવી હતી. વેપારીઓના આ આંદોલનના કન્વીનર અશોક બડિયાએ જે વેપારીઓ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે તેમનો આભાર માન્યો હતો. આ મીટિંગમાં નવી મુંબઈ મર્ચન્ટ ચેમ્બરના પ્રમુખ કીર્તિ રાણાએ કહ્યું હતું કે  ‘સરકાર કાયદા બનાવતી વખતે બાબુઓ જેમ કહે એમ કરે છે, પણ પ્રૅક્ટિકલી કોઈ પૂર્વતૈયારી વગર અને યંત્રણા વગર એ કાયદા ઠોકી બેસાડાય છે, એની અસર શું થશે એ વિશે એ અજાણ હોય છે, જેને કારણે વેપારીઓને અને જનતાને હેરાન થવું પડે છે.’

મોટા પાયે નુકસાન

એપીએમસી દાણાબંદરના ઘઉંના મોટા વેપારી દેવેન્દ્ર વોરાએ કહ્યું હતું કે રાજ્યમાં અનાજ પર માત્ર એક જ ટકો ટૅક્સ છે અને એ ટૅક્સ એટલો ઓછો છે કે કોઈ પણ વેપારી એ ટૅક્સ ગુપચાવતો નથી. રૅશનિંગ ડિપાર્ટમેન્ટની આ નીતિને કારણે સરકારને અને વેપારીઓને બધાને જ નુકસાન જાય છે. હાલમાં જ નવી મુંબઈના જેએનપીટી પોર્ટથી ૩૮ લાખ ટન ચોખા અને ૨૮ લાખ ટન ઘઉં  એક્સપોર્ટ થવાના હતા એ ગુજરાતના કંડલા અને મુદ્રા પોર્ટને ડાઇવર્ટ કરી દેવાયા, જેના કારણે માત્ર જેએનપીટીએ જ ધંધો ગુમાવ્યો એવું નથી, પણ એ આખી પ્રોસેસ સાથે સંકળાયેલાં અહીંનાં લોકલ વેરહાઉસ, દલાલભાઈઓ, ટ્રાન્સપોર્ટર્સ, ક્લિયરિંગ ફૉરવર્ડિંગ એજન્ટ અને હમાલ એમ બધાને જ નુકસાન ગયું છે. અત્યારે પણ ઓજીએલ (ઓપન જનરલ લાઇસન્સ) હેઠળ ચોખા ગમે એટલી મોટી માત્રામાં એક્સપોર્ટ કરી શકાય છે. મૂળ તો જે રાજ્યમાં જે પેદાશ હોય ત્યાં એના વેચાણ પર કોઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. ૩૩ રાજ્યોમાં ચોખાના વેચાણ પર, સ્ટૉક પર પાબંદી નથી, પણ આપણા મહારાષ્ટ્રમાં, જ્યાં ચોખાનું ઉત્પાદન થાય છે ત્યાં એના પર રિસ્ટ્રિક્શન છે. હવે ગોદામમાં જે માલ રૅશનિંગ ડિપાર્ટમેન્ટે સીલ કર્યો છે એમાં સ્વામિનારાયણ મંદિરનો માત્ર ૧૨૦ કિલો માલ છે. રૅશનિંગ ડિપાર્ટમેન્ટ એ માલ પણ છૂટો કરવા માગતો નથી. હવે આવી પરિસ્થિતિમાં કઈ રીતે ધંધો કરવો? માટે હવે વેપારીઓને જ્યાં સુધી રૅશનિંગ ડિપાર્ટમેન્ટ પાસેથી પોઝિટિવ અર્થમાં બાંયધરી નથી મળતી ત્યાં સુધી વેપારીઓ ધંધો નહીં કરે.’

એપીએમસી = ઍગ્રિક્લ્ચર પ્રોડ્યુસ માર્કે‍ટ કમિટી

ગ્રોમા = ગ્રેઇન, રાઇ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન

જેએનપીટી=જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ