મુંબઈ : ડિજિટલ પેમેન્ટ પ્રમોટ કરતા વેપારીઓને ઇન્સેન્ટિવ આપો

05 October, 2020 01:13 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ડિજિટલ પેમેન્ટ પ્રમોટ કરતા વેપારીઓને ઇન્સેન્ટિવ આપો

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં જ કહ્યું છે કે કરન્સી નોટ થકી કોરોનાનો ફેલાવો થવાની શક્યતા હોવાથી ધ કૉન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે (કૅઇટ) કેન્દ્ર સરકારને કહ્યું છે કે ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરનાર વેપારીને ઇન્ટેન્સિવ આપવામાં આવે.

કેઇટે આ સંદર્ભે તત્કાલીન નાણાપ્રધાન નિર્મલા સિતારમણને ૯ માર્ચ ૨૦૨૦ના એક પત્ર લખીને સ્પષ્ટીકરણ માગ્યું હતું કે શું કરન્સી નોટ બેક્ટેરિયા કે વાઇરસ કૅરી કરી શકે? જોકે એ પત્ર રિઝર્વ બૅન્કને મોકલવામાં આવ્યો હતો અને એ પછી હવે રિઝર્વ બૅન્કે તેનો જવાબ કેઇટને આપતા કહ્યું છે કે કરન્સી નોટ કદાચ બેક્ટેરિયા અને વાઇરસને કૅરી કરી શકે એથી તેનો સંપર્ક ટાળવા શક્ય હોય તેટલા વધુ ડિજિટલ પેમેન્ટ કરવા.

રિઝર્વ બૅન્કે આ બાબતે વધુમાં કહ્યું છે કે કોરોના વાઇરસનો સંસર્ગ ઓછો થાય કે ફેલાવો અટકાવવા લોકો ઘરેબેઠા મોબાઇલથી કે લૅપટૉપથી ઑનલાઇન પેમેન્ટ કરી શકે. એટલું જ નહીં ચલણી નોટોને ન અડવા માટે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકાય. આથી કેઇટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આરબીઆઇએ એના જવાબમાં કહ્યું છે કે ચલણી નોટ પર બેક્ટેરિયા અને વાઇરસ હોઈ શકે. એથી તેમણે સલાહ આપતાં કહ્યું છે કે ચલણી નોટોના સંપર્કમાં ન આવવું હોય તો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો.

એથી હવે કેઇટે નાણાપ્રધાનને વિનંતી કરતાં કહ્યું છે કે ડિજિટલ પેમેન્ટનો ફેલાવો વધે એ માટે સરકાર ઇન્ટેન્સિવ સ્કીમ જાહેર કરે. વળી બૅન્કો જે ડિજિટલ પેમેન્ટ માટે ચાર્જ કરે છે એ રદ કરવામાં આવે. સરકાર બૅન્કોને ડાયરેક્ટલી એ માટે સબસિડી આપે. વખત જતા આ સબસિડી સરકાર માટે બોજ નહીં રહે, કારણ કે આગળ જતા એટલી ચલણી નોટો છાપવાનો ખર્ચ બચી જશે.

કેઇટે આ બાબતે ધ્યાન દોરતાં વધુમાં જણાવ્યું છે કે રિઝર્વ બૅન્કે તેના ૨ ઑગસ્ટ ૨૦૧૯ના અહેવાલમાં કહ્યું હતું કે ૨૦૧૮-૧૯માં ચલણમાં ફરી રહેલી નોટોની વેલ્યુ અને વૉલ્યુમ બન્ને ૧૭ ટકા અને ૬.૨ ટકાથી વધી રૂપિયા ૨૧,૧૦૯ બિલ્યન અને ૧,૦૮,૭૫૯ મિલ્યન પીસ થયા છે. જો વેલ્યુની વાત કરવામાં આવે તો ૫૦૦ અને ૨૦૦૦ની નોટ જે ચલણમાં ફરી રહેલી ટોટલ વેલ્યુની ૮૦.૨ ટકા થવા જાય છે એનું ચલણ જે માર્ચ ૨૦૧૮ના અંતમાં હતું એ માર્ચ ૨૦૧૯માં ૮૦.૨ ટકા વધ્યું છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown nirmala sitharaman