ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહને મળ્યો કોરોના સામેના જંગમાં લોકોનો સાથ

20 April, 2020 11:21 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહને મળ્યો કોરોના સામેના જંગમાં લોકોનો સાથ

રાહતસામગ્રી સાથે પરાગ શાહ.

ગુજરાતીઓના અને ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા મુંબઈના ઘાટકોપરમાં બીજેપીના વિધાનસભ્ય પરાગ શાહે જાતદેખરેખ રાખી કોરાનાને નાથવા અનેક પગલાં લીધાં અને એમાં તેમને લોકોનો પણ સાથસહકાર સાંપડી રહ્યો છે. પરાગ શાહને જ્યારે આ બાબતે ‘મિડ-ડે’ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘કોરોનાની ગંભીરતા જોતાં ઘાટકોપર (ઈસ્ટ)ના મારા વિધાનસભા ક્ષેત્રમાં અમે શરૂઆતથી જ લાગી પડ્યા હતા. લૉકડાઉન ચાલુ થયું ત્યારે શરૂઆતના ૧૦ દિવસ તો સવારથી લઈને રાતે ૮ વાગ્યા સુધી સતત ફીલ્ડ પર રહીને કાર્યરત રહ્યા. મારી ૫૦થી ૬૦ જણની ટીમ છે જેમાં મારા સમર્થકો, બીજેપી કાર્યકર્તાઓ છે જે બધાં કામ વહેંચી લે છે. અમે બીએમસીની ટ્રક મંગાવીને ઘાટકોપર (ઈસ્ટ), ચેમ્બુરના બધા જ રસ્તાઓ ધોવડાવ્યા, સૅનિટાઇઝ કરાવ્યા. દરેક ઘરમાં બે-બે સૅનિટાઇઝરની એમ કુલ ૪.૫ લાખ બૉટલો આપી. હજી પણ આપી રહ્યા છીએ. એ ઉપરાંત રેલવે, પોલીસ, સરકારી ઑફિસો અને લોકોને એમ પાંચ લાખ કરતાં વધુ માસ્કનું પણ વિતરણ કર્યું છે. જે સ્લમ વિસ્તારો છે એમાં ૧૭,૦૦૦ કરતાં વધુ સીધાની કિટ જેમાં ઘઉંનો લોટ ચોખા અને અન્ય સામગ્રી હોય એનું વિતરણ કર્યું છે એટલું જ નહીં કોરોના ન ફેલાય એ માટે ઘાટકોપર (ઈસ્ટ)ની દરેક સોસાયટી, દરેક રસ્તા, દરેક ઝૂંપડપટ્ટી સૅનિટાઇઝ કરાઈ છે. એ માટે અમે અમારા ૨૭ પમ્પ વસાવ્યા છે.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે લૉકડાઉન હોવા છતાં લોકો રસ્તા પર નીકળી પડે છે એનું શું? ત્યારે પરાગભાઈએ કહ્યું હતું કે સ્લમ વિસ્તારમાં આ તકલીફ થોડીઘણી રહે છે. લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા નીકળી પડે છે ત્યારે મૂળ આ સમસ્યા ઊભી થાય છે. જોકે હવે ત્યાં પણ અમે પોલીસ બેસાડી દીધી છે એથી એમાં ઘટાડો નોંધાયો છે.

mumbai news mumbai coronavirus covid19 ghatkopar