મુંબઈ : લોકલ ટ્રેનોમાં ફેરિયાઓ બિન્દાસ ફરે છે

16 October, 2020 07:10 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : લોકલ ટ્રેનોમાં ફેરિયાઓ બિન્દાસ ફરે છે

વેસ્ટર્ન લાઇનની લોકલ ટ્રેનમાં ફેરિયો.

મુંબઈની ઉપનગરીય ટ્રેનો ફક્ત આવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે ચાલે છે. નિર્ધારિત વર્ગો સિવાયના લોકો રેલવે તંત્રના પરિસરમાં અને ખાસ કરીને ટ્રેનોમાં ન પ્રવેશે એ માટે નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે. એ નિયંત્રણના અમલ માટે કડક બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં સબર્બન ટ્રેનોમાં ફેરિયા તથા અન્ય લોકો જોવા મળતાં સૌને આશ્ચર્ય થયું છે. પશ્ચિમ રેલવેની પરાંની સેવાની ચર્ચગેટ તરફની ગાડીઓમાં એવા ફેરિયા તથા અન્ય (જેમને પ્રવાસની છૂટ અપાઈ નથી એવા વર્ગો)ના લોકોના પ્રવેશ બાબતે તપાસ કરતા રહેવાની રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને સૂચના આપવામાં આવી છે.

દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના કાર્યકર હિતેશ સાવેએ જણાવ્યું હતું કે ‘બે દિવસમાં અમારી સંસ્થા સહિત વિવિધ પ્રવાસી સંગઠનોએ રેલવે તંત્ર સમક્ષ ફરિયાદો નોંધાવી હતી. ઘણા લોકોએ ફેરિયા સહિત અન્ય લોકો ગાડીઓ-ટ્રેનોમાં ફરતા હોય એના વિડિયો અને ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. ફરિયાદ નોંધાવી ત્યારે પશ્ચિમ રેલવેના અધિકારીઓએ પરિસ્થિતિ બાબતે ચિંતા દર્શાવતાં RPFને નિયમિત રીતે તપાસ કરતા રહેવાની સૂચના આપી હતી ’

દરમ્યાન પશ્ચિમ રેલવેની સબર્બન ટ્રેનોમાં પ્રવાસ માટેનાં બનાવટી આઇડેન્ટિટી કાર્ડ્સના રોજના સરેરાશ ૨૦ કેસ પકડાતા હોવાનું તેના મુખ્ય પ્રવક્તા સુમીત ઠાકુરે જણાવ્યું હતું. ૧૫ જૂને આવશ્યક સેવાઓ માટે લોકલ ટ્રેનો શરૂ થયા પછી બીજી ઑક્ટોબર સુધીમાં બનાવટી આઇડેન્ટિટી કાર્ડ્સના પાંચ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (FIR) ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના અધિકારીઓએ નોંધી હતી. એ સમયગાળામાં ટિકિટ વગર પ્રવાસ અને ચાર્જ ચૂકવ્યા વગર સામાનની હેરફેરના ૪૫૫૫ કેસ પકડીને તેમની પાસેથી દંડરૂપે ૨૩.૨૪ લાખ રૂપિયા વસૂલ કર્યા છે. બોરીવલી અને અંધેરી સહિત વિવિધ ઠેકાણે ખોટાં આઇડી કાર્ડ્સ સાથે પ્રવાસ કરનારા ઝડપાયા હતા. મીરા રોડમાં ખોટાં આઇડી કાર્ડ સાથે ઝડપાયેલા માણસે ૧૦૦૦ રૂપિયામાં સફાઈ કામદારનું બનાવટી આઇડી કાર્ડ મળતું હોવાનું જણાવ્યું હતું. વિલે પાર્લે રેલવે-સ્ટેશન પર પ્રાઇવેટ કંપનીનો કર્મચારી મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારી તરીકેના ખોટા આઇડી કાર્ડ સાથે ઝડપાયો હતો.

mumbai mumbai news mumbai railways indian railways mumbai trains western railway coronavirus covid19 rajendra aklekar