25 September, 2026 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનોખી ગણપતિ થીમ
બોરીવલી-વેસ્ટની ક્લોવર ગ્રોવ સોસાયટીમાં ગણેશોત્સવનું તેરમું વર્ષ હતું. તેમને ત્યાં બાપ્પા તેમના પિતા શંકર ભગવાન અને માતા પાર્વતી સાથે પધાર્યા હતા. બાપ્પા માટે ખાસ તેમણે ૧૨ જ્યોતિર્લિંગની થીમ પર ડેકોરેશન કર્યું હતું. તમે બાપ્પાની મૂર્તિ પાછળ કેદારનાથ ધામ અને નીચે બાર જ્યોર્તિલિંગની પ્રતિકૃતિ જોઈ શકો છો.
થાણેના વાગલે એસ્ટેટના હીરામોતીનગરમાં હીરામોતી મિત્રમંડળ દ્વારા ભગવાન શ્રી રામના રૂપમાં ગણપતિની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી. હીરામોતીચા મહારાજા તરીકે જાણીતા આ બાપ્પાના માનમાં રામાયણ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. એમાં સીતાહરણ, લંકાદહન, રામસેતુના નિર્માણના પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા.
સાંતાક્રુઝમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ભાવેશ ઠક્કરના ઘરે આ વખતે દોઢ દિવસના ગણપતિ બેસાડ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ તેમનાં પત્ની બીજલ અને દીકરી પ્રિશાએ યુનિક થીમના ડેકોરેશન માટે છેલ્લા ૪ મહિનાથી તૈયારીઓ આરંભી દીધી હતી. તેમણે ભારતીય ટ્રેડિશનલ લીંપણ આર્ટને જીવંત કરતું ડેકોરેશન કર્યું હતું. બાપ્પાની બેઠકને મળેલો આખરી ઓપ જોઈને ૪ મહિનાની મહેનત લેખે લાગી હોવાનું ફીલ કરતાં બીજલ ઠક્કર કહે છે, ‘મુંબઈમાં લીંપણ આર્ટના નિપુણ કલાકારો બહુ ઓછા છે એટલે મોટા ભાગનું કામ આ આર્ટના ગામડાના કલાકારો પાસે કરાવ્યું હતું. કેટલુંક વર્ક છેક હૈદરાબાદથી બનાવડાવ્યું હતું. મારો આશય એટલો જ હતો કે ભુલાઈ રહેલી લીંપણ આર્ટને ફરી લોકો યાદ કરે. બાપ્પાના આગમન સાથે શ્રદ્ધા અને ભક્તિ તો હોય જ; પરંતુ એ માટે આ માત્ર ડેકોરેશન જ નહોતું, માટીના ટેક્સ્ચર પર મિરરવર્ક દ્વારા તૈયાર થતી અને પેઢી દર પેઢી વારસામાં મળતી ભારતીય હેરિટેજ કળાને ટ્રિબ્યુટ આપવાનો પણ આશય હતો.’
તેમને ત્યાં દર્શન કરવા આવનારા મહેમાનોને તેમણે ખૂબ જ આકર્ષક લીંપણ આર્ટનો પીસ રિટર્ન ગિફ્ટ તરીકે આપ્યો હતો. બીજલ કહે છે, ‘દર્શન એક વાર કરીને કદાચ લોકો એ ભૂલી જાય, પરંતુ મહેમાનો તેમના ઘરના મંદિરમાં મૂકી શકે એવા ક્લે-મિરર આર્ટની ગિફ્ટ પણ અમે ખૂબ મહેનતથી તૈયાર કરી હતી.’
કાંદિવલી-વેસ્ટમાં ઈરાનીવાડી રોડ પર કૃષ્ણ નિવાસ બિલ્ડિંગમાં કૃષ્ણ નિવાસચા રાજાનું ધામધૂમથી આગમન કરાયું હતું. આ વખતે તેમણે ડેકોરેશનની થીમ પ્રેમાનંદ ભવન રાખી હતી, જેમાં તેમણે વૃંદાવનના પ્રખ્યાત પ્રેમાનંદ મહારાજનો આશ્રમ બનાવ્યો હતો અને તેઓ પ્રવચન આપી રહ્યા હોય એવો માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
મુલુંડના LBS રોડ પર રુણવાલ પ્રાઇડમાં રહેતા મનીષ કલ્યાણજી આયાના ઘરે ક્રિકેટની થીમ પર ડેકોરેશન કરીને બાપ્પા બેસાડ્યા હતાં. રંગબેરંગી ડેકોરેશનમાં બાપ્પા ક્રિકેટ રમતા હોય એવા અલગ-અલગ પોઝનાં સ્ટિકર્સ લગાવ્યાં હતાં.
૩૯ વર્ષથી યુનિક થીમ પર ડેકોરેશન કરવા માટે જાણીતા મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર આવેલા શ્રીનિવાસ ગણેશોત્સવ મંડળે આ વખતે ટ્રાવેલિંગ દરમ્યાન વપરાતી સામગ્રીઓનો ઉપયોગ કરીને ગણપતિબાપ્પા બનાવ્યા હતા. વિસર્જનના દિવસે આ મૂર્તિને ડિસમેન્ટલ કરીને સામગ્રીઓ ઓલ્ડ એજ હોમમાં અને અનાથાશ્રમનાં બાળકોને દાન કરવામાં આવશે.