ગણેશમંડળોએ મહાપ્રસાદ માટેના નિયમો પાળવા જ પડશે

10 September, 2026 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

FDAએ અનાજ, દૂધ, પાણી, કેટરર્સ વગેરે માટે આપેલી ગાઇડલાઇન્સનું પાલન કરવું અનિવાર્ય, નિયમોનો અમલ આવતા વર્ષથી કરવાની મંડોળીની માગણી રિજેક્ટ થઈ ગઈ

પ્રતીકાત્મક તસવીર

ગણેશોત્સવ દરમ્યાન શ્રદ્ધાળુઓનું સ્વાસ્થ્ય અને ખાદ્ય પદાર્થોની સુરક્ષા જળવાઈ રહે એ માટે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ કડક વલણ અપનાવ્યું છે. FDA દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મુંબઈનાં આશરે ૧૨,૦૦૦ જેટલાં સાર્વજનિક ગણેશ મંડળો માટે ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે અને આમાં કોઈ પણ મંડળને છૂટછાટ આપવામાં આવશે નહીં.

સાર્વજનિક ગણેશ મંડળોના પ્રતિનિધિઓએ FDAએ સૂચવેલા નિયમો આવતા વર્ષે અમલમાં મૂકવાની માગણી કરી હતી, પણ FDAએ આ વર્ષથી જ નિયમોના કડક પાલનનો આદેશ આપ્યો હતો. અત્યારથી જ નાનાં કે મોટાં બધાં મંડળોએ FDA સમક્ષ નોંધણી કરાવવી પડશે અને મહાપ્રસાદ કે અન્ય વાનગીઓ બનાવવા માટે વપરાતી તમામ સામગ્રીનાં બિલ તથા હિસાબો સાચવવાં પડશે.

FDAની મુખ્ય સૂચનાઓ અને નિયમો

પ્રસાદ બનાવવાની વ્યવસ્થા : પ્રસાદ કે ભોજન મંડપમાં જ બનાવાય છે કે બીજે ક્યાંય, બનાવનારા કેટરર્સની વિગતો, બનાવેલું ભોજન કેટલા કલાક સુધી સ્ટોર કરી શકાશે અને સ્ટોર કરવાની વ્યવસ્થા, કેટલા લોકો માટે ભોજન બનાવવામાં આવશે, કિચન માટે પાણીની સ્વચ્છતા અને ભોજન પીરસનારાના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવી તમામ વિગતો FDAને આપવાની રહેશે.
FSSAI નોંધાયેલા વિક્રેતાઓ પાસેથી જ ખરીદી : મહાપ્રસાદ કે ભંડારા માટે વપરાતું દૂધ, અનાજ, શાકભાજી કે અન્ય સામગ્રી માત્ર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) હેઠળ રજિસ્ટર્ડ થયેલા વેપારીઓ પાસેથી જ ખરીદવાનાં રહેશે. મંડળોએ વેપારીનું બિલ અને FSSAI સર્ટિફિકેટ સાચવવું પડશે.

દાનમાં મળતા પ્રસાદનો રેકૉર્ડ : જો કોઈ વ્યક્તિ કે સંસ્થા મંડળને દાનરૂપે પ્રસાદ જેમ કે ૫૦ કિલો લાડુ આપે છે તો એ પ્રસાદ ક્યાંથી આવ્યો અને કોણે બનાવ્યો એની સંપૂર્ણ વિગતો રેકૉર્ડમાં રાખવી પડશે. હવેથી કોઈ પણ દસ્તાવેજી પુરાવા વિના પ્રસાદનો સ્વીકાર કરી શકાશે નહીં.

મહિલા બચત જૂથો માટેના નિયમો : મહિલાઓના સેલ્ફ-હેલ્પ ગ્રુપ પાસેથી પ્રસાદ કે ખોરાક લેતી વખતે મંડળોએ એ જૂથના લાઇસન્સની નકલ, ખરીદીની પહોંચ (બિલ) અને ખોરાક એ જૂથ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો છે એવું ડેક્લૅરેશન મોકલવાનું રહેશે.

mumbai news mumbai food and drink food and drug administration ganesh chaturthi