મુંબઈ: ઘરઆંગણે ગણેશવિસર્જન માટે નવો આઇડિયા

03 August, 2020 08:17 AM IST  |  Mumbai | Ashish Rane, Pallavi Smart

મુંબઈ: ઘરઆંગણે ગણેશવિસર્જન માટે નવો આઇડિયા

મલાડની વર્કશૉપમાં કળશ સાથે તુષાર સાવંત. તસવીર: આશિષ રાણે

કોવિડ-19 કટોકટીની વચ્ચે મુંબઈ શહેર ગણેશોત્સવની ઉજવણી કરવા માટે તૈયાર બન્યું છે, ત્યારે શહેરના એક ડિઝાઇનર દ્વારા સલામત વિસર્જન માટે નવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે.

અંધેરીમાં રહેતા તુષાર સાવંત નામના આર્ટિસ્ટે વિવિધ કદના કળશ તૈયાર કર્યા છે, જેમાં કોરોનાની મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા તેમ જ તમામ રીતિરિવાજોનું પાલન કરીને ગણેશવિસર્જન કરવું શક્ય બનશે.

કોરોનાના સંકટને ધ્યાનમાં રાખી આ વખતે તમામ તહેવારોની ઉજવણી દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.

સરકારે જ્યારે વિસર્જન માટે પણ વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂક્યો છે તો અનેક ગણેશભક્તો ધરમાં જ ગણેશવિસર્જન કરવા વિશે વિચારી રહ્યા છે. જેમાંના અનેક બાલદીમાં ગણેશવિસર્જન કરવા વિશે વાત કરી રહ્યા હતા. લોકોના વિચારોને પગલે મને કળશ બનાવવાનો ખ્યાલ આવતાં મારી મલાડસ્થિત વર્કશૉપમાં કળશ તૈયાર કર્યા હતા, એમ તુષાર સાવંતે જણાવ્યું હતું.

કદ પ્રમાણે ઓછામાં ઓછા ૩૫૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાના ખર્ચે તૈયાર કરાતા ફાઇબર ગ્લાસના બનેલા ૨૨ ઇંચથી ૪૦ ઇંચના કળશમાં કદના આધારે બહુવિધ વિસર્જન માટે ૨થી ૩ વર્ષ માટે વાપરી શકાશે, એમ તુષાર સાવંતે ખાતરીપૂર્વક જણાવ્યું હતું.

કળશમાં પીઓપી કે માટીની એક મૂર્તિનું વિસર્જન થતા લગભગ એક કલાકનો સમય લાગશે. કળશની નીચે આવેલા છિદ્રમાંથી પાણી વહી ગયા બાદ એમાં બીજી મૂર્તિનું વિસર્જન કરી શકાશે.

lockdown coronavirus covid19 malad ganesh chaturthi pallavi smart