પિકનિક સાથે જીવદયા અને સાથે જ કંકોતરી પણ વહેંચી

15 January, 2020 07:52 AM IST  |  Mumbai | Alpa Nirmal

પિકનિક સાથે જીવદયા અને સાથે જ કંકોતરી પણ વહેંચી

તમામ આમંત્રિતોનો ગ્રુપ-ફોટો.

આજકાલ જાતજાતનાં પ્રી-વેડિંગ ફંક્શન કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. બીચ પાર્ટી, કૉકટેલ પાર્ટી, ક્રિકેટ, સંગીતસંધ્યા, બૅચલર પાર્ટી, સ્પિનસ્ટર પાર્ટી વગેરે વગેરે. જોકે મુંબઈમાં ખેતવાડીમાં રહેતા મૂળ વાગડના નવીનભાઈ ગાલા અને પ્રીતિબહેન ગાલાએ પોતાના મોટા દીકરા નૈતિકના લગ્નપ્રસંગની કંકોતરી નજીકનાં સગાંસંબંધીઓને આપવા માટે અલબેલો કાર્યક્રમ યોજ્યો હતો. તેઓને પિકનિક કમ-જાત્રા-કમ-પાંજરાપોળની મુલાકાતે લઈ જઈને ત્યાં જ કંકોતરી વહેંચી હતી.  

કાગળનો બિઝનેસ કરતા નવીનભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું ઘણાં વર્ષોથી વિવિધ સમાજસેવી અને જીવદયાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું એટલે વિચાર કર્યો કે અમારા ઘરે આવતા પહેલા પ્રસંગ સાથે પણ આવું કોઈ સદ્કાર્ય જોડીએ અને નક્કી કર્યું કે નજીકનાં સગાંસંબંધીઓના ઘરે આમંત્રણ-કાર્ડ આપવા જવાને બદલે બધાને ભેગાં કરીને તેમની જાત્રા સાથે જીવદયાનાં કાર્યો થાય એવું ગોઠવીએ.’  

જીવદયા ધામમાં ગાયને ઘાસ ખવડાવી રહેલો ગાલા પરિવાર

નવીનભાઈ વધુમાં કહે છે, ‘ઘરમાં પ્રસંગ હોય ત્યારે અંગત સગાંસંબંધીઓ કે વડીલોને રૂબરૂ આમંત્રણ આપવા જવું જોઈએ, પરંતુ કોઈ રહેતું હોય વેસ્ટર્ન સબર્બમાં તો કોઈ મધ્ય ઉપનગરમાં.  બધે જવાની દોડાદોડી તો ખરી, વળી આપણે જઈએ એ દિવસના ટાઇમે પુરુષો તો કામધંધે હોય એટલે તેઓ તો મળે જ નહીં. એના કરતાં એ બધા લોકો એકસાથે મળે, આનંદ-પ્રમોદ થાય અને પર્સનલ ઇન્વિટેશન આપવાનું પણ થઈ જાય એ વિચારે આવો પ્રોગ્રામ ગોઠવ્યો.’

સમાજમાં મૅચિંગ કપલ (સામાજિક પ્રસંગોએ મૅચિંગ કપડાં પહેરવા બદલ) તરીકે ઓળખાતા ગાલા દંપતીએ તેમના દીકરાના ૧૨ ફેબ્રુઆરીએ થનારા લગ્નની કંકોતરી વહેંચવા માટેનો કાર્યક્રમ બે સેગમેન્ટમાં યોજ્યો હતો. પ્રીતિબહેનના પિયર અને મોસાળનાં ૭૫ સગાંઓને  વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા  જૈન તીર્થ લોઢા ધામ, મહાવીર ધામ, જીવદયા ધામ લઈ ગયા અને એ પ્રમાણે જાન્યુઆરીએ  નવીનભાઈના કુટુંબ અને મોસાળનાં ૧૨૫ સગાંઓને જાત્રા કરાવી.

પ્રીતિબહેન કહે છે, ‘અમારાં સગાં ભાઈ-બહેન સહકુટુંબ. બાકીનાઓમાં કાકા, ફોઈ, મામા-માસીના ઘરેથી બે-બે વ્યક્તિઓને લઈ ગયા હતા. મારા સાસરા પક્ષ સાથે અમારા મિત્રોને પણ જોડ્યા હતા. રવિવારે વહેલી સવારે અહીંથી બસ ઊપડીને લોઢા ધામ ગઈ. જ્યાં દર્શન કરી, ચા-પાણી-નાસ્તો કર્યા બાદ બપોરે મહાવીર ધામ પહોંચ્યા. અગેઇન, અહીં દર્શન અને ભાવપૂજા કરીને જમ્યા. અહીં નજીક આવેલા જીવદયા ધામમાં રહેલી ૨૫૦ ગાયોને લાપસી, ઘાસ, મકાઈના લાડુનું નિરણ કરાવ્યું અને અંતે ત્યાંના હૉલમાં દરેક મહેમાનોને કાર્ડ આપ્યાં. 

આ પણ વાંચો : મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સ્ટુડન્ટ્સનો પ્રૉટેસ્ટનો બાઉન્સર

નવીનભાઈ કહે છે, ‘આ પિકનિક-કમ-ગેટ ટુગેધરમાં બધાને બહુ મજા પડી. એમાં બે મહિનાનું બાળક પણ હતું, તો ૮૪ વર્ષના મારા પપ્પા પણ હતા. મહેમાન બહેનોએ લગ્નનાં ગીત ગાયાં અને એવો માહોલ થઈ ગયો જાણે મારા દીકરા નૈતિકની જાન હોય. આ બે કાર્યક્રમમાં અમે ૬૦૦ કંકોતરી વહેંચી. અમારા સેકન્ડ કઝિન સુધી તો બધાને અમે નિમંત્ર્યા હતા. ત્યાર પછી એક્સટેન્ડેડ ફૅમિલીની કંકોતરી અમે તેઓને પહોંચાડવા આપી દીધી હતી.’

mumbai mumbai news