મુંબઈ: માથેરાનમાં ફ્યુનિક્યુલર રેલવે દોડાવવાનો પ્રસ્તાવ

23 July, 2020 11:08 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: માથેરાનમાં ફ્યુનિક્યુલર રેલવે દોડાવવાનો પ્રસ્તાવ

માથેરાનમાં ફ્યુનિક્યુલર રેલવે

૧૧૩ વર્ષ જૂની માથેરાન નેરો ગેજ રેલવેને ફ્યુનિક્યુલર રેલવેના સ્વરૂપમાં નવો સ્પર્ધક મળ્યો છે. લૉકડાઉનની વચ્ચે સાતમી જુલાઈએ એમએમઆરડીએએ ફ્યુનિક્યુલર રેલવેને મંજૂરી આપી હતી, જેને પગલે સ્થાનિક રહીશો, નિષ્ણાતો અને પ્રવાસીઓમાં આનંદનું મોજું ફરી વળ્યું છે, પરંતુ સાથે-સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે પરિવહનનો આ પ્રકાર જૂની લોકપ્રિય રેલવે લાઇનની પૂરક બની રહેવી જોઈએ.

ફ્યુનિક્યુલર રેલવે હિલ સ્ટેશનના જોડાણના પ્રશ્નોનો ઉકેલ લાવશે. માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન અમે આ વિચાર સૌપ્રથમ વખત રજૂ કર્યો હતો અને સમગ્ર પ્રોજેક્ટનો વ્યવહારું સંભવિતતા ધરાવતો અહેવાલ તૈયાર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ યોજનાને આખરે જીવંત સ્વરૂપ મળી રહ્યું છે, એ જોઈને અમે ખુશ છીએ, એમ માથેરાન મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ પ્રમુખ મનોજ ખેડકરે જણાવ્યું હતું.

ખેડકરે જણાવ્યું હતું કે ‘રેલવે આ હિલ સ્ટેશનની જીવાદોરી છે, પરંતુ એની પોતાની મર્યાદાઓ છે અને આ પ્રદેશ પ્રવાસન પર નિર્ભર હોવાથી આ સુવિધા માથેરાન માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

જર્મનીસ્થિત આંતરરાષ્ટ્રીય રેલવે નિષ્ણાત ફ્રેન્ક વિંગ્લરે તાજેતરમાં જ માથેરાનની મુલાકાત લીધી હતી. આ યોજના બાબતે તેમણે શંકા વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને પાઠવેલા ઈ-મેઇલમાં જણાવ્યું હતું કે ‘ટ્રેજેક્ટર પરની એક ૮૦૦ મીટર ક્લાઇમ્બિંગ રેલ વન વિસ્તાર અથવા તો ઇકૉલૉજીની દૃષ્ટિએ સંવેદનશીલ ઝોનમાંથી કેવી રીતે કાઢી શકાય? વળી આ માટે કનેક્ટિંગ ટ્રાન્સપોર્ટ રૂટ તરીકે માથેરાન સુધીના સપાટ માર્ગની પણ જરૂર પડશે.’

matheran central railway mumbai news mumbai