મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ફાસ્ટૅગના નામે છેતરપિંડી

15 January, 2020 10:06 AM IST  |  Mumbai

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ફાસ્ટૅગના નામે છેતરપિંડી

હાઈવે

કેન્દ્ર સરકારે વાહનચાલકોનો સમય બચાવવા માટે હાઇવે પર ફાસ્ટૅગની સુવિધા શરૂ કરી છે, પરંતુ આ સુવિધામાં પુણ-મુંબઈ એક્સપ્રેસવે પર પ્રવાસીઓ પાસેથી ડબલ ટોલ વસૂલાતો હોવાનું જાણવા મળ્યું છે. દરરોજ આવી ફરિયાદો મળી રહી હોવાનું ટોલ વસૂલ કરતી કંપની પણ સ્વીકારે છે, પરંતુ એનું સૉલ્યુશન ન લાવતી હોવાનો આરોપ થાય છે.

એક્સપ્રેસવે પર મુંબઈથી પુણે પ્રવાસ કરતી વખતે વાહનચાલકોએ ૨૩૦ રૂપિયા ટોલ ચૂકવવો પડે છે. જોકે પુણેથી મુંબઈ જતી વખતે રાહુલ નામના કારધારકના તળેગાવ ટોલનાકા પર ફાસ્ટૅગના અકાઉન્ટમાંથી ૧૭૩ રૂપિયા ડેબિટ થઈ ગયા, પરંતુ તેમને મેસેજ નહોતો આવ્યો. એથી તેમની પાસેથી ૨૩૦ રૂપિયા ટોલ વસૂલવામાં આવ્યો. થોડા આગળ ગયા બાદ ૧૭૩ રૂપિયા ડેબિટ થવાનો મેસેજ મળ્યો હતો આથી તેમણે ૨૩૦ને બદલે ૪૦૩ રૂપિયા ટોલ ચૂકવવો પડ્યો.

આ પણ વાંચો : મુંબઈ : ગોરેગામના ચોરને સ્ત્રીવેશમાં જ ચોરી કરવાની અજબ ટેવ

આવી જ રીતે મુંબઈથી સૂર્યકાંત પારેખે ફાસ્ટૅગથી ખાલાપુર જવા માટે ૧૭૩ રૂપિયા અને તળેગાવ ટોલનાકા પર ૫૭ રૂપિયાને બદલે ફરી ૧૭૩ રૂપિયા ચૂકવવા પડ્યા. તેમણે ૧૧૬ રૂપિયા વધુ ટોલ આપવો પડ્યો. નૅશનલ હાઇવે પર કેટલો ટોલ લેવો જોઈએ, ટોલ લેવા માટે કેટલો સમય હોવો જોઈએ એ વિશે સરકાર કોઈ ઉકેલ લાવી શકી નથી. આથી ટોલનાકા પર લોકોના સમયની બચત થાય એ માટે દેશભરમાં ફાસ્ટૅગ સિસ્ટમ અમલમાં મૂકી છે. ફાસ્ટૅગથી માનવકલાક અને ઈંધણ મળીને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની બચત થશે, પણ સામાન્ય નાગરિકોની લૂંટ અટકવાનું નામ નથી લેતી.

mumbai pune expressway mumbai news mumbai