ડેન્ગીની સારવાર દરમ્યાન ટીનેજરના મૃત્યુ માટે જવાબદાર ડૉક્ટર સામે કેસ

25 January, 2020 10:45 AM IST  |  Mumbai | Samiullah Khan

ડેન્ગીની સારવાર દરમ્યાન ટીનેજરના મૃત્યુ માટે જવાબદાર ડૉક્ટર સામે કેસ

કાજલ ચૌધરી

ડેન્ગીની સારવાર માટે વસઈના નર્સિંગ હોમમાં દાખલ થયાના બીજા જ દિવસે ૧૬ વર્ષના દરદીનું મોત નીપજ્યાના ચાર મહિના બાદ માણિકપુર પોલીસે ડૉક્ટર વિરુદ્ધ બેદરકારી દાખવવાનો ગુનો દાખલ કર્યો છે.

સિવિલ મેડિકલ ઑથોરિટીની એક પેનલ તેની ઇન્ક્વાયરી દરમ્યાન મૃતક છોકરીને જે સારવાર આપવામાં આવી હતી તેનો અભ્યાસ કરીને એ તારણ પર પહોંચી હતી કે વસઈ-વેસ્ટ ખાતે દીનદયાલ નગરમાં આવેલા પ્રકાશ નર્સિંગ હોમના ડૉ. પ્રકાશ શિંદેએ અત્યંત લાપરવાહી દાખવી હતી. જે રિપોર્ટના આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે, તે રિપોર્ટ બુધવારે માણિકપુર પોલીસને આપવામાં આવ્યો હતો.

મૃતક કાજલ ચૌધરી વસઈ-વેસ્ટમાં સાંઈનગર ખાતે તેનાં માતા-પિતા અને બે નાના ભાઈ સાથે રહેતી હતી. દસમા ધોરણમાં ભણતી કાજલને ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ સવારે સાડા દસ વાગ્યે નર્સિંગ હોમમાં દાખલ કરાઈ હતી. ત્યાં બીજા દિવસે બપોરે દોઢ વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.

પરિવારના જણાવ્યા પ્રમાણે કાજલ જ્યારે તેના બીમાર કાકાને મળવા માટે માતા સાથે નર્સિંગ હોમ ગઈ ત્યારે તેને તાવ આવતો હતો અને માથું દુખતું હતું. કાકાએ કાજલને ડૉ. શિંદેની સલાહ લેવાનું સૂચન કર્યું હતું. શિંદેની સલાહ અનુસાર કાજલને હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બીજા દિવસે અચાનક જ કાજલની તબિયત લથડી હતી. કાજલના કાકા ચંદન ચૌરસિયાએ જણાવ્યું હતું કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અમે નર્સ અને ડૉક્ટરને પૂછ્યું, પણ કોઈએ કશું જણાવ્યું નહીં. અમે તેને મોટી હૉસ્પિટલમાં લઈ જવા માટે પણ તેમને પૂછ્યું, પણ કોઈએ અમારું સાંભળ્યું નહીં. થોડી જ વારમાં તેના ગળામાં ટ્યૂબ નાખવામાં આવી અને તેને બીજા વૉર્ડમાં ખસેડવામાં આવી. થોડી વાર પછી એક નર્સે અમને તેના મોતના સમાચાર આપ્યા.

આ પણ વાંચો : વંચિત બહુજન આઘાડીના મહારાષ્ટ્ર બંધ દરમ્યાન બસ પર પથ્થરમારો

તેના મોં અને નાકમાંથી લોહી નીકળ્યું હતું. ડૉક્ટરો હૉસ્પિટલમાંથી ભાગી ગયા. સેંકડો સ્થાનિકો અને અમારા પાડોશીઓ હૉસ્પિટલ આવી પહોંચ્યા. પોલીસ પણ ત્યાં આવી. તેમણે કાજલના મૃતદેહને ઑટોપ્સી માટે જે.જે. હૉસ્પિટલ મોકલ્યો હતો, એમ ચૌરસિયાએ ઉમેર્યું હતું. કાજલનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ હજી સુધી પ્રસિદ્ધ કરાયો નથી. તેના વીસેરા પણ ટેસ્ટ માટે મોકલાયા હતા.

mumbai crime news Crime News mumbai crime branch samiullah khan vasai