મુંબઈ: બઘીરાને શોધવા વન વિભાગે કૅમેરા ગોઠવ્યા

15 July, 2020 07:02 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ: બઘીરાને શોધવા વન વિભાગે કૅમેરા ગોઠવ્યા

રત્નાગિરિના કૂવામાંથી બચાવાયેલો કાળા રંગનો દીપડો

કોંકણના રત્નાગિરિ જિલ્લામાં ફરી રહેલા દુર્લભ કાળા દીપડાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો એના ગણતરીના સમયમાં જ વન વિભાગે દીપડાની તસવીરો મેળવવા માટે કૅમેરા ટ્રૅપ્સ ગોઠવી દીધાં છે.

રત્નાગિરિના સંગમેશ્વર તાલુકાના કોંડિવારે ગામના સ્થાનિકોએ થોડા દિવસ અગાઉ ગામ નજીકના વન પ્રદેશ નજીક આ સુંદર પ્રાણીને જોયું હતું. તક ઝડપી લઈને એક ગામવાસીએ દીપડાનો વિડિયો ઉતારી લીધો હતો, જે ટૂંક સમયમાં જ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો, જેને વન્ય જીવપ્રેમીઓનો ઉત્તેજનાસભર પ્રતિસાદ સાંપડ્યો છે.

વન વિભાગે વિડિયોની નોંધ લઈને કાળા દીપડાની તસવીરો લેવા માટે આ પ્રદેશમાં કૅમેરા ગોઠવ્યા છે. કોલ્હાપુરના ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ વી. ક્લેમેન્ટ બેને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે અમે આ વિસ્તારમાં દેખાયેલા કાળા દીપડાની તસવીરો મેળવવા કોંડિવારે ગામમાં બે કૅમેરા ટ્રૅપ ગોઠવ્યાં છે.

આ પ્રદેશના કેટલાક સ્થાનિકોએ પણ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૨૦૧૩માં કેટલાક ગ્રામજનોએ વન વિભાગને કાળો દીપડો જોયાની માહિતી આપી હતી, પરંતુ તેમના દાવાને ગંભીરતાથી લેવાયા ન હતા, કારણ કે તેમની પાસે કોઈ ફોટોગ્રાફિક પુરાવો ન હતો. આ વિસ્તારમાં છેલ્લે ડિસેમ્બર ૨૦૧૩માં કાળા દીપડાનો ફોટોગ્રાફિક પુરાવો મળ્યો હતો. એ સમયે રત્નાગિરિ જિલ્લાના રાજાપુર નજીકના ગામના રહેવાસીઓએ આ પ્રાણીને કૂવામાં ફસાઈ ગયેલું જોયું હતું અને અધિકારીઓએ એને બચાવી લીધું હતું.’

કાળો દીપડો કોને કહેવાય?

ઘેરા રંગના દીપડાને કાળો દીપડો (બ્લૅક પૅન્થર કે બ્લૅક લેપર્ડ) કહેવામાં આવે છે. આ દીપડા પશ્ચિમ ઘાટ અને ઉત્તર-પૂર્વ ભારતનાં જંગલોમાં જોવા મળે છે. તેમના શરીરમાં મેલૅનિનનું પ્રમાણ વધુ હોવાને કારણે તેમનો રંગ કાળો હોય છે. તેમની રૂંવાટીનો રંગ વાદળી, કાળો, રાખોડી અને જાંબુડિયા રંગનું મિશ્રણ હોય છે.

mumbai mumbai news ranjeet jadhav ratnagiri konkan