નકલી માવો સંગ્રહ કરી રહેલા કોલ્ડ સ્ટોરેજવાળા પર એફડીએની તવાઈ

25 October, 2011 07:29 PM IST  | 

નકલી માવો સંગ્રહ કરી રહેલા કોલ્ડ સ્ટોરેજવાળા પર એફડીએની તવાઈ

 

(ઉર્વશી સેઠ)

મુંબઈ, તા. ૨૫

એફડીએના જૉઇન્ટ કમિશનર જી. એચ. રાઠોડે કહ્યું હતું કે તમામ કોલ્ડ સ્ટોરેજના માલિકોને આ વિશે એક બેઠકમાં બોલાવીને સૂચના આપવામાં આવી છે. એફડીએના એક અધિકારીએ કહ્યું હતું કે ‘દિવાળીના તહેવાર દરમ્યાન નકલી માવો બનાવનારા ઘણા લોકો એફડીએને ભરમાવવા માટે પોતાના આ નકલી માવાને પણ કોલ્ડ સ્ટોરેજમાં મૂકે છે. વળી આ સૂચના માવા ઉપરાંત તમામ ખાદ્યપદાર્થ માટે પણ છે.’

જોકે મીઠાઈવિક્રેતાઓ એફડીએના આ નવા ફતવાથી નારાજ છે. તેમની એવી દલીલ છે કે ‘દિવાળીને માત્ર બે દિવસ બાકી છે ત્યારે જ તેમની આંખ ખૂલે છે. આ કાયદાથી મરો માત્ર નાના વેપારીઓનો જ થવાનો છે. વળી એફડીએ રેઇડ પાડે તો એનો રિપોર્ટ આવતાં પંદર દિવસ થઈ જાય છે. ત્યાં સુધીમાં તો તહેવાર પણ પૂરો થઈ જશે. એફડીએએ નકલી માવા સામે કાર્યવાહી કરવી જોઈએ અને માવાની ખેંચ પડે એવી કાર્યવાહીથી બચવું જોઈએ. જો માવાના સ્ટોરેજ માટે પણ એફડીએનું લાઇસન્સ લેવાનું હશે તો અમે માવાની મીઠાઈઓ બનાવવાનું જ બંધ કરી દઈશું.’

કાંદિવલીની રહેવાસી રેશમા શાહે પણ મીઠાઈવિક્રેતાઓના સૂરમાં સૂર પુરાવતાં કહ્યું હતું કે ‘જ્યાંથી માવો બનીને આવે છે ત્યાં તપાસ કરવી જોઈએ, કારણ કે અંતે તો સામાન્ય ગ્રાહકને જ વેઠવું પડે છે. વધારે પૈસા આપીને લાવવામાં આવેલી મીઠાઈ ખાવાયોગ્ય જ ન હોય એના કરતાં વધુ ખરાબ સ્થિતિ વધુ શું હોઈ શકે.’

ચાંદીનો ભાવ વધ્યો તો ઍલ્યુમિનિયમના વરખ

સમગ્ર દેશમાં દિવાળીનો ઉત્સવ ઊજવાતો હોય ત્યારે પણ કેટલાક લોકો નકલી માવાવાળી મીઠાઈ ગ્રાહકોને સસ્તામાં પધરાવી દઈને તેમની દિવાળી બગાડતા હોય છે. ‘મિડ-ડે’એ ૨૦ ઑક્ટોબરે શહેરના નેહરુનગર, અંધેરી (ઈસ્ટ), નાના ચોક, ઘાટકોપર (વેસ્ટ) તથા બાંદરા (વેસ્ટ)માં આવેલી પાંચ જેટલી મીઠાઈની દુકાનની મુલાકાત લીધી જ્યાંથી લોકો મીઠાઈ ખરીદતા હોય છે. અહીંથી માવાના પેંડા, માવાની બરફી તથા ચૉકલેટ બરફી ખરીદી એનાં સૅમ્પલ સુધરાઈની દાદરમાં આવેલી લૅબોરેટરીમાં જમા કરાવ્યાં. આ પાંચ દુકાનોમાંની નેહરુનગરમાં આવેલી એક શૉપની મીઠાઈમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ આવ્યો છે. મીઠાઈની ઉપર ચાંદીનો જે વરખ ચોંટાડવામાં આવે છે એ ચાંદીનો નહીં પણ ઍલ્યુમિનિયમનો હતો. એ ખાવાથી અન્નનળી તથા પેટને ભારે નુકસાન થઈ શકે છે. અન્ય દુકાનોનાં સૅમ્પલમાં કોઈ ભેળસેળ મળી નહોતી. કોઈ પણ જગ્યાએથી મીઠાઈ ખરીદતાં પહેલાં એક વાર સૂંઘી લેવી જોઈએ અને બની શકે તો ખાવા પણ માગવી જોઈએ. જો આ મીઠાઈ હાથ લગાડતાં સૂકી અને કડક લાગે તથા એને ખાવાથી ગળું બળે જેવું લાગે તો ન ખરીદવી.